'ઝેરનો વેપારી' જે વિશ્વભરના લોકોને ઝેરી કેમિકલ ઑનલાઇન સપ્લાય કરતો હતો

    • લેેખક, શોન ડિલે, ક્રિસ્ટિન મેકસોર્લી અને ઓલિવિયા આયરલૅન્ડ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કૅનેડામાં એક શખ્સે ઑનલાઇન ઝેરી કેમિકલ્સનું વેચાણ કર્યા પછી આપઘાત કરવામાં મદદ કરવાના 14 મામલામાં પોતાનો ગુનો કબૂલી લીધો છે.

60 વર્ષના કૅનેથ લૉએ ફરિયાદ પક્ષ (સરકારી વકીલો) સાથેની સમજૂતીના ભાગરૂપે શુક્રવારે ઑન્ટેરિયોની કોર્ટમાં પોતાના ગુના કબૂલ્યા હતા અને બદલામાં સામા પક્ષે તેની સામેના હત્યાના વધુ ગંભીર આરોપો પાછા ખેંચી લીધા હતા.

સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ શૅફ એવા કૅનેથ લૉએ ઑનલાઇન સ્યુસાઇડ ફૉરમ પર પરિચયમાં આવનારા 40 દેશોના લોકોને આશરે 1,200 પૅકેજ પણ વેચ્યાં હતાં અને તેમાંથી લગભગ ચોથા ભાગનાં પૅકેજ બ્રિટન મોકલવામાં આવ્યાં હતાં.

તમામ આરોપો કૅનેડાના પીડિતોને લગતા છે - પણ બ્રિટનના સરકારી વકીલોએ 79 બ્રિટિશ નાગરિકોનાં મોત અંગે કૅનેથ લૉ સામે કાનૂની કાર્યવાહી ન કરતા પીડિતોના પરિવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત 79 બ્રિટિશ નાગરિકોનાં મોતને કૅનેથે લૉએ મોકલેલાં ઉત્પાદનો સાથે સંબંધ છે.

ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)એ કહ્યું હતું કે, તેણે કૅનેથ લૉને સજા ફટકારતી વખતે બ્રિટિશ નાગરિકોનાં મોતને પણ ધ્યાનમાં રાખવાની શરત પર કૅનેડિયન પ્લી બાર્ગેઇન (સમજૂતી) કરી છે.

સીપીએસના પત્રમાં જણાવ્યું હતું કે, કૅનેથ લૉએ બ્રિટનમાં આરોપોનો સામનો નહીં કરવો પડે, કારણ કે, તે કૅનેડામાં સમાન પ્રકારના ગુનામાં દોષિત ઠર્યા બાદ પ્રત્યાર્પણને પડકારી શકે છે.

સીપીએસના સ્પેશ્યાલિસ્ટ પ્રોસિક્યુટર ઍન્ડ્રૂ હડસને જણાવ્યું હતું કે, કૅનેડાની સજાની પ્રક્રિયામાં બ્રિટનના પીડિતોને આવરી લેવા, એ ન્યાય મેળવવા માટેનો "સૌથી ઝડપી અને સૌથી અસરકારક માર્ગ" છે.

હડસને કહ્યું હતું કે, સફળ પ્રત્યાર્પણની "કોઈ બાંયધરી નહોતી અને તેની પ્રક્રિયા પૂરી થતાં વર્ષો લાગી ગયાં હોત, વળી, બ્રિટનમાં એક જ ગુના બદલ બે વખત સજા ન કરવાના સિદ્ધાંતના આધારે કાનૂની પ્રક્રિયા અટકી શકી હોત.

'તે અત્યંત આનંદી અને અત્યંત માયાળુ આત્મા હતો'

ઑન્ટારિયોમાં રહેતા 19 વર્ષનાં ઍશ્ટિન પ્રૉસર-બ્લૅક, કૅનેથ લોનાં એક પીડિત હતાં અને માર્ચ, 2023માં તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

તેમનાં માતા કિમ પ્રૉસરે બીબીસીને જણાવ્યું હતું, "તે અત્યંત આનંદી અને અત્યંત માયાળુ આત્મા હતો. તે હંમેશા નબળા લોકોને અને ખાસ કરીને સતામણીનો ભોગ બનતાં બાળકોની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો."

કોવિડ મહામારી પછી પ્રૉસર-બ્લૅકની માનસિક સ્થિતિ બગડવા માંડી હતી. તેમણે ટોરન્ટોની કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો. તે પછી અભ્યાસ છોડીને ઘરે પરત ફર્યા, જ્યાં તે સતત સંઘર્ષ કરતા રહ્યા અને આખરે જીવન ટૂંકાવી લીધું, એમ તેમનાં માતાએ જણાવ્યું હતું.

"મારા પુત્ર ઍશ્ટિનને ગુમાવવાનું દુઃખ કોઈના જેલમાં જવાથી ઓછું નહીં થાય. બીજા કોઈ વ્યક્તિને યાતના વેઠતી જોઈને મને મારા દુઃખમાંથી બહાર નીકળવામાં કોઈ સાંત્વના નહીં મળે."

બ્રિટનમાં ડેવિડ પારફેટના 22 વર્ષના પુત્ર થૉમસે કૅનેથ લૉએ તેમને વેચેલા પદાર્થનો ઉપયોગ કર્યો હતો.

પારફેટે કહ્યું હતું, "ટોમ (થૉમસ) ખરા અર્થમાં જીવનમાં આનંદ જોતો હતો. વિચિત્ર સ્થળોએ પણ તે રમૂજ શોધી લેતો હતો. હું ઘણી વખત તેના હાસ્ય વિશે વિચારું છું."

"ટોમ ફૂટબૉલનો મોટો ચાહક હતો અને તે સારો ફૂટબૉલર પણ હતો. તેની સાથે બેસીને 2026ના વર્લ્ડકપ જોવાનો લ્હાવો ગુમાવવાનું મને ભારે દુઃખ છે."

ટોમે તે પદાર્થ ખરીદવા માટે 50 પાઉન્ડ (67 ડૉલર, 6,390 રૂપિયા) જેટલી રકમ ચૂકવી હતી. 2021માં સરેના સનબરી-ઑન-થેમ્સની એક હોટલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

પારફેટે કહ્યું હતું કે, કૅનેથ લૉએ તેનો ગુનો કબૂલી લીધો, તે સારી વાત હતી, પણ હજુયે તે કલ્પનાતીત નિરાશાની ક્ષણ હતી.

"મેં કૅનેથ લૉનો કેસ અહીં (બ્રિટન)માં ચાલે, તેને પ્રાધાન્ય આપ્યું હોત. હું અદાલતમાં તેને મારા પુત્રના મોત અંગેના આરોપોના જવાબો આપતો સાંભળવા માગતો હતો," એમ તેમણે શુક્રવારે બીબીસીને જણાવ્યું હતું.

"મૃત્યુની ખાતરી થઈ શકે" તેવાં ઉત્પાદનના ઉપયોગની સલાહ આપી

પારફેટ બ્રિટિશ સરકાર સમક્ષ મોતની જાહેર તપાસની માગણી કરી રહ્યા છે, કારણ કે, તેઓ ઇચ્છે છે કે, સત્તાધિકારીઓ આ મુદ્દો સમજે અને સરળતાથી નિવારી શકાતા આપઘાતોને લીધે પરિવારના સભ્યોએ આપ્તજન ગુમાવવાની વેઠવી પડતી યાતનામાંથી પસાર ન થવું પડે.

"અહીં મૃત્યુના આંકડા ચોંકાવી દેનારા છે - બાળકો સહિત ઘણાં લોકોનાં મોત નીપજ્યાં છે - અને હજુયે તેની ગંભીરતા સમજવાનો કોઈ સમન્વિત પ્રયત્ન થતો દેખાતો નથી."

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, "આ કેસમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારો અને મિત્રો પ્રત્યે અમે સહાનુભૂતિ ધરાવીએ છીએ."

"અમે બ્રિટનમાં પ્રવેશતા હાનિકારક પદાર્થોની ઓળખ કરવા માટે અને તેમને રોકવા માટે કાનૂની અમલકર્તા સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ."

બ્રિટન, ઇટાલી અને અમેરિકા સહિતના ડઝનબંધ દેશોના તપાસકર્તાઓને આવરી લેતી ઓછામાં ઓછી 11 કાનૂન અમલીકરણ સંસ્થાઓની સઘન તપાસ બાદ મે, 2023માં કૅનેથ લૉની ધરપકડ થઈ હતી.

એક પત્રકારે ગ્રાહકના સ્વાંગમાં કૅનેથ લૉ સાથે વાતચીત કર્યા બાદ તે યુવાનોને ઝેર વેચતો હોવાનો "ધ ટાઇમ્સ"ની તપાસમાં આરોપ મૂકવામાં આવ્યાના એક અઠવાડિયા પછી તેની ધરપકડ કરાઈ હતી.

અહેવાલ પ્રમાણે, લૉએ "મૃત્યુની ખાતરી થઈ શકે" તે માટે તેનાં ઉત્પાદનનો ઉપયોગ કેવી રીતે કરવો, તે વિશે પત્રકારને સલાહ આપી હતી.

કૅનેડાના જાસૂસોએ 2023માં બીબીસીને જણાવ્યું હતું કે, કૅનેથ લૉ લોકોને તેમનાં જીવન ટૂંકાવવામાં મદદ કરવા ઉપકરણો અને પદાર્થો પૂરાં પાડતી જુદી-જુદી વેબસાઇટો ચલાવતો હતો.

કૅનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આત્મહત્યા કરવામાં મદદ કરનારી વ્યક્તિને 14 વર્ષનો જેલવાસ થઈ શકે છે.

કૅનેથ લૉની સજાની સુનાવણી 23મી સપ્ટેમ્બરથી શરૂ થઈને ઘણા દિવસો સુધી ચાલશે, જેમાં અદાલતમાં પીડિતના પરિવારો પર પડેલી અસરોનાં નિવેદનો વાંચી સંભળાવવામાં આવશે.

આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ભારત સરકારની જીવન આસ્થા હૅલ્પલાઇન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

ગ્રેસ ઍલિઝા ગૂડવિન દ્વારા વધારાનું રિપોર્ટિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન