You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બારડોલીના માણેકપોર ગામે બે બસ અને ટૅન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અત્યાર સુધીમાં સાતનાં મોત - ન્યૂઝ અપડેટ
બારડોલી નજીક આવેલા માણેકપોર ગામે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં મહારાષ્ટ્રની નંબર પ્લૅટ ધરાવતી બે બસ તથા ટૅન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં એક બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને તેમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં હાલ સાત લોકોનાં મોત થયાં છે
ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.
આ અકસ્માતને કારણે હાઇવે પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે હાલ ક્રેનની મદદથી બંને બસોને રોડની સાઇડમાં ખસેડીને ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીબીસી ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીતમાં બારડોલીના ફાયર ઓફિસર પી. બી. ગઢવીએ જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં બંને બસના ડ્રાઇવરોનાં મૃત્યુ થયાં છે. સાથે જ, બંને બસમાં સવાર 40 જેટલા લોકોને ઇજાઓ થઈ છે. આ અકસ્માત કુલ ત્રણ વાહનો વચ્ચે થયો છે, જેમાં એક ટેમ્પોનો પણ સમાવેશ થાય છે."
સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે આ ઘટના વિશે કહ્યું હતું કે, "ઇજાગ્રસ્તોને ત્રણેક જેટલી હૉસ્પિટલમાં લઈ જવાયા છે. કુલ ચોવીસ લોકો હજુ દાખલ છે. અંદાજે ત્રણેક દર્દી ગંભીર હાલતમાં છે. સાત લોકોનાં મોત થયાં છે."
કેન્દ્ર સરકારે CBSEના ચૅરપર્સન અને સેક્રેટરીને હઠાવ્યા
ધોરણ 12ની બૉર્ડ પરીક્ષા સંબંધિત વિવાદ બાદ કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (CBSE)ના ચૅરપર્સન અને સચિવને હઠાવી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈ અનુસાર, સરકારે બંને અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી છે.
એએનઆઈએ લખ્યું છે કે, "સીબીએસઈના ચૅરપર્સન અને સેક્રેટરીની બદલી કરવામાં આવી છે. સીબીએસઈએ ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સર્વિસીઝની ખરીદીની તપાસ માટે પણ એક તપાસ સમિતિની રચના કરી છે."
પીટીઆઈએ જણાવ્યું છે કે , "સરકારે સીબીએસઈના ચૅરમૅન રાહુલસિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી છે."
ધો.12ની બૉર્ડ પરીક્ષા પ્રક્રિયાની ડિજિટલ મૂલ્યાંકન પ્રણાલીમાં કથિત અનિયમિતતાના આરોપો બાદ સરકારે આ કાર્યવાહી કરી છે.
ધોરણ 12ના કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે બૉર્ડ દ્વારા અપલોડ કરાયેલી તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો તેમના અક્ષરો સાથે મેળ ખાતી નથી.
આનાથી ઑન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં ઉત્તરવહીઓમાં સંભવિત ચેડાં અથવા અદલાબદલી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર તેનો વિરોધ પણ થયો હતો.
દાહોદમાં વાવાઝોડાને કારણે સાઇનબોર્ડ ધરાશાયી થતાં સારવાર લઈ રહેલા લોકોના મોત, કુલ ત્રણ મોત
દાહોદમાં ગઈ કાલે રાત્રે પડેલા વરસાદને કારણે ગરબાડા ચોકડી પાસે એક મોટું સાઇનબોર્ડ ધરાશાયી થયું હતું તે ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે.
દાહોદનાં અનેક ગામોમાં ભારે પવન ફૂંકાયો હોવાને કારણે કેટલાંય વૃક્ષો પડી ગયાં હતાં તે ઉપરાંત વીજ થાંભલા પડી જવાથી અનેક ગામોમાં વીજળી ગુલ થઈ હતી.
ત્યારે આ સાઇનબોર્ડ ધરાશાયી થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અને બે વ્યક્તિ ઘાયલ થયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી.
સારવાર દરમિયાન જ અન્ય બે વ્યક્તિના પણ મોત નિપજ્યાં છે.
એલસીબી દાહોદના પોલીસ ઇન્સ્પેકટર દિપક ધોલના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં શક્કરિયાભાઈ નિનામા, હિમસિંગભાઈ પરમાર, બાબુભાઈ બારીયા એમ કુલ ત્રણ લોકોના મોત આ ઘટનામાં નિપજ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પડેલા ભારે વરસાદને કારણે દાહોદમાં અનેક વૃક્ષો સહિત એક મોટું સાઇનબોર્ડ પણ ધરાશાયી થયું હતું.
દાહોદ ગરબાડા ચોકડી પાસે ઓવર બ્રીજ પાસે આવેલ ગરબાડા,અલીરાજપુર અને ધાનપુર, દાહોદ સ્માર્ટ સીટી લખેલ જાડા ગોળ પીલરવાળુ લોખંડનુ બોર્ડ વાવાઝોડાને કારણે પુર ઝડપે પવન ફુકાતા નીચે પડ્યું હતું.
ત્યારે ત્યાં બોર્ડ નીચે દબાઇ જતા લોકોના માથામાં ગંભીર ઇજા આવી હતી. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત લોકોનું મૃત્યુ નીપજ્યું છે.
ઈરાને ટ્રમ્પને કહ્યું કે- આ કામ કરી દેશો, તો તમને જીતેલા માની લઈશું- ન્યૂઝ અપડેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના કેટલાક અમેરિકન મીડિયા આઉટલેટ્સ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ ઈરાને તેની પર પ્રતિક્રિયા આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, "ઈરાન પોતાની નૌસેના અને ઍરફોર્સને પૂર્ણ રીતે ખતમ માની લે, સેના પોતાનાં હથિયાર જમીન પર મૂકી દે અને સફેદ ઝંડો ફરકાવીને હાર સ્વીકારી લે, ત્યારે જ અમેરિકાનું મીડિયા ઈરાનને વિજેતા જાહેર કરી દેશે."
ત્યાર બાદ ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ પર વ્યંગ કરતા જવાબ આપ્યો છે.
ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે ઍક્સ પર લખ્યું છે કે, "જો તમે અમારો પરમાણુ અધિકાર માની લો, દરેક મોરચે લડાઈ ખતમ કરો છો, અમારા વિસ્તારમાંથી બહાર નીકળો છો અને આ જંગથી થયેલી ભારે તબાહીનું વળતર આપો છો, તો અમે ખુશીથી દુનિયાને કહીશું કે તમે એક મોટી અને ઐતિહાસિક જીત હાંસલ કરી છે."
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એબીસી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે ઈરાન સાથે એક અઠવાડિયામાં સમજૂતી થઈ શકે છે.
તેમણે લખ્યું કે આ સમજૂતી યુદ્ધવિરામને લંબાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા સાથે જોડાયેલી હશે.
'કૉક્રોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દીપકે 6 જૂને ભારત પરત ફરશે
સોશિયલ મીડિયા ઝુંબેશ 'કૉક્રોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ 6 જૂને ભારત આવશે અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે.
તેઓ દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરશે.
અભિજિત દીપકે હાલમાં અમેરિકામાં છે અને તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ સૂર્યકાંતના યુવાનો અને કૉક્રોચ વિશેના નિવેદન પછી 'કૉક્રોચ જનતા પાર્ટી' નામનું સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશના સ્થાપક મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરના અભિજિત દીપકે છે. આ અગાઉ તેઓ આમ આદમી પાર્ટીની કૉમ્યુનિકેશન ટીમમાં પણ કામ કરી ચૂક્યા છે.
અભિજિત દીપકે જાહેરાત કરી હતી કે "હું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવા માટે ભારત પરત ફરી રહ્યો છું.
હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે 'યુદ્ધવિરામ'ને લઈને એક મહત્ત્વપૂર્ણ કરાર થયો
લેબનોન દ્વારા અપાય રહેલી જાણકારી અનુસાર, હિઝબુલ્લાહે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે કે તે ઇઝરાયલ પર હુમલો નહીં કરે અને ઇઝરાયલ બૈરુત પર હુમલો નહીં કરે.
અમેરિકામાં લેબનોનના દૂતાવાસે જણાવ્યું કે હિઝબુલ્લાહે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારવાની પુષ્ટિ કરી છે, જેમાં બંને બાજુથી હુમલાઓ બંધ કરવાની હાકલ કરવામાં આવી છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કરારની પુષ્ટિ કરી પરંતુ ચેતવણી આપી, "જો હિઝબુલ્લાહ અમારાં શહેરો અને નાગરિકો પર હુમલો કરવાનું બંધ નહીં કરે, તો બૈરુત પર હુમલા ચાલુ રહેશે."
સોમવારે મોડી રાત્રે લેબનોનના દૂતાવાસે જણાવ્યું હતું કે, "આ પ્રસ્તાવ હેઠળ, ઇઝરાયલ બૈરુતના દક્ષિણ વિસ્તારો પર હુમલા બંધ કરશે અને બદલામાં, હિઝબુલ્લાહ ઇઝરાયલ પર હુમલો કરશે નહીં. આ યુદ્ધવિરામ સમગ્ર લેબનોન પર લાગુ થશે."
આ નિવેદનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેતન્યાહૂ અને હિઝબુલ્લાહના પ્રતિનિધિઓ સાથે વાત કર્યા પછી આવ્યા છે, જેમણે ગોળીબાર બંધ થવા પર સંમતિ વ્યક્ત કરી હતી.
ગુજરાત : રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ નોંધાયો.
વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાના બનાવ પણ બન્યા છે.
ગઈ કાલે રાત્રે સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સહિત અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
અરવલ્લીના શામળાજીના ખેરાડી પાસે આવેલા મણિનગર કંપામાં કરા સાથે વરસાદ જોવા મળ્યો.
ખેડાના નડિયાદ સહિત કપડવંજ, કઠલાલ, ડાકોર, ઠાસરા, મહેમદાવાદ, મહુધા, માતરમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.
વડોદરામાં ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, શિનોર, પાદરામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોડી રાત્રે વીજળીના ગાજવીજ સાથે વરસાદ નોંધાયો.
દાહોદમાં વાવાઝોડાને કારણે સાઇનબોર્ડ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, બે ઘાયલ
દાહોદનાં અનેક ગામોમાં ભારે પવન ફૂંકાયો હોવાને કારણે કેટલાંય વૃક્ષો પડી ગયાં હતાં તે ઉપરાંત વીજ થાંભલા પડી જવાથી અનેક ગામોમાં વીજળી ગુલ થઈ હતી.
બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સૌથી વધુ અસર દાહોદના સંજેલી તાલુકામાં થઈ હોવાનું જાણવા મળ્યું છે.
"ગઈ કાલે પડેલા ભારે વરસાદને કારણે દાહોદમાં અનેક વૃક્ષો સહિત એક મોટું સાઇનબોર્ડ પણ ધરાશાયી થયું હતું."
દાહોદની ગરબાડા ચોકડી પાસે વાવાઝોડાને કારણે એક મોટું સાઇનબોર્ડ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે લોકો ઘાયલ થયા છે.
ઘટના પછી દાહોદના ગરબાડા અલીરાજપુરમાં બંને બાજુ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો
બનાવ પછી ઘટનાસ્થળે પહોંચેલા દાહોદના ડીવાયએસપી જે પી ભંડારીના જણાવ્યા અનુસાર, દાહોદની ગરબાડા ચોકડી પાસે આવેલ એક સાઇન બોર્ડ વાવાઝોડાને કારણે પડી ગયું હતું. ત્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે ઇજા ગંભીર હોવાને કારણે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
જો કે ત્યારબાદ મળતી વિગતો અનુસાર અને બીબીસી સહયોગી દક્ષેશ શાહે તે વાતની પૃષ્ટી કરી હતી કે આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન