RCB vs GT: આઈપીએલ ટ્રૉફી જીતીને આરસીબીએ રચ્યો ઇતિહાસ, ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું, ટાઇટલ ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2026ની ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવી દીધું છે. આરસીબીએ આ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ચેન્નાઈ, મુંબઈ પછી ટાઇટલ ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની છે.

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની 19મી સિઝનના ખિતાબ માટે ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની (આરસીબી) ટીમ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મૅચ રમાઈ હતી.

156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીએ પાંચ વિકેટના ભોગે જીત હાંસલ કરી હતી. રમતને અંતે વિરાટ કોહલી 75 રને અને જિતેશ શર્મા 11 રને અણનમ રહ્યા હતા.

વિરાટ કોહલીએ તેમની આઈપીએલ કૅરિયરની સૌથી ઝડપી સદી ફટકારી હતી. એક તરફ વિકેટો પડતી ગઈ પરંતુ વિરાટે એક છેડો સાચવી રાખ્યો હતો અને છેલ્લે સુધી નૉટઆઉટ રહ્યા હતા.

અગાઉ બૅંગ્લુરુએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

પોતાની પાછલી પાંચમાંથી ચાર મૅચો જીતીને ફાઇનલમાં પહોંચેલી ગુજરાત ટાઇટન્સની ટીમની આ નિર્ણાયક મૅચમાં સારી શરૂઆત નહોતી રહી.

આ મૅચ હાઇસ્કોરિંગ રહેશે એવું અનુમાન માત્ર અનુમાન જ રહ્યું હતું, અને ઘણા પ્રયાસો બાદ આખરે ગુજરાત ટાઇટન્સની ટીમ 150 પારનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.

ટીમ આઠ વિકેટ ગુમાવીને 155 રન બનાવી શકી હતી, આમ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને પોતાનો ખિતાબ જાળવી રાખવા માટે 156 રનની જરૂર છે.

ગિલ સહિત ઓપનરોનો ધબડકો

સાઈ સુદર્શન અને શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સની ટીમ તરફથી ઓપનિંગમાં ઊતર્યા હતા.

તો સામેની બાજુએ આરસીબી તરફથી પ્રથમ ઓવર ફેંકવાની જવાબદારી જેકબ ડફીના ભાગે આવી હતી.

પ્રથમ ઓવરમાં સાઈ સુદર્શનની લેગ સાઇડમાં જઈ રહેલા બૉલને રમવા જતા વિકેટકીપર અને બૉલરની અપીલ પર ફીલ્ડ અમ્પાયર દ્વારા આઉટ અપાયા હતા, પરંતુ બાદમાં રિવ્યૂમાં નૉટઆઉટ અપાતાં ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવવાના દબાણમાંથી બચી ગઈ હતી.

જોકે, ટીમ ઝાઝી વાર સુધી પ્રારંભિક ફટકાથી બચી ન શકી. ત્રીજી ઓવરમાં જૉસ હૅઝલવૂડના બીજા બૉલે મોટો શૉટ ફટકારવા જતાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલ કૅચઆઉટ થઈ ગયા હતા. આરસીબીના કપ્તાન રજત પાટીદારે તેમનો મુશ્કેલ કૅચ ઝડપી ગુજરાતની ટીમ માટે પ્રથમ ફટકો સુનિશ્ચિત કર્યો હતો.

આમ, ગુજરાત ટાઇટન્સની ટીમે 22 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી હતી, શુભમન ગિલ દસ રન બનાવીને પેવેલિયન પાછા ફર્યા હતા.

એ બાદ, તુરંત ચોથી ઓવરના ચોથા બૉલમાં સાઈ સુદર્શન પણ ભુવનેશ્વરકુમારની ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. તેઓ બાઉન્સર બૉલને ફ્લિક કરવા જતા વિકેટકીપર જિતેશ શર્માને કૅચ દઈ બેઠા હતા અને 12 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.

બે પ્રારંભિક વિકેટ બાદ ગુજરાત ટાઇટન્સની ટીમની ગતિ પ્રમાણસર ધીમી પડી હતી. છેક સાતમી ઓવરના પાંચમા બૉલે ટીમનો સ્કોર 50 રન પર પહોંચી શક્યો હતો.

એ બાદ નવમી ઓવરના અંતિમ બૉલ પર આક્રમક વલણ અખત્યાર કરતા જઈ રહેલા સેટ બૅટ્સમૅન નિશાંત સિંધુ 20 રનના વ્યક્તિગત સ્કોરે સિક્સર ફટકારવા જતા બાઉન્ડ્રી પર કૅચ આઉટ થઈ ગયા હતા. રસિખ સલામ ડારના બૉલ પર દેવદત્ત પડિક્કલે તેમનો કૅચ ઝડપ્યો હતો.

દસમી ઓવરના અંતિમ બૉલમાં વૉશિંગટન સુંદર લેગ સાઇડ પર શોટ ફટકારવા જતા જોર્ડન કોક્સને કૅચ દઈ બેઠા, તેમણે વિકેટ ગુમાવ્યાનું માનીને ચાલતી પણ પકડી લીધી હતી, જોકે, બાદમાં કૅચ કરતી વખતે બૉલ ગ્રાઉન્ડ પર અડક્યાનું દેખાતાં થર્ડ અમ્પાયરે સુંદરને નૉટઆઉટ જાહેર કરી જીવનદાન આપ્યું હતું.

આ તબક્કા સુધી ગુજરાત ટાઇટન્સ દસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી માત્ર 63 રન જ બનાવી શકી હતી.

છેક 13મી ઓવરમાં લાગ્યો પ્રથમ છગ્ગો

ટીમને ચોથો ફટકો જૉસ બટલરના સ્વરૂપમાં પડ્યો હતો, 13મી ઓવરમાં ક્રીઝ પર આગળ નીકળીને શૉટ ફટકરવા જતાં તેઓ કૃણાલ પંડ્યાનો શિકાર બની ગયા હતા, કૃણાલ પંડ્યાએ તેમને 19 રનના વ્યક્તિગત સ્કોરે સ્ટમ્પ આઉટ કરાવ્યા હતા.

આમ, ટીમના ટોચના ચાર બૅટ્સમૅન 73 રનના સ્કોરે આઉટ થઈ પેવેલિયન પહોંચી ચૂક્યા હતા.

ગુજરાત ટાઇટન્સ તરફથી પ્રથમ છગ્ગો અરશદ ખાને છેક 13મી ઓવરમાં માર્યો હતો.

14મી ઓવર ગુજરાતની ટીમ 16 રન મેળવીને પોતાનો અત્યાર સુધીમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવામાં સફળ રહી હતી.

જોકે, સમયાંતરે પડતી રહેતી વિકેટોની સમસ્યાએ ટીમનો પીછો ન છોડ્યો અને પાંચમી વિકેટ અરશદ ખાનના સ્વરૂપમાં ગુમાવી. આક્રમક રીતે રમી રહેલા અરશદને 15 રનના વ્યક્તિગત સ્કોરે જૉસ હૅઝલવુડે પેવેલિયન પરત મોકલી આપ્યા.

એ બાદ 16મી ઓવરના પ્રથમ બૉલે રાહુલ તેવટીયા રશીખ સાલમના બૉલ પર રજત પાટીદારને કૅચ દઈ બેઠા અને સાત રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પરત ફર્યા. આ તબક્કા સુધી ટીમનો સ્કોર છ વિકેટના નુકસાને 115 રન સુધી જ પહોંચી શક્યો હતો.

19મી ઓવરમાં ગુજરાતની ટીમને જૅસન હૉલ્ડર ભુવનેશ્વરકુમારના બાઉન્સરનો શિકાર બન્યા હતા અને સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, આટલે સુધી ટીમને સ્કોર સાત વિકેટના નુકસાને 142 રન પર પહોંચી ચૂક્યો હતો.

ટીમને આઠમો ફટકો રાશીદ ખાન સ્વરૂપે મળ્યો હતો, તેઓ છેલ્લી ઓવરમાં ફટકાબાજી કરવા જતા પોતાનો કૅચ દઈ બેઠા અને સાત રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા.

એક તરફથી વિકેટો પડતી જઈ રહી હતી તો બીજી તરફથી વૉશિંગટન સુંદર પોતાને મળેલા જીવનદાનનો જાણે પૂરો લાભ ઉઠાવવાના મૂડમાં હોય એમ ટકેલા રહ્યા હતા. તેઓ પોતાની અર્ધ સદી તો પૂરી કરી શક્યા, પરંતુ ટીમને જરૂર હતી એવી રનોની ગતિ પૂરી પાડી શક્યા નહોતા.

તેમણે 37 બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા.

આરસીબીના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેના બૉલરોએ સંયમિત અને કિફાયતી બૉલિંગ પ્રદર્શન કર્યું હતું, રસીખ સલામ ડારે સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી, જ્યારે ભુવનેશ્વરકુમાર, જૉસ હૅઝલવુડ અને કૃણાલ પંડ્યાને અનુક્રમે બબ્બે અને એક વિકેટ મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન