અમેરિકા અને ઇઝરાયલ ફરીથી ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Fatemeh Bahrami/Anadolu via Getty Images
કેટલાક ઈરાની અધિકારીઓએ અમેરિકા અને ખાડીના દેશોને ફરીથી યુદ્ધની શરૂ થવાની આશંકા અંગે ચેતવણી આપી છે.
ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહમ્મદ મોખબેરે, ગલ્ફ દેશોમાં અમેરિકાના બેઝ પર તાજેતરના ઈરાની હુમલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, "તાજેતરના યુદ્ધમાં સેન્ટકૉમ (યુએસ સેન્ટ્રલ કમાન્ડ) બેઝ પર અમારા જવાબી હુમલાઓ અત્યંત સંયમિત હતા, પરંતુ આ સંયમ હંમેશાં રહેશે નહીં."
તેમણે વધુમાં કહ્યું કે "ઈરાન વર્ષોથી આ દેશોને મિત્રો અને ભાઈઓ તરીકે જોયા, પરંતુ તેઓએ પહેલેથી જ તેમની સ્વતંત્રતા વેચીને અને પોતાનાં દેશ અને ઘરો પેલેસ્ટાઇન અને ઈરાનના દુશ્મનોને સોંપી દીધાં છે."
ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવાલય સાથે સંકળાયેલા મીડિયા આઉટલેટ, નૂર ન્યૂઝે એક અનામી વરિષ્ઠ લશ્કરી અધિકારીને ટાંકીને ચેતવણી આપી છે કે જો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવે છે, તો "40 દિવસના યુદ્ધ દરમિયાન જે લક્ષ્યોને કોઈ કારણોસર નિશાન બનાવવામાં આવ્યાં ન હતાં તે આ વખતે પ્રાથમિક ઑપરેશનલ સૂચિમાં હશે."
આ અગાઉ, ન્યૂ યૉર્ક ટાઇમ્સે મધ્ય પૂર્વના બે અનામી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અમેરિકા અને ઇઝરાયલ ફરીથી ઈરાન પર હુમલો કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યાં છે અને તેની તૈયારી કરી રહ્યાં છે.
આ હુમલાઓ આવતા અઠવાડિયા સુધીમાં શરૂ થઈ શકે છે.
નામ ન આપવાની શરતે ન્યૂ યૉર્ક ટાઇમ્સ સાથે વાત કરતાં બંને અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ પછી અમેરિકા અને ઇઝરાયલની તૈયારીઓ સૌથી વ્યાપક લશ્કરી તૈયારીઓ છે.
અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીએ આ અઠવાડિયે અમેરિકાની કૉંગ્રેસને જણાવ્યું હતું કે પેન્ટાગોન પાસે વિવિધ પરિસ્થિતિઓ માટે યોજનાઓ છે, જેમાં જો જરૂરી હોય તો યુદ્ધ ફરી શરૂ કરવું અને પ્રદેશમાંથી સૈનિકો ઘટાડવા કે પાછા ખેંચવાનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂ યૉર્ક ટાઇમ્સે અમેરિકાના અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરવાનું નક્કી કરે છે, તો એક વિકલ્પ ઈરાનનાં લશ્કરી ઠેકાણાઓ અને માળખાગત ઢાંચાઓ પર મોટા પાયે બૉમ્બમારો કરવાનો છે, જ્યારે બીજો વિકલ્પ જમીની અભિયાનનો છે, જે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને દૂર કરવાનો પ્રયાસ કરશે.

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Image
12 દિવસના યુદ્ધ દરમિયાન પરમાણુ સ્થળો પર બૉમ્બમારો થયા બાદ આ ભંડાર કાટમાળ નીચે દટાયેલા હોવાનું માનવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ચીન મુલાકાત અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત છતાં, ઈરાન યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની પર કોઈ નક્કર પરિણામો પ્રાપ્ત ન થયાં, તેથી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની અટકળો વધુ વધી ગઈ.
મંગળવારે ચીન જતા પહેલાં ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી હતી કે તેણે અમેરિકા સાથે કરાર કરવો પડશે નહીંતર તે 'નષ્ટ' કરી દેવામાં આવશે.
સોમવારે તેમણે ઈરાન સાથેના યુદ્ધવિરામને ખૂબ જ નાજુક ગણાવ્યો.
આ નિવેદનો બાદ, ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે કહ્યું કે ઈરાની સશસ્ત્ર દળો "બીજા પક્ષથી આક્રમણ"નો જવાબ આપવા માટે તૈયાર છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "ખોટી રણનીતિ અને ખોટા નિર્ણયોનાં હંમેશાં ખોટાં પરિણામો આવે છે. અમે દરેક વિકલ્પ માટે તૈયાર છીએ. અમે તેમને આશ્ચર્યચકિત કરીશું,"
પાકિસ્તાનના ગૃહમંત્રી અચાનક તેહરાન પહોંચ્યા

ઇમેજ સ્રોત, IRNA
આ દરમિયાન, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી આઈઆરએનએએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી "પૂર્વ સૂચના વિના" તહેરાન પહોંચી ગયા છે.
બીબીસી પર્શિયન અનુસાર, આઈઆરએનએએ તેનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મોહસીન નકવી થોડા કલાકો પહેલા તહેરાન પહોંચ્યા હતા અને તેઓ કેટલાક ઈરાની અધિકારીઓને મળવા જઈ રહ્યા છે.
પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચેના વર્તમાન યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી રહ્યું છે અને તેમણે અગાઉ પણ એક વખત શાંતિ મંત્રણા માટે ઈરાની અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું આયોજન કર્યું હતું.
જોકે, આ શાંતિ મંત્રણા હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા મતભેદોને કારણે આ વાટાઘાટોનો બીજો રાઉન્ડ આયોજિત થઈ શક્યો નહીં.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ એક મહિના પહેલા આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે ઈરાનની મુલાકાત લીધી હતી.
'યુરોપિયન દેશો ઈરાન સાથે વાત કરી રહ્યા છે'

ઇમેજ સ્રોત, Amirhossein KHORGOOEI / ISNA / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, યુરોપિયન દેશો તેમનાં જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપવા અંગે ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છે.
બીબીસી પર્શિયન સર્વિસ અનુસાર, આ સમાચાર ઈરાન ટેલિવિઝન ન્યૂઝ નેટવર્ક અને ઈરાની બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે.
યુરોપિયન દેશોનું નામ લીધા વિના, તેમાં કહેવામાં આવ્યું છે કે, "પૂર્વ એશિયાઈ દેશો, ખાસ કરીને ચીન, જાપાન અને પાકિસ્તાનનાં જહાજોના પસાર થવાને પગલે, અમને આજે માહિતી મળી છે કે યુરોપિયન દેશોએ પણ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેમનાં જહાજોને પસાર થવાની પરવાનગી મેળવવા માટે રિવૉલ્યુશનરી ગાર્ડ નેવી સાથે વાટાઘાટો શરૂ કરી છે."
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇરાને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ લગભગ બંધ કરી દીધો છે.
આ જળમાર્ગ પર ઈરાનના નિયંત્રણની વિશ્વભરનાં તેલ અને ગૅસ બજારો પર ઊંડી અસર પડી છે.
સામાન્ય દિવસોમાં, તેલ અને એલએનજીની વૈશ્વિક નિકાસનો લગભગ પાંચમો ભાગ આ દરિયાઈ માર્ગે પસાર થાય છે, સાથે સાથે ઘણી બધી આવશ્યક ચીજવસ્તુઓ પણ અહીંથી જ પસાર થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















