'મારું શરીર સાથ આપશે ત્યાં સુધી હું બાળકો પેદા કરીશ'

- લેેખક, સોફિયા બેટ્ટીઝા
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
કરીના છ માસનાં ગર્ભવતી છે, પણ તેમના ઉદરમાં જે બાળક વિકસી રહ્યું છે એ તેમનું પોતાનું નથી.
પૂર્વ યુક્રેનના બાખ્મુત શહેરમાં રહેતાં 22 વર્ષીય કરીના એક સરોગેટ માતા છે અને ચીનમાં રહેતા એક યુગલના અંડ તથા શુક્રાણુથી ગર્ભવતી છે.
2022માં યુક્રેન પર રશિયાના આક્રમણના પ્રારંભિક તબક્કામાં બાખ્મુત યુદ્ધનાં મેદાનો પૈકીનું એક બન્યું ત્યારે કરીના 17 વર્ષનાં હતાં અને તેમનું ઘર યુદ્ધમાં નાશ પામ્યું હતું.
શહેરનો મોટા ભાગનો હિસ્સો કાટમાળ અને રાખના ઢગલામાં ફેરવાઈ ગયો હતો. તેથી કરીના અને તેમના જીવનસાથી કીએવ ગયા હતા, પરંતુ ત્યાં તેમને સ્થિર નોકરી શોધવામાં મુશ્કેલી પડી.
પોતાની દોઢ વર્ષની પુત્રી માટે બ્રેડ અને ડાયપર ખરીદવા પૂરતા પૈસા પણ કરીના પાસે ન હતા. એવા એક દિવસે તેમણે પેઇડ સરોગસીનો આશરો લેવાનો નિર્ણય કર્યો હતો.
કરીના સ્પષ્ટતા કરે છે કે રશિયાએ આક્રમણ ન કર્યું હોત તો તેમણે સરોગેટ માતા બનવાનો નિર્ણય ક્યારેય કર્યો ન હોત. રશિયન આક્રમણને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી છે, કામધંધા ભાંગી પડ્યા છે, ફુગાવો વધ્યો છે અને યુક્રેનના કુલ ઘરેલુ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો છે.
કીએવની બહાર, તેમના સરોગસી ક્લિનિકના એપાર્ટમેન્ટમાં રહેતાં કરીના તારાસેન્કો કહે છે, "સરોગેટ માતા બનવાના વિચારથી પ્રારંભે હું બહુ ગુસ્સે થઈ હતી, પરંતુ હવે તેને સરળતાથી સ્વીકારી લીધો છે."
તેમના ગર્ભમાં પુત્રી આકાર લઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરીનાને યુક્રેનમાં સરેરાશ પગાર કરતાં લગભગ બમણી રકમ, 17,000 અમેરિકન ડૉલર્સ મળશે. જોકે, મોટા ભાગના પૈસા તેઓ બાળકને જન્મ આપશે પછી જ મળશે.
કરીનાને 21,000 ડૉલર્સ મળવાના હતા, પરંતુ તેમણે જે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો એ પૈકીનું એક મૃત્યુ પામ્યું હતું. તેથી તેમને કરારમાં નિર્ધારિત રકમ કરતાં ઓછા પૈસા ચૂકવવામાં આવ્યા હતા.
કરીના શરૂઆતમાં સાશંક હતાં, પરંતુ હવે પૈસા બચાવવા અને પોતાનું ઘર ખરીદવા માટે તેમનું શરીર સાથે આપે ત્યાં સુધી સરોગેટ માતા તરીકે શક્ય હોય તેટલાં વધારે બાળકોને જન્મ આપવા ઇચ્છે છે.
'પશ્ચિમી યુગલો સસ્તાં બાળકો ખરીદવા ઇચ્છે છે'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલબત્ત, આ નિર્ણય જોખમી સાબિત થઈ શકે છે.
યુદ્ધ પહેલાં યુક્રેનને કૉમર્શિયલ સરોગસી માટે વિશ્વનું બીજું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવતું હતું. એ અમેરિકા પછી બીજા સ્થાને હતું.
યુક્રેન-રશિયાના સંઘર્ષથી આ કૉમર્શિયલ સરોગસી પર માઠી અસર થઈ છે, એમ બીબીસીને જણાવતાં નિષ્ણાતો ઉમેરે છે કે તેઓ હવે યુદ્ધ પહેલાના સ્તરે ફરી પહોંચી ગયા છે.
જોકે, યુક્રેનની સંસદ હવે એક ખરડો લાવવા વિચાર કરી રહી છે. એ ખરડો કૉમર્શિયલ સરોગસી સેક્ટર માટે આકરા નિયમો અને તેમાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા વિશેનો છે. કૉમર્શિયલ સરોગસીમાં 95 ટકા સંભવિત માતાપિતા પરદેશી હોય છે.
આ દરખાસ્તને વ્યાપક સંસદીય સમર્થન મળેલું છે.
આ પ્રોજેક્ટનો હેતુ, પ્રજનનને કૉમૉડિટીમાં પરિવર્તિત કરતા અને ગરીબ તથા લાચાર સ્ત્રીઓનું શોષણ કરતા હોવાનો આરોપ જેના પર છે, તે ક્ષેત્રને વધુ કડક રીતે નિયંત્રિત કરવાનો છે.
તેના તરફદારો એવી દલીલ પણ કરે છે કે યુદ્ધને કારણે જન્મદર ઘટી ગયો છે ત્યારે યુક્રેનની મહિલાઓને વિદેશીઓ માટે બાળકો પેદા કરવાની ફરજ પાડવી ન જોઈએ. અલબત્ત, સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે બાળકોના જન્મના કુલ પ્રમાણમાં સરોગસીનો હિસ્સો બહુ ઓછો છે.
તમામ પ્રકારની સરોગસીનો નૈતિક ધોરણે વિરોધ કરતા મહિલા અધિકાર કર્મશીલ મારિયા દિમિત્રીવા કહે છે, "લાચાર મહિલાઓની સંખ્યા યુદ્ધને કારણે વધી રહી છે અને ક્લિનિક્સ તેમને આ તક આપે છે, કારણ કે પશ્ચિમી યુગલો સસ્તાં બાળકો ખરીદવા ઇચ્છે છે."
મારિયા માને છે કે પ્રસ્તાવિત કાયદો અપૂરતો છે અને યુક્રેનમાં આ પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ.
તેઓ આક્ષેપ કરે છે કે ક્લિનિક્સ ગરીબ મહિલાઓને ખુલ્લેઆમ નિશાન બનાવે છે અને સોશિયલ મીડિયા પરની જાહેરાતો દેખાડે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલી સરોગેટ માતાઓની ભરતી માટેની જાહેરાત એક ક્લિનિકે આ વર્ષે જાન્યુઆરીમાં પ્રકાશિત કરી હતી. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે યુક્રેનની મહિલાને ચૂલો સળગાવવાનાં લાકડાં અથવા તેમનાં સંતાનો માટે કપડાં ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. આ જાહેરાત યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલાઓએ જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેની વાત કરે છે.
યુક્રેનના સૌથી મોટા સરોગસી ક્લિનિક બાયોટેક્સકોમ સેન્ટર ફૉર હ્યુમન રિપ્રોડક્શન દ્વારા 2021માં એક જાહેરાત ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમાં સરોગસીથી જન્મતાં બાળકો સંદર્ભે 'બ્લૅક ફ્રાયડે સેલ'નો પ્રચાર કરવામાં આવ્યો હતો.
આ જાહેરાત વાંધાજનક છે કે કેમ, એવો સવાલ બીબીસીએ બાયોટેક્સ કોમને કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે એ જાહેરાતો સરોગસી પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે અસરકારક હતી.
આ ક્લિનિકની કાર્યપદ્ધતિની પણ જોરદાર ટીકા થઈ છે. આ ક્લિનિકના સીઇઓ આલ્બર્ટ ટોચિલોવ્સ્કી અને અન્ય બે ભૂતપૂર્વ કર્મચારીઓ સામે સરકારી વકીલોએ 2018માં માનવતસ્કરી સહિતના ગુનાઓની શંકા સંદર્ભે તપાસ શરૂ કરી હતી.
"આંતરરાષ્ટ્રીય સહયોગ" મળી શકે અને વિદેશોથી માહિતી એકઠી કરી શકાય એટલે પ્રારંભિક તપાસ અટકાવી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બાયોટેક્સ કોમ અને ટોચિલોવ્સ્કીનો દાવો છે કે તેઓ કાયદાની હદમાં રહીને જ કામ કરે છે અને "આ બધા આરોપ સંપૂર્ણપણે ખોટા" હોવાનું જણાવે છે.
સરકારી વકીલે માનવતસ્કરીના આરોપ વિશે વિગત આપી ન હતી, પરંતુ બાયોટેક્સ કોમે બીબીસીને જણાવ્યું હતું કે તેમાં માતાપિતા અને બાળકના ડીએનએમાં વિસંગતતાઓનો સમાવેશ થતો હતો. ક્લિનિકનો દાવો છે કે તેના કર્મચારીઓ જવાબદાર નથી અને "સમસ્યા શુક્રાણુના કલેક્શન દરમિયાન સર્જાઈ હતી," એવું તેઓ માને છે. શુક્રાણુ કલેક્શન બીજા દેશમાં કરવામાં આવ્યું હતું.
કંપનીનો દાવો છે કે તે લોકોને માતાપિતા બનવાના સપનાને સાકાર કરવામાં તેમને મદદ કરે છે, મહિલાઓને કાયદેસર રીતે પૈસા કમાવાની તક આપે છે અને મહિલાઓને તબીબી સંભાળ, રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે.
કરીના સરોગેટ માતા બનવા માટે શરૂઆતમાં બાયોટેક્સ કોમમાં ગયાં હતાં, પરંતુ તેમણે તેની સાથે આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેમને પ્રથમ મુલાકાતમાં ખરાબ વર્તન કરવામાં આવ્યાનો અનુભવ થયો હતો.
ત્યજી દેવાયેલાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images
જૈવિક માતાપિતા તેમના વિચાર બદલી નાખે છે ત્યારે જન્મ પછી બાળકને ત્યજી દેવામાં આવ્યાં હોય તેવા કિસ્સા પણ બન્યા છે.
યુક્રેનમાં ઇન્ટેન્ડેડ પેરન્ટ્સ એટલે કે પ્રેગ્નન્સી માટે પૈસા ચૂકવતાં માતાપિતા બાળકના જન્મ પછી તેના માટે કાયદેસર રીતે જવાબદાર હોય છે અને બાળકને કોઈ પણ કારણસર ત્યજી દેવું ગેરકાયદે છે.
જોકે, વાસ્તવમાં સરહદ પાર આ કાયદાનો અમલ કરાવવો મુશ્કેલ બની શકે છે.
વેઈ હવે પાંચ વર્ષનો છે. તેનો 2021માં સમય પહેલાં જન્મ થયો હતો. તેથી તેના મગજને ગંભીર નુકસાન થયું હતું. તેની પ્રેગ્નન્સીની વ્યવસ્થા બાયોટેક્સ કોમ મારફત કરવામાં આવી હતી.
વેઈ હવે કીએવના વિકલાંગ બાળકો માટેના એક સરકારી ઘરમાં રહે છે.
બીબીસીએ તે ઘરની મુલાકાત લીધી ત્યારે વેઈ અન્ય બાળકો સાથે મસળેલાં કેળાં ખાતો હતી. તેઓ કાયમ સાથે બેસીને જ જમે છે.
વેઈ કોઈની મદદ વિના બેસી શકતો નથી. પોતાનું મસ્તક સ્થિર રાખી શકતો નથી અને તેની આજીવન દેખભાળ કરવી પડશે.
તેનાં માતાપિતા સાઉથ-ઇસ્ટ એશિયાના એક દેશનાં હતાં. વેઈની સ્થિતિ જાણ્યા પછી તેમણે તેને પોતાની સાથે ન લઈ જવાનો નિર્ણય કર્યો હતો. વાસ્તવમાં તેઓ ગાયબ થઈ ગયા હતા અને અધિકારીઓએ તથા બાયોટેક્સ કોમે તેમનો સંપર્ક સાધવાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.
વેઈની સરોગેટ માતા પણ તેને રાખવા ઇચ્છતી ન હતી અને યુક્રેનના કાયદા અનુસાર, વેઈ પ્રત્યે તેની સરોગેટ માતાની કોઈ જવાબદારી ન હતી.
યુક્રેનના કાયદા મંત્રાલયના વેલેરિયા સોરુચન આ કાયદાકીય ફેરફાર પાછળનાં મુખ્ય કારણો પૈકીનું એક છે. તેમનું કહેવું છે કે સરોગસીથી જન્મેલાં "અનેક" બાળકોને ત્યજી દેવામાં આવે છે, પરંતુ સરકાર પાસે ચોક્કસ આંકડો નથી.
તેઓ સૈદ્ધાંતિક રીતે સરોગસીનો વિરોધ કરતાં નથી, પરંતુ એ માટેના નિયમો યુક્રેનમાં ન હોવાની ટીકા જરૂર કરે છે અને વિદેશીઓ માટે સરોગસી પર પ્રતિબંધ લાદવાની હિમાયત કરે છે.
બાયોટેક્સ કોમના ચીફ એક્ઝિક્યુટિવ ટોચિલોવ્સ્કીએ આ ઘટનાને "ટ્રેજેડી" ગણાવી હતી અને જણાવ્યું હતું કે માતાપિતા બાળકોને ત્યજી દે છે ત્યારે "અમે તેને અમારી આંશિક જવાબદારી ગણીએ છીએ."
બાળકોને ત્યજી દેવામાં આવે છે, પરંતુ સરકાર સંચાલિત સુવિધાઓમાં બાળકોના ઉછેરના ખર્ચમાં ફાળો આપવાની કોઈ કાનૂની જવાબદારી ક્લિનિક્સની હોતી નથી. સરકારી સુવિધાઓને સરકાર તેમજ ખાનગી બંને પાસેથી ભંડોળ મળે છે. બાયોટેક્સ કોમે વેઈ માટે કોઈ ભંડોળ આપ્યું નથી.
વેઈ જેવા ગંભીર વિકલાંગ બાળકોને ભાગ્યે જ કોઈ દત્તક લે છે. તેની ફાઇલની 15 પરિવારોએ સમીક્ષા કરી છે, પરંતુ વેઈને દત્તક લેવામાં કોઈએ રસ દાખવ્યો નથી.
દૂરનો પરિવાર

અલબત્ત, કેટલાક એવી દલીલ કરે છે કે કૉમર્શિયલ સબરોગેશનથી બધા પક્ષોને ફાયદો થઈ શકે છે.
યુકેમાં રહેતા હિંમતરાજ અને રાજવીર બાજવાએ સરોગસીનો વિકલ્પ પસંદ કરતાં પહેલાં પાંચ વર્ષ સુધી ગર્ભધારણના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. તેમાં ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશનની બે સાઇકલનો સમાવેશ થાય છે.
38 વર્ષનાં રાજવીર ગંભીર ઍન્ડોમેટ્રિઓસિસથી પીડાય છે. તેના કારણે ગર્ભધારણ કરવાનું ખૂબ જ મુશ્કેલ બને છે અને તેમને મલ્ટિપલ સ્ક્લેરોસિસ પણ છે.
યુનાઇટેડ કિંગડમમાં એલ્ટ્રુઇસ્ટિક સરોગસીની મંજૂરી છે, પરંતુ આ યુગલે અહીં આ પ્રોસિજર કરાવી ન હતી. એલ્ટ્રુઇસ્ટિક સરોગસીમાં માતાને નાણાકીય વળતર મળતું નથી, પરંતુ તેના ખર્ચાઓને આવરી લેવામાં આવે છે.
યુનાઇટેડ કિંગડમમાં વ્યવસ્થા સામાન્ય રીતે અનૌપચારિક હોય છે અને તેની ગોઠવણ દોસ્તો, પરિવાર અથવા બિન-લાભકારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આવી સંસ્થાઓ સંભવિત માતાપિતાને સરોગેટ્સ સાથે મેળવી આપે છે.
બ્રિટિશ કાયદા હેઠળ, ઇચ્છુક માતાપિતાને જવાબદારી સોંપવાનો પેરન્ટલ ઑર્ડર આપવામાં ન આવે ત્યાં સુધી બાળક માટે સરોગેટ માતા કાયદેસર રીતે જવાબદાર હોય છે.
રાજવીર અને હિંમતરાજ માટે આ મુખ્ય ચિંતા હતી. બાળક પર તાત્કાલિક કાનૂની ન અધિકાર મળવાની શક્યતાને કારણે તેઓ આ વિકલ્પ સાથે સહમત ન હતા. એલ્ટ્રુઇસ્ટિક માતાઓએ તેમનો વિચાર બદલી નાખ્યો હોય એવા કિસ્સા બન્યા છે, પરંતુ તે જૂજ છે.

યુક્રેનમાં સરોગસીની વ્યવસ્થા જે રીતે કરવામાં આવે છે તેનાથી રાજવીર અને હિંમતરાજ પ્રભાવિત થયાં હતાં. એ ઉપરાંત એ માટેના ખર્ચનો પ્રભાવ પણ તેમના નિર્ણય પર પડ્યો હતો.
તેમણે ગયા વર્ષે બાયોટેક્સ કોમનો ઉપયોગ કર્યો હતો અને લગભગ 87,700 ડૉલર્સ ચૂકવ્યા હતા, જે અમેરિકા કરતાં ઓછું હતું. અમેરિકામાં તે દોઢ લાખ ડૉલરથી વધુ હોઈ શકે છે. તેમના માટે આ અનુભવ સકારાત્મક હતો.
તેમણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મારફત લંડનમાં એક ગર્ભનું સર્જન કર્યું હતું. તેને કીએવ મોકલવામાં આવ્યો હતો અને ક્લિનિકની ક્રાયોજેનિક ટેન્ક્સમાં તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે જૂનમાં પુત્રના જન્મ સમયે હાજર રહેવા તેઓ કીએવ ગયા હતા.
બ્રિટિશ અધિકારીઓએ પેપરવર્ક પૂર્ણ કરવામાં અને પાસપૉર્ટ ઇસ્યુ કરવામાં વિલંબ કર્યો એટલે તેમણે બાળકના જીવનના પ્રથમ ત્રણ મહિના કીએવમાં વિતાવવા પડ્યા હતા. રશિયાએ શહેર પર બૉમ્બમારો કર્યો ત્યારે તેમણે એર-રેઇડ શેલ્ટર્સમાં આશ્રય લેવો પડ્યો હતો.
રાજવીર તેને યાદ કરતાં કહે છે, "તે ભયંકર અને અવાસ્તવિક હતું."
તેઓ ઑગસ્ટના અંતમાં પુત્ર સાથે ઇંગ્લૅન્ડ પાછા ફર્યા હતા.
જૂનમાં તેઓ દીકરાનો પહેલો જન્મદિવસ ઊજવશે.
વિદેશીઓ માટે સરોગસી પર પ્રતિબંધ મૂકવાના યુક્રેનના ખરડાનો આ દંપતી વિરોધ કરે છે અને દલીલ કરે છે કે સરોગસી એજન્સી તેમના માટે "આનંદ અને ખુશી" લાવી છે.
37 વર્ષના હિંમતરાજ કહે છે, "તેમણે અમને એવું કંઈક આપ્યું છે, જે શક્ય બનશે એવું અમે ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે અમારો પરિવાર બનાવ્યો છે."
હિંમતરાજ અને રાજવીરે તેમના બાળકની સરોગેટ માતાને એક વાર મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ તેમના માટે ચોકલેટ અને ફૂલો લઈ ગયા હતા.
સરોગેટ માતાનું શોષણ ન થયું હોવાનો દાવો તેઓ કરે છે.
હિંમતરાજ કહે છે, "એ સ્પષ્ટપણે તેમનો નિર્ણય અને હેતુ હતો. તેનાથી તેમને મદદ મળતી હોય તો આખરે મને ખાતરી છે કે દરેક વ્યક્તિ પરિણામથી સંતુષ્ટ જ હશે."
કૉમર્શિયલ સરોગસીમાં શોષણ થતું હોવાની વાતને કરીના ફરી નકારી કાઢે છે.
તેઓ કહે છે, "અમને કોઈ દબાણ કરતું નથી. આ મારું શરીર અને મારો નિર્ણય છે. તમને ખુશી આપવાથી મને મારો પુરસ્કાર મળશે."
કાયદામાં ફેરફારનો વિરોધ કરતાં તેઓ જણાવે છે કે એવા ફેરફારથી ઘર ખરીદવાની તેમની યોજના "સંપૂર્ણપણે ભાંગી પડશે."
પોતાના પેટ તરફ નજર કરતાં કરીના ઉમેરે છે, "એ બાળક મારું નથી તે હું જાણું છું, પણ તેને પ્રેમ જરૂર કરું છું. હું તેની સાથે વાત કરું છું. એ લાત મારે છે ત્યારે હું તેને કહું છું કે તેના માતાપિતા તેની રાહ જોઈ રહ્યા છે."
"તેનું જીવન ખુશહાલ બની રહે એટલી જ મારી ઇચ્છા છે," એમ કરીના કહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















