કાર પણ તમારી જાસૂસી કરી શકે, બચવા માટે શું કરવું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, થૉમસ જર્મેઈન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
તમારું વજન, ચહેરાના હાવભાવથી લઈને તમારા ગંતવ્ય સ્થાન સુધી, કાર તમારા વિશે આશ્ચર્યજનક પ્રમાણમાં માહિતી એકઠી કરી રહી છે.
તેમાંની કેટલીક માહિતી તો તમારા વીમા ખર્ચમાં પણ વધારો કરી શકે છે. પરંતુ કેટલાંક સરળ પગલાં લઈને તમે આ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકો છો અને તમારા વિશેની આ માહિતીને મર્યાદિત કરી શકો છો.
પહેલાં કારનો અર્થ થતો હતો, સ્વતંત્રતા.
જ્યારે મને પહેલી વાર પરિવારની જૂની ટોયોટાની ચાવી મળી ત્યારે તે એક મહત્ત્વનો પડાવ હતો. ત્યારે મને લાગતું હતું કે હવે હું મારાં માતાપિતાની સતર્ક નજરથી દૂર જઈને એક એવી દુનિયામાં જઈ શકું છું કે જ્યાં સમય અને નિર્ણયો ફક્ત મારા પોતાના રહેશે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે.
આધુનિક કાર હવે પૈડાં પર ચાલતું કમ્પ્યુટર બની ગઈ છે.
મોટી કંપનીઓ તમારી કારનો ઉપયોગ તમારા જીવનની વિગતો મેળવીને વધુ પૈસા કમાવવા માટે કરી રહી છે.
જો તમને એમ લાગતું હોય કે વાહન ચલાવવું એટલે એકાંત અને સ્વતંત્રતા, તો ફરીથી વિચારવાની જરૂર છે.
મને લાગે છે કે પરિસ્થિતિ હજી વધારે ખરાબ થવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જો તમે તેમની ગોપનીયતા નીતિઓ પર નજર નાખશો તો કંપનીઓ પોતે જ તમને કહેશે.
તેઓ જે માહિતી એકઠી કરે છે તેમાં તમે જ્યાં પણ પ્રવાસ કરો તેનો ડેટા, જેમ કે તમારી સાથે કારમાં કોણ છે, રેડિયો પર શું વાગી રહ્યું છે, તમે સીટબેલ્ટ બાંધો છો કે નહીં, ઝડપથી વાહન ચલાવો છો કે ધીમે, જોરથી બ્રેક મારો છો કે નહીં, જેવી માહિતી સામેલ હોઈ શકે છે.
કેટલીક કારો તો એવી વિગતો એકઠી કરે છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય. જેમ કે તમારું વજન, ઉંમર, જાતિ અને ચહેરાના હાવભાવ.
તમે નાકમાં આંગળી નાખો છો? કેટલીક કારોમાં ડ્રાઇવર સીટ તરફ કૅમેરા લગાવેલા હોય છે. અને મોટાભાગની કારોમાં ઇન્ટરનેટ કનેક્શન પણ હોય છે, અને તમે નિરાંતે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે તે આ બધો ડેટા બહાર મોકલી શકે છે.
આ ગોપનીયતાની એક એવી સમસ્યા છે જેનાથી તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
કારના ડેટાના સૌથી મોટા ગ્રાહકોમાં વીમા કંપનીઓ છે, અને તેઓ તેનો ઉપયોગ કેટલાક લોકો પાસેથી વધુ કિંમતો વસૂલવા માટે કરી રહી છે. પરંતુ તમારી માહિતી ક્યાં જઈ રહી છે તે કહેવું મુશ્કેલ છે. કેટલીક કાર કંપનીઓ સ્વીકારે છે કે તેઓ તમારો ડેટા વેચે છે, પરંતુ તેમને એવું કહેવાની જરૂર નથી કે કોણ તેને ખરીદે છે.
આ સમગ્ર બાબત તમને થોડી ડરામણી પણ લાગી શકે.
નિષ્ણાતો માને છે કે મોટા ભાગના ગ્રાહકોને તો ખ્યાલ પણ નથી કે આવું બધું થઈ રહ્યું છે.
વૉશિંગ્ટન ડીસીમાં બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સેન્ટર ફૉર ટેકનૉલૉજી ઇનોવેશનના સિનિયર ફેલો ડેરેલ વેસ્ટ કહે છે કે, "લોકો એ જાણીને હતપ્રભ થઈ જશે કે તેમની કાર કેટલો બધો ડેટા એકઠો કરે છે અને તે અન્યોને, જેમકે કાર ઉત્પાદક કંપની કે થર્ડ પાર્ટી ઍપ્લિકેશનોને વેચે છે. તેનો સીધો અર્થ એ છે કે તમારા જીવનને લગભગ દરેક સેકન્ડ મુજબ નવેસરથી રચી શકાય છે."
શું તમને થોડી અસ્વસ્થતા અનુભવાય છે? એક ફેડરલ કાયદો તમારી કાર તમારા વિશે જે માહિતી એકઠી કરી રહી છે, તેનો ડેટા વધારવા જઈ રહ્યો છે.
ટૂંક સમયમાં અમેરિકન કાર કંપનીઓને ઇન્ફ્રારેડ બાયોમેટ્રિક કૅમેરા અને અન્ય સિસ્ટમ્સ ઇન્સ્ટૉલ કરવાની જરૂર પડશે, જે તમારી બૉડી લૅંગ્વેજ સ્કૅન કરશે, તમારી આંખો અથવા તમારા વર્તનના અન્ય પાસાંઓ પર નજર રાખશે, જેથી જાણી શકાય કે તમે નશામાં ધુત્ત છો કે થાકેલા છો. પરંતુ સાથે સાથે આ સિસ્ટમ તમારા સ્વાસ્થ્ય અને તમારી આદતોના ડેટાનો પણ એક નવો ભંડાર ખોલશે. કાર કંપનીઓ આ ડેટાનું શું કરી શકે તે બાબતે હાલમાં કોઈ જ મર્યાદા કે નિયમો નથી.
"કાર બનાવતી કંપનીઓ પોતાના ડેટા સામ્રાજ્યને વિસ્તારી રહી છે, ત્યારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ખરેખર શું ચાલી રહ્યું છે અને તેની તમારા પર કેવી અસર પડી શકે તેમ છે."
અલબત્ત તેના અમુક ફાયદા પણ છે. ઇન્ટરનેટ-કનેક્ટેડ કાર વધુ સુવિધાજનક બની શકે છે.
તેમાં લગાવવામાં આવતાં સેન્સર્સ ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકે છે.
શક્ય છે કે તમે ખૂબ સારા ડ્રાઇવર હોવ તો વીમા કંપનીઓ તમારી પાસેથી ઓછો ચાર્જ લેવાનું નક્કી કરે.
પરંતુ કાર બનાવતી કંપનીઓ પોતાના ડેટા સામ્રાજ્યને વિસ્તારી રહી છે, ત્યારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ખરેખર શું ચાલી રહ્યું છે અને તેની તમારા પર કેવી અસર પડી શકે તેમ છે.
ડેટા સુપરહાઇવે કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/ Getty Images
ડેટા હાઇવે, જો તમારી કાર પ્રમાણમાં થોડી નવી હોય તો શક્ય છે કે તે પણ આમાં સામેલ હોય.
કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સે 2021માં રસ્તા પર ચાલતી 50 ટકા કારમાં ઇન્ટરનેટ કનેક્શન હોવાનું શોધી કાઢ્યું હતું અને આગાહી કરી હતી કે 2030 સુધીમાં આ સંખ્યા વધીને 95 ટકા થઈ જશે.
જો તમારી કાર ઇન્ટરનેટ સાથે જોડાયેલી હોય તો ગોપનીયતાનો પ્રશ્ન લગભગ એક એવો મુદ્દો છે કે જેના વિશે તમારે વિચારવું જોઈએ.
જ્યારે તમે તમારા ફોનને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે જોડો છો, અથવા તો તમે ડ્રાઇવિંગ માટે બનાવેલી ચોક્કસ ઍપ્લિકેશનોનો ઉપયોગ કરો છો, ત્યારે કાર કંપનીઓ તમારી જાસૂસી કરી શકે છે.
ઘણા ડ્રાઇવરો તો વીમા કંપનીઓની ટેલિમેટ્રિક્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરે છે, જે સંભવિત ડિસ્કાઉન્ટના બદલામાં તમારું નિરીક્ષણ કરે છે.
ફાયરફોક્સ બ્રાઉઝર બનાવનાર કંપની મોઝિલાએ 2023માં એક વિશ્લેષણ કર્યું હતું, જેમાં 25 કાર બ્રાન્ડ્સની ગોપનીયતા નીતિઓની તપાસ કરવામાં આવી હતી.
તેમાંથી કોઈ પણ બ્રાન્ડ ગોપનીયતા અને સુરક્ષાનાં ધોરણોને પૂરાં ન કરી શકી, જે મોઝિલા અપનાવે છે.
મોઝિલાએ કહ્યું કે, "કારો પ્રાઇવસીના દૃષ્ટિકોણથી અત્યાર સુધીમાં અમે કરેલી સમીક્ષામાં સૌથી ખરાબ પ્રૉડક્ટ કૅટેગરી છે."
રિપોર્ટ મુજબ કાર કંપનીઓ તમારું નામ, ઉંમર, જાતિ, વજન, નાણાકીય વિગતો, ચહેરાના હાવભાવ, માનસિક વલણો અને આવી બીજી અનેક વિગતો એકઠી કરવાનો અધિકાર પોતાની પાસે રાખે છે.
ઉદાહરણ તરીકે, કિયાની ગોપનીયતા નીતિ તો એમ પણ સૂચવે છે કે કંપની તમારી "સેક્સ લાઇફ" અને સામાન્ય આરોગ્ય સંબંધિત વિગતો પણ એકઠી કરી શકે છે.
કિયાના પ્રવક્તા જેમ્સ બેલ કહે છે કે કંપનીએ ખરેખર ક્યારેય ડ્રાઇવરોની સેક્સ લાઇફ કે સ્વાસ્થ્યનો ડેટા એકત્રિત કર્યો નથી.
આ વિગતો કિયાની ગોપનીયતા નીતિમાં માત્ર એટલા માટે દેખાય છે, કારણ કે કંપની કેલિફોર્નિયાની "સંવેદનશીલ ડેટા"ની નિર્ધારિત વ્યાખ્યાને અનુસરે છે. તેમનું કહેવું છે કે કિયાની ગોપનીયતા નીતિઓ એકદમ પારદર્શક છે અને કંપની ફક્ત ત્યારે જ વીમા કંપનીઓ સાથે ડેટા શેર કરે છે જ્યારે ચાલક તેની મંજૂરી આપે. જોકે, કંપનીએ જણાવ્યું નહીં કે તે કયા પ્રકારનો "સંવેદનશીલ ડેટા" એકત્રિત કરે છે.
કારોમાં એટલા બધા સેન્સર્સ હોય છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સીટોમાં, ડૅશબોર્ડમાં, ઍન્જિનમાં, સ્ટીયરિંગ વ્હીલમાં... જ્યાં જુઓ ત્યાં બધે જ.
ઉદાહરણ તરીકે, ઘણી કારમાં અંદર અને બહાર બંને તરફ કૅમેરા હોય છે. જો તમે તમારી આધુનિક કારમાં કંઈક કરી રહ્યા હોવ તો શક્ય છે કે કોઈ ને કોઈ રીતે કંપનીઓને તેની ખબર પડી જાય.
મોઝિલાને પોતાના અભ્યાસ દરમિયાન 19 કાર કંપનીઓએ કહ્યું હતું તેઓ ડેટા વેચી શકે છે, અને તે થઈ પણ રહ્યું છે.
દાખલા તરીકે, અમેરિકામાં રાજ્ય અને ફેડરલ બંને એજન્સીઓએ જનરલ મોટર્સ (GM) સામે કાર્યવાહી કરી, જેમાં તેમના પર આરોપ હતો કે તેમણે સંમતિ વિના કારનો ડેટા વેચ્યો હતો.
અમેરિકન સેનેટરોએ હોન્ડા અને હ્યુન્ડાઇ પર પણ આ પ્રકારના આરોપો લગાવ્યા છે, અને આ માત્ર એ જ ઉદાહરણો છે, જેના વિશે લોકો જાણે છે.
મોઝિલાના કાર સંશોધનનું નેતૃત્વ કરનાર ગોપનીયતા વિશ્લેષક જેન કેલ્ટ્રાઇડર કહે છે કે, "તેઓ તમારી વિશેની લગભગ બધી જ માહિતી એકઠી કરી રહ્યા છે, જે પુષ્કળ પ્રમાણમાં છે. તેના આધારે તમે કોણ છો, કેટલા બુદ્ધિશાળી છો, તમારી મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ શું છે, રાજકીય માન્યતાઓ શું છે તેનો અંદાજ લગાવે છે. આ એવી બાબતો છે જેના વિશે લોકો લગભગ વિચારતા પણ નથી."
કેલ્ટ્રાઇડર કહે છે કે આ ડેટા કોણ ખરીદી શકે અથવા તો, તેનો ઉપયોગ શેના થઈ શકે તે અંગે મૂળભૂત રીતે કોઈ નિયમો નથી.
તેનો ઉપયોગ તમને વસ્તુઓનું વેચાણ કરવા માટે થઈ શકે છે. કંપનીઓ ભરતીના નિર્ણયોમાં તેનો ઉપયોગ કરી શકે છે.
કાયદા અમલીકરણ એજન્સીઓ જ્યારે સર્ચ વૉરન્ટ મેળવી ન શકે ત્યારે કારનો ડેટા ખરીદી શકે છે.
એકવાર તે તમારા ડૅશબોર્ડમાંથી નીકળી જાય પછી તે ક્યાં પહોંચે છે તેના પર તમારું કોઈ નિયંત્રણ નથી.
પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થઈ શકે

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત કંપનીઓ દ્વારા તમારા અંગત જીવનમાં કરવામાં આવતી જાસૂસી કરતાં અનેકગણી મોટી છે.
ઉદાહરણ તરીકે, જનરલ મોટર્સે ડ્રાઇવરની માહિતી લેક્સિસનેક્સિસ નામની કંપનીને વેચી હતી, જે એક ડેટા બ્રૉકર છે, અને ગ્રાહકો વિશેની વિગતોની લે-વેચ કરે છે.
એક ડ્રાઇવરે જ્યારે પોતાનો ડેટા મેળવ્યો ત્યારે જાણ્યું કે લેક્સિસનેક્સિસ પાસે 130 પાનાંની માહિતી હતી, જેમાં તેણે અને તેની પત્નીએ છેલ્લા છ મહિનામાં જેટલી પણ ટ્રિપ કરી હતી તેનો બધો જ ડેટા હતો.
તેણે ન્યૂ યૉર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે તેના વીમા ખર્ચમાં 21 ટકાનો વધારો થયો ત્યારે એક વીમા એજન્ટે તેને કહ્યું કે આ વધારા પાછળ પેલા ડેટાની ભૂમિકા હતી. લેક્સિસનેક્સિસે આ અંગેની ટિપ્પણીનો કોઈ જવાબ આપ્યો નહોતો.
અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશને આ મામલે કાર્યવાહી કરી અને GM પર પાંચ વર્ષ સુધી વાહન સંબંધિત ડેટા વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જોકે, ત્યાર બાદ કંપની ડ્રાઇવરોની સ્પષ્ટ મંજૂરી લઈને અને કેટલીક શરતોનું પાલન કરીને ફરી આ પ્રથા શરૂ કરી શકે છે.
બીજી બાજુ, લેક્સિસનેક્સિસ અને અન્ય કંપનીઓ હજુ પણ ઘણી કાર ઉત્પાદક કંપનીઓ અને ડ્રાઇવિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતી ઍપ્લિકેશનોમાંથી મેળવેલાં વાહનનો ડેટા વેચી રહી છે. GM અને લેક્સિસનેક્સિસે આ ટિપ્પણીનો કોઈ જવાબ આપ્યો નહોતો.
વીમા કંપનીઓ, કાર ઉત્પાદકો અને ડેટા બ્રૉકર્સ વચ્ચેના આવા સોદા બહુ સામાન્ય બની ગયા છે.
જ્યાં સુધી આ બાબતો ગોપનીયતા નીતિઓમાં સ્પષ્ટ રીતે લખાયેલી હોય અને તમે તેને મંજૂરી આપી રહ્યા હોવ ત્યાં સુધી તે સંપૂર્ણપણે કાયદેસર ગણાય છે.
અમેરિકાસ્થિત બિનલાભકારી સંસ્થા કન્ઝ્યુમર ફેડરેશન ઑફ અમેરિકા માટે ઑટો ઇન્શ્યૉરન્સ સંબંધિત સંશોધન અને અભિયાન સંભાળનાર માઇકલ ડેલોંગ કહે છે કે, "વીમા કંપનીઓ મોટા પ્રમાણમાં ગ્રાહકોનો ડેટા એકત્રિત કરી રહી છે, ખાસ કરીને ડ્રાઇવિંગ ડેટા."
"તેનો ઉપયોગ લોકો પાસેથી વધુ પ્રીમિયમ વસૂલવા, કવરેજ નકારવા અથવા ગ્રાહકોને વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવા માટે કરી રહી છે."
તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે શું કરી શકો છો?

ઇમેજ સ્રોત, Getty Images
થૉમસ જર્મેન બીબીસીના એક સિનિયર ટેકનૉલૉજી પત્રકાર છે. તેઓ 'કીપિંગ ટેબ્સ' નામે કૉલમ લખે છે અને ધ ઇન્ટરફેસ નામના પૉડકાસ્ટના સહ-સંચાલક છે.
તેઓ આપણા ડિજિટલ જીવનને ચલાવતી છુપી સિસ્ટમોને ઉજાગર કરે છે અને આપણે તેની સાથે વધારે સારી રીતે રહી શકીએ તે માટેની ટિપ્સ આપે છે.
કાર કંપનીઓ કહે છે કે તેઓ તમને ટ્રૅક કરતા પહેલાં તમારી મંજૂરી લે છે. પરંતુ હકીકતમાં તેનો અર્થ મોટે ભાગે એવો થાય છે કે જ્યારે તમે તમારી કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અથવા તેની સાથે જોડાયેલી ઍપ્લિકેશનો સેટ કરો ત્યારે કેટલાંક ફૉર્મ્સ અને પ્રાઇવસી પૉલિસીને સંમતિ આપો છો.
કેટલાંક વાહનોમાં તો જ્યારે તમે ઍન્જિન શરૂ કરો ત્યારે દર વખતે તે દેખાય છે. શું તમે એ બધું વાંચો છો? જવાબ સ્પષ્ટ છે, ના.
અમેરિકામાં રાષ્ટ્રીય સ્તરે કોઈ ગોપનીયતાનો કાયદો નથી.
અલગ અલગ રાજ્યોમાં થોડી ઘણી સુરક્ષા વ્યવસ્થાઓ છે, પરંતુ કેટલાક ગોપનીયતા નિષ્ણાતોનું માનવું છે કે તે પૂરતું નથી.
યુકે સહિત યુરોપમાં ચિત્ર થોડું સારું છે, જ્યાં માહિતીની ચોક્કસ સંવેદનશીલ શ્રેણીઓ માટે ખાસ સુરક્ષા છે અને ગ્રાહકો પાસે કેટલાક અધિકારો છે, જે તેમને તેમના ડેટાને ઍક્સેસ કરવા અને કંપનીઓને તેને કાઢી નાખવાનું કહેવાનો અધિકાર દે છે.
પરંતુ યુરોપમાં પણ તે સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાયેલી નથી.
કેલ્ટ્રાઇડરે જણાવ્યું, "યુરોપિયનો હજુ પણ ગોપનીયતા નીતિઓને આધીન છે. તમારે નિયમોના પાલન અને અમલ બાબતે ભરોસો મૂકવો પડે છે. અને તે એક એવી વસ્તુ છે જે હંમેશાં બનતી નથી, ખાસ કરીને કાર બાબતે."
આ સમસ્યા નવી નથી, પરંતુ અમુક એવાં કારણો છે, જેને લીધે લાગે છે કે તે ખૂબ ઝડપથી વધી રહી છે.
અમેરિકાના કાયદા અનુસાર કાર ઉત્પાદકોને આગામી થોડાં વર્ષોમાં નવાં પેસેન્જર વાહનોમાં "અદ્યતન ક્ષતિગ્રસ્ત-ડ્રાઇવિંગ નિવારણ તકનીક" ઇન્સ્ટૉલ કરવાની જરૂર પડશે.
આ ટૅકનૉલૉજીનો હેતુ એ છે કે જો કોઈ વ્યક્તિ નશામાં હોય, અત્યંત થાકેલી હોય અથવા ડ્રાઇવિંગ માટે યોગ્ય ન હોય, તો ઇન્ફ્રારેડ કૅમેરા અથવા અન્ય સિસ્ટમ દ્વારા તેને વાહન ચલાવવાથી અટકાવી શકાય.
કેલ્ટ્રાઇડર અને અન્ય નિષ્ણાતોના કહેવા મુજબ સમસ્યા એ છે કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જે દર્શાવે કે આ સિસ્ટમો દ્વારા એકઠા કરાયેલા ડેટાનું શું કરવામાં આવશે.
અમેરિકાની નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી ઍડમિનિસ્ટ્રેશન (NHTSA)ના પ્રવક્તા, જેઓ નિયમો લાગુ કરવાનો હવાલો ધરાવે છે, તેમણે જણાવ્યું હતું કે, "NHTSA પોતાની પાસે ઉપલબ્ધ દરેક સાધનનો ઉપયોગ કરીને નશામાં ડ્રાઇવિંગથી થતા મૃત્યુ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે," અને તે ગોપનીયતાની જેવા "જટિલ અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ" પર પણ સતત કામ કરી રહી છે. આ કાયદાના અમલીકરણમાં વિલંબ થવાની સંભાવના છે, કારણ કે ટૅકનૉલૉજી હજી પૂર્ણપણે તૈયાર નથી. પરંતુ ગોપનીયતાના હિમાયતીઓ ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે.
કેલ્ટ્રાઇડર જણાવે છે કે, "આપણે નશામાં વાહન ચલાવતા લોકોને રસ્તાથી દૂર રાખવાની જરૂર છે, અને જો એવી ખાતરી આપવામાં આવે કે આ ડેટાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે નહીં થાય તો બહુ સારું. પરંતુ એવું થઈ રહ્યું નથી. કારમાં ડેટા એકત્ર કરવાની જેટલી પણ નવી તરકીબો આપણે જોઈએ છીએ તે સલામતીની આડમાં કરવામાં આવી રહી છે." આનાથી ઑટો ઉદ્યોગને મેડિકલ જાણકારીનો એવો મોટો ખજાનો હાથ લાગી શકે છે કે જેમાં કોઈ સુરક્ષાના ઉપાયો ઉપલબ્ધ નથી.
ઘણી બધી ગોપનીયતાની સમસ્યાઓની જેમ કારના ડેટાની સમસ્યા એવી નથી, જેને તમે સંપૂર્ણપણે હલ કરી શકો, પરંતુ કેટલાંક પગલાં ચોક્કસ લઈ શકો. સૌથી પહેલાં ડેલોંગ કહે છે કે, "જો તમને ગોપનીયતા વિશે કંઈ ચિંતા હોય તો વીમા ટેલિમેટિક્સ પ્રોગ્રામમાં જોડાશો નહીં."
ગોપનીયતાનાં જોખમો ખૂબ મોટાં છે, અને સામે વળતરની કંઈ ગૅરન્ટી નથી.
મેરીલૅન્ડ રાજ્યના એક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 31 ટકા ડ્રાઇવરોએ તેમના વીમા દરમાં ઘટાડો જોયો હતો, પણ 24 ટકા ડ્રાઇવરોના વીમાની કિંમતોમાં વધારો થયો હતો અને 45 ટકાને કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો.
યુકે, EU અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં તમે કંપનીઓએ તમારો જે ડેટા એકઠો કર્યો હોય તેની નકલ માંગી શકો છો. અને તે ડેટા વેચવા કે શૅર કરવાનો વિકલ્પ નાપસંદ કરી શકો છો.
ઉપરાંત તમે કંપનીઓને તમારો ડેટા કાઢી નાખવા પણ કહી શકો છો.
તમે અહીં મોટી કાર ઉત્પાદક કંપનીઓની ગોપનીયતા નીતિની લિંક પણ મેળવી શકો છો.
કેટલાક કાર ઉત્પાદકો ગોપનીયતાનું સેટિંગ્સ પણ આપે છે, જેમાં તમે જાતે સેટ કરીને ડેટાના શૅરિંગ અને સંગ્રહને મર્યાદિત કરી શકો છો.
તમારી કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને તેની સાથે જોડાયેલી કોઈ પણ ઍપ્લિકેશનની સેટિંગ્સમાં આવા વિક્લપો શોધી શકાય છે.
કન્ઝ્યુમર રિપોર્ટ્સ (જ્યાં હું કામ કરતો હતો) પાસે એક વિગતવાર માર્ગદર્શિકા છે. વધુ માહિતી માટે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.
કેલ્ટ્રાઇડર કહે છે કે આવાં પગલાં મદદ કરી શકે, પરંતુ કંપનીઓને તમારી ગોપનીયતાનું ઉલ્લંઘન કરતા અટકાવવાની સખત મહેનતનું કામ તમારી જવાબદારી ન હોવી જોઈએ.
તેઓ કહે છે કે,"જ્યાં સુધી આખી સિસ્ટમ ન બદલાય, જ્યાં સુધી આપણે આપણા ડેટાના માલિક ન બનીએ, આપણે આપણા ડેટાને નિયંત્રિત ન કરી શકીએ, અને કંપનીઓએ તેનો ઉપયોગ કરવા માટે આપણી પરવાનગી ન લેવી પડે ત્યાં સુધી મને લાગે છે કે આ સમસ્યા વધુને વધુ ગંભીર થતી જશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























