You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : હવે તમામ સરકારી કામો માટે કેમ અલગ-અલગ સોગંદનામાની જરૂર કેમ નહીં પડે?
ગુજરાત સરકારની વિવિધ સેવાઓ માટે અરજદારો દ્વારા કરવા પડતાં અલગ અલગ ફૉર્મેટનાં ઍફિડેવિટને લઈ સરકારે મહત્ત્વનો ફેરફાર કર્યો છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો વહીવટી સુધારણાની પ્રક્રિયામાં સમયાંતરે સુધારાઓ દાખલ કરતાં રહે છે.
સરકાર અનુસાર હવે જ્યારે મોટાભાગની સેવાઓ નાગરિકોને ઑનલાઇન, મોબાઇલ ઍપ, જનસેવા કેન્દ્ર, ડિજિટલ સેવાસેતુ મારફતે ઉપલબ્ધ બનેલ છે, ત્યારે સેવાઓ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા સરકારે નિર્ણય કર્યો છે.
જે સરકારી સેવા માટે કાયદા મુજબ ફૉર્મેટ નક્કી કરાયેલું નથી અને સોગંદનામું કરવું જરૂરી છે તેવી તમામ સેવા માટે એક યુનિવર્સલ ઍફિડેવિટ તૈયાર કરવામાં આવ્યું છે.
ત્યારે અત્યાર સુધી જે અલગ-અલગ સેવા માટે ઍફિડેવિટનાં જુદાં-જુદાં ફૉર્મેટ હતાં, તેમાં હવે શું ફેરફાર આવશે અને આનાથી મુશ્કેલી વધશે કે સરકારી પ્રક્રિયા વધુ સરળ બનશે, કાયદાવિદો શું કહે છે.
સરકારી સેવાઓમાં ઍફિડેવિટ કેમ લેવામાં આવે છે?
ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી સેવાઓમાં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા ઍફિડેવિટ લેવામાં આવે છે.
કાયદાના જાણકાર એડ. ગોવિંદ પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, સામાન્ય રીતે ઍફિડેવિટ એટલે કે સોગંદનામું જુદી જુદી સરકારી કચેરીઓમાં કોઈ વિષયને લઈને ફેરફાર હોય જેમાં નામમાં ફેરફાર, જન્મ તારીખમાં ફેરફાર હોય, બાબત જાહેર કરવાની હોય જેવા મામલામાં સરકારી કચેરીઓમાં સોગંદનામાં માંગવામાં આવતાં હોય છે. ત્યારે અત્યાર સુધી કોઈ ચોક્કસ કૉમન સોગંદનામાનો નમૂનો હતો નહીં.
ત્યારે, આ બાબતે નાગરિકોને પણ હાલાકી પડતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિપત્રમાં જણાવ્યા અનુસાર, નાગરિકોને સરળ, એકરૂપ સેવા પ્રદાન કરવાના હેતુસર યુનિવર્સલ ઍફિડેવિટ" નો ઉપયોગ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
આ વિચારણાને અંતે રાજ્ય સરકારે જુદાં-જુદાં ઍફિડેવિટના સ્થાને હવે એક "યુનિવર્સલ ઍફિડેવિટ" ફૉર્મેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
"યુનિવર્સલ ઍફિડેવિટ"ની જરૂર કેમ પડી?
આ પરિપત્ર અનુસાર, આ નિર્ણયનો હેતુ નાગરિકોને વારંવાર અલગ-અલગ સ્વરૂપમાં સોગંદનામાં રજૂ કરવાની આવશ્યકતા દૂર કરી એક "યુનિવર્સલ ઍફિડેવિટ" દાખલ કરવાનો છે, જેનાથી સેવા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવાનો છે.
પરિપત્ર અનુસાર, વિવિધ વિભાગો હેઠળ પ્રદાન થતી સેવાઓ માટે અરજદારોને અનેક પ્રકારનાં સોગંદનામાંમાં રજૂ કરવાની આવશ્યકતાને કારણે દસ્તાવેજીકરણમાં વૈવિધ્યતા, બિનજરૂરી જટિલતા તેમજ પ્રક્રિયા ધીમી પડતી હોય છે.
ત્યારે, અલગ-અલગ ફૉર્મેટનાં સોગંદનામાંની ઝંઝટમાંથી મુક્તિ રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને અલગ-અલગ વિભાગો માટે જુદાં-જુદાં પ્રકારનાં ઍફિડેવિટ કરાવવાની પડોજણમાંથી મુક્તિ મળશે.
રાજ્યની તમામ કચેરીઓણાં નવી ફૉર્મેટ ફરજિયાતપણે સ્વીકારવાની રહેશે કાયદા વિભાગના આ નિર્ણય બાદ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી કક્ષાની સરકારી કચેરીઓ, જન સેવા કેન્દ્રો તેમજ સંબંધિત સત્તાધિકારીઓ માટે આ ફૉર્મેટ ફરજિયાતપણે સ્વીકારવાનું રહેશે.
કાયદા નિષ્ણાતો શું કહે છે?
એડ. ગોવિંદ પરમાર જણાવે છે કે, "ઘણીવાર પક્ષકાર ઍફિડેવિટ રજૂ કરવા જાય ત્યારે અધિકારીઓ તે ફૉર્મેટમાં ભૂલો કાઢતા હોય છે. ઘણી વખત વિભાગનું કોઈ ચોક્કસ ફૉર્મેટ ન હોવાથી લોકો જ્યારે વકીલ પાસે લોકો આવે છે, ત્યારે વકીલ પણ અવઢવમાં મૂકાતા હોય છે."
"જોકે, અત્યાર સુધી અમે મોટા ભાગે જે કચેરીમાં ઍફિડેવિટ આપવાનું હોય તે કચેરીમાં માન્ય ઍફિડેવિટનાં નમૂનામાં જ ઍફિડેવિટ કરતાં હોઈએ છીએ."
એડ. ગોવિંદ પરમાર જણાવે છે, બધી જગ્યાએ આવું કોઈ એક કૉમન ફૉર્મેટ નક્કી નથી તેથી સરકાર તરફથી જે એક યૂનિવર્સલ ફૉર્મેટ નક્કી કરવામાં આવ્યું છે તેનાથી લોકોને ફાયદો થશે.
તેઓ કહે છે કે, "આ ફૉર્મેટ સરકારે જ નક્કી કર્યું હોવાથી હવે અધિકારીઓ દ્વારા પણ આ બાબતે કોઈ વાંધો ઉઠાવી શકાશે નહીં."
એડ. ગોવિંદ પરમાર, હાલ પૂરતું જ્યાં સુધી અમલમાં આવ્યું નથી તેથી હાલ આ વિષય બાબતે કેવા પડકારો ઊભા થશે તે કહી શકવું અઘરું છે.
ગુજરાતમાં આ નિર્ણયને કારણે પ્રક્રિયા સરળ બનશે?
આ બાબતે ઍડવોકેટ સચીન વી રાઠોડ બીબીસી ગુજરાતીને જણાવે છે, "અગાઉ આપણે એ જોયું છે કે સરકારી સેવાનો લાભ લેવો હોય તો જુદાં-જુદાં ઍફિડેવિટના આપવા પડતાં જેનાં જુદાં-જુદાં ફૉર્મેટ હતાં."
"કેટલીક કચેરીઓમાં એવું પણ હતું કે કચેરીનું પોતાનું કોઈ સ્ટાન્ડર્ડ ફૉર્મેટ ન હોવાથી નાગરિકોને વધારે મૂંઝવણ ઊભી થતી અને પરિણામે સરકારી કચેરીઓના ધક્કા વધી જતા હતા."
"સરકારે જે યૂનિવર્સલ ઍફિડેવિટના ફૉર્મેટની જાહેરાત કરી છે. તેનાથી પ્રક્રિયા સરળ બનશે. કોઈ વ્યક્તિએ સરકારી સેવાઓનો લાભ લેવો હોય તો હવે એક સ્ટાન્ડર્ડ ફૉર્મેટ હશે."
"એકંદરે આ પગલાંથી એક યુનિફૉર્મિટી આવશે."
એડ. સચીન જણાવે છે, "ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓનો લાભ લેવો હોય તો તાલુકા કક્ષાએ આવવું પડતું હોય છે અને ઍફિડેવિટનાં જુદાં-જુદાં ફૉર્મેટ વિશે ખ્યાલ ન હોવાને કારણે તેમના કચેરીઓના ધક્કા પણ વધી જતાં હોય છે, આ યુનિવર્સલ ઍફિડેવિટના નિર્ણય બાદ નાગરિકો બિન જરૂરી હેરાનગતિથી રાહત થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન