You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રણ પ્રદેશ અને સૂકા વિસ્તારમાં પણ થતી સીતાફળની ખેતીથી ખેડૂતો કેટલી કમાણી કરી શકે છે?
- લેેખક, પ્રીતિ ગુપ્તા
- પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર, મુંબઈ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
અશોક શિવારેડ્ડી ખેડૂત પરિવારમાંથી આવે છે, પરંતુ દક્ષિણ ભારતના કોલાર નામના તેમના દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું.
તેમણે જણાવ્યું કે, "આ વિસ્તારમાં ફક્ત 60થી 70 સેન્ટિમીટર વરસાદ પડે છે, અને ખેડૂતો 1300 ફૂટ સુધીના બોરવેલ ખોદે છે. તેમના મોટાભાગના પૈસા પાણી શોધવામાં જ વપરાઈ જાય છે."
વધતા નુકસાન વચ્ચે તેમના પરિવારે ખેતી છોડી દીધી અને 2005માં બૅંગલુરુ શહેરમાં રહેવા ગયા. ત્યાં શાકભાજીની દુકાન શરૂ કરી.
શિવારેડ્ડી એક AI સૉફ્ટવેર ઍન્જિનિયર બન્યા, પરંતુ ખેતી પ્રત્યેનો તેમનો લગાવ ક્યારેય ઓછો થયો નહીં.
2018માં તેમણે પારિવારિક ખેતરને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું, પરંતુ વધુ વૈજ્ઞાનિક અભિગમ સાથે.
તેમણે જણાવ્યું, "હું એક એવો પાક શોધી રહ્યો હતો જે ખૂબ ઓછા પાણીમાં ટકી શકે, વરસાદથી ઊગી શકે અને જંતુનાશકો પર વધારે આધાર ન રાખે."
સીતાફળ એક સારો વિકલ્પ લાગ્યો. આ એક ખરબચડું ફળ છે, જેનો આકાર મોટા આવાકાડો જેવો હોય છે. તેનો મલાઈદાર અને મીઠો ગરનો સ્વાદ થોડો કસ્ટર્ડ જેવો લાગે છે, તેથી તેને કસ્ટર્ડ એપલ કહેવામાં આવે છે.
શિવારેડ્ડીના વિસ્તારમાં સીતાફળનાં ઝાડ આપોઆપ ઊગી નીકળે છે. સ્થાનિક લોકો આ ફળ તોડીને બજારમાં વેચતા હતા. શિવારેડ્ડીને આ વાત આશાસ્પદ લાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપજ વધારવા માટે તેમણે સામાન્ય ખેતરોની સરખામણીએ ઝાડ એકબીજાની વધારે નજીક વાવ્યાં.
શિવારેડ્ડીએ ખૂબ કાળજીપૂર્વક ત્રણ અલગ અલગ જાતો પસંદ કરી, જેમાં દરેકના અલગ અલગ ફાયદા હતા. આ પદ્ધતિ કામ કરી રહી હોય તેમ લાગતું હતું.
તેમણે જણાવ્યું, "ગયા વર્ષે મને લગભગ 20 ટન ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે તે લગભગ 25 ટન સુધી પહોંચ્યું છે. ભારત અને વિદેશમાં સીતાફળની ભારે માંગ છે."
દાયકાઓથી ચાલતા પ્રયોગોનું પરિણામ
જોકે સીતાફળ સૂકા વાતાવરણમાં પણ ટકી શકે છે, પરંતુ તેની ખેતીમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે.
પરંપરાગત બાલંગર જાતનું સીતાફળ બહુ ઓછા સમય સુધી તાજું રહે છે. ક્યારેક તો માત્ર ત્રણ કે ચાર દિવસ સુધી જ.
તેના લીધે ખેડૂતોના વેચાણના વિકલ્પો મર્યાદિત થઈ જાય છે. ઉપરાંત તેમાં ઘણાં બધાં બીજ પણ હોય છે, તેથી ગ્રાહકોને તે ઓછું આકર્ષક લાગે છે.
આ બીજ ઝેરી પણ હોય છે, ખાસ કરીને તેને કચડવામાં આવે ત્યારે, માટે તેનાથી દૂર રહેવું જોઈએ. બીજી બાજુ યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથોરિટીએ સીતાફળ આધારિત ફૂડ સપ્લિમેન્ટ્સની સલામતી પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
બૅંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૉર્ટિકલ્ચર રિસર્ચ (IIHR)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. શક્તિવેલ ટી જણાવે છે કે, "પરંપરાગત જાતોમાં ઉત્તમ સ્વાદ હોય છે, પરંતુ તેમાં ગરનું પ્રમાણ ઓછું હોય છે, બીજની સંખ્યા વધુ હોય છે અને તે લાંબા સમય સુધી તાજું રહી શકતું નથી."
તેમની ટીમે 'અરકા સહન' નામનું એક હાઇબ્રિડ ફળ વિકસાવ્યું છે, જે ઓરડાના તાપમાનમાં એક અઠવાડિયા સુધી ટકી શકે છે અને તેમાં ઓછાં બીજ અને વધારે ગર હોય છે.
છેલ્લાં 20 વર્ષોમાં આ જાત દક્ષિણ ભારતમાં ફેલાઈ ગઈ છે.
શક્તિવેલે જણાવ્યું કે, "જંગલી જાતોમાં 30 ટકા ગર નીકળતો હતો, જ્યારે 'અરકા સહન' જેવી હાઇબ્રિડ જાતોમાં 70 ટકા ગર નીકળે છે. તેથી ઉપજ બમણી થઈ ગઈ છે અને તેના માટે વધારે જમીનની પણ જરૂર નથી."
તેમની ટીમ હવે ફળ પર પ્રક્રિયા કરવાની અને ગર કાઢવાની વધુ સારી રીતો શોધી રહી છે, જેથી તેનો ઉપયોગ આઇસ્ક્રીમ અને મિલ્કશેક જેવા પ્રોસેસ્ડ ફૂડમાં વધુ વ્યાપક રીતે થઈ શકે.
તેઓ હાલમાં એક સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે એ છે કે સીતાફળનો ગર કાઢ્યા પછી ખૂબ જ ઝડપથી ભૂરો થઈ જાય છે.
IIHRના સંશોધકો નવાં સાધનો અને તકનીકો સાથે પ્રયોગ કરી રહ્યા છે, જે સીતાફળના ગરને લાંબા સમય સુધી તેનો દૂધિયો રંગ જાળવી રાખવામાં મદદ કરે.
મધ્ય ભારતનું રાજ્ય મહારાષ્ટ્ર સીતાફળનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે. ત્યાં કુલ ઉત્પાદનના લગભગ ત્રીજા ભાગનો હિસ્સો પેદા થાય છે.
અહીં જ નવનાથ મલ્હારી કસપ્ટે દાયકાઓથી ફળની ખેતી કરી રહ્યા છે.
તેમણે ભારતભરમાં ફરીને વિવિધ જાતનાં બીજ એકત્રિત કર્યાં અને તેને પોતાના ખેતરમાં વાવી તેમનું પરાગસંચયન (ક્રોસ-પોલિનેટેડ) કર્યું.
તેમણે જણાવ્યું, "કોઈએ ખરેખર સીતાફળ પર ધ્યાન આપ્યું નહોતું, કે ન તો સંશોધન કર્યું હતું. તેથી મેં તેના પર કામ કરવાનું નક્કી કર્યું."
"નવી જાત વિકસાવવામાં 12થી 15 વર્ષ લાગે છે. આ ઝડપથી થાય તેવું કામ નથી, તે દાયકાઓ સુધી ચાલતા પ્રયોગોનું પરિણામ છે."
તેમના કાર્યનાં પરિણામે NMK-01 (તેમના નામ પરથી રાખવામાં આવેલું નામ) જાત વિકસાવાઈ, જે ઊંચા ઉત્પાદન માટે જાણીતી છે. તે 2014માં વેચાણ માટે ઉપલબ્ધ થઈ.
તેમણે કહ્યું, "અમે હવે લગભગ 50 એકરમાં સીતાફળ ઉગાડીએ છીએ, અને પ્રતિ એકર લગભગ 10 ટન ઉપજ થાય છે. આ સુધારેલી જાત ઝડપથી બગડતી નથી."
"તેના લીધે નિકાસની નવી તકો ઊભી થઈ છે. અમે ગલ્ફ દેશોમાં સીતાફળની નિકાસ શરૂ કરી અને યુરોપમાં પણ મોકલ્યાં. આટલા મોટા પાયે પહેલાં ક્યારેય આવું થયું નહોતું."
કસપ્ટેનું સંશોધનકાર્ય હજુ પણ ચાલુ છે. હાલમાં તેઓ એક એવી જાત પર કામ કરી રહ્યા છે, જેના રૂપરંગ વધારે સારા હોય અને જેમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય.
સીતાફળને ગરમીથી બચાવવાનું પ્લાનિંગ
મનોજ કુમાર બારાઈ NMK-01 જાતના સીતાફળની નિકાસ અમેરિકા, UAE, સાઉદી અરેબિયા અને યુરોપમાં કરે છે.
તેમણે જણાવ્યું, "નિકાસ માટે અમે NMK-01 જાત પસંદ કરીએ છીએ, કારણ કે તે લાંબા સમય સુધી બગડતી નથી. તેની છાલ જાડી હોય છે, તેમાં વધારે ગર હોય છે અને અન્ય જાતોની સરખામણીમાં તે ફળ વધારે મીઠું હોય છે."
છતાં આવા નાજુક ફળની નિકાસ માટે એક જટિલ પ્રક્રિયાની જરૂર પડે છે.
"અમારે દરેક બાબતનું આયોજન ખૂબ જ ચોક્કસ રીતે કરવું પડે છે. લણણીનો સમય, પેકિંગ હાઉસ સુધીનું પરિવહન, ઍરપૉર્ટ સુધી પહોંચાડવું, ફ્લાઇટ્સ, કસ્ટમ્સ ક્લિયરન્સ દરેક કલાક મહત્ત્વનો હોય છે."
તાપમાનનું નિયંત્રણ અત્યંત જરૂરી છે.
"સીતાફળ ગરમી પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે અને થોડો સમય પણ વધારે ગરમીમાં રહે તો તે ખરાબ થઈ શકે છે."
ગરમીના ખરાબ સમયને ટાળવા માટે ઘણીવાર રાત્રે મુસાફરી કરવામાં આવે છે.
"મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે, અને પરિવહન દરમિયાન પણ તે 30-35 ડિગ્રી જેટલું હોય છે, જે આ ફળ માટે યોગ્ય નથી."
ફળને પાંચ કલાક ઠંડું કરીને પેક કરવામાં આવે છે અને પછી રેફ્રિજરેટેડ વાનમાં મોકલવામાં આવે છે. પછી હવાઈ રસ્તે નિકાસ કરતાં પહેલાં ઠંડા રૂમમાં સંગ્રહવામાં આવે છે.
ફળને સલામતી અને ઠંડક મળી રહે તે માટે ખાસ નળીદાર બોક્સ બનાવવામાં આવ્યાં છે.
મોટાભાગનાં ફળોનો હવે ગર્ભરૂપે અથવા તો પાવડર સ્વરૂપે નિકાસ કરવામાં આવી રહ્યો છે. જેને બારાઈ નિકાસ ઉદ્યોગમાં આવેલી ક્રાંતિ ગણાવે છે.
ગરનો ઉપયોગ વિદેશોમાં આઇસ્ક્રીમ બનાવતી કંપનીઓ, બેકરી અને 'પલ્પ-શૉટ' કાફેમાં થાય છે.
આ પ્રક્રિયા હજુ પણ એટલી સરળ નથી, કારણ કે ગરને -18 ડિગ્રી તાપમાને સંગ્રહવામાં અને પરિવહન કરવામાં આવે છે.
પરંતુ તે હજુ પણ હવાઈ માર્ગે કરાતી નિકાસ કરતાં સસ્તું છે અને તેના દ્વારા મોટા પ્રમાણમાં અઠવાડિયાં સુધી માલ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે, એ પણ કોઈ ફળનો બગાડ થયા વિના.
કોલારમાં પાછા ફરેલા શિવારેડ્ડી ગરની સાથે આખા સીતાફળ વેચીને પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગે છે.
તેઓ એક પલ્પ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે, જેમાં તેઓ પોતાની ઉપજનો એ ભાગ ઉપયોગમાં લેશે, જેને તેઓ સીધો વેચી શકતા નથી.
પરંતુ ગર કાઢવા અને તેને -20 સેલ્સિયસ તાપમાને ઠંડો રાખવા માટે ભારે સાધનો અને રોકાણની જરૂર પડે છે. તે બાબતે તેઓ કહે છે કે, આના માટે અનેક ખેડૂતોએ પોતાની વિચારસરણી બદલવી પડશે.
તેમણે કહ્યું, "સીતાફળ એક વિચિત્ર સ્થિતિમાં છે. તેની માંગ વધી રહી છે, પરંતુ ખેતી હાઇટેક બની નથી, કારણ કે આ પાક કુદરતી રીતે મજબૂત છે."
"તે નબળી જમીનમાં પણ ઉગે છે. તેને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે અને વરસાદ પર ટકી રહે છે."
"ખેડૂતોને ખર્ચાળ સિંચાઈ, સેન્સર અથવા નિયંત્રિત વાતાવરણની જરૂર પડતી નથી. તેથી ટેકનૉલૉજી અપનાવવાનું પ્રમાણ ઓછું રહે છે."
મૂળ લેખમાં સીતાફળનાં બીજ અને સપ્લિમેન્ટ્સ અંગે આરોગ્ય ચેતવણીનો ઉમેરો લેખ છપાયા પછી કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન