16 વર્ષનું સરમુખત્યાર શાસન, 'અમીરોની સરકાર' ને તોય એક જ દિવસમાં સત્તા જતી રહી

હંગેરી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, વિક્ટર ઓર્બાન

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

વિક્ટર ઓર્બાન છેલ્લા 16 વર્ષથી હંગેરીમાં સત્તા પર હતા. રવિવારે રાત્રે જે રીતે તેમણે હારનો સ્વીકાર કર્યો, તે દર્શાવતું હતું કે કઈ રીતે તેઓ પોતાની છબી પ્રત્યે ખૂબ જ સભાન હતા અને કઈ રીતે તેમણે એક "મેજોરિટારિયન" (બહુમતીવાદી) લોકશાહી નેતા તરીકે વર્તન કર્યું હતું.

હંગેરીમાં વિક્ટર ઓર્બાનનું શાસન 16 વર્ષ પછી અંતે સમાપ્ત થયું છે. લગભગ 98% મતોની ગણતરી સાથેનાં પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે, 'તિસા પાર્ટી' 138 બેઠકો જીતી ગઈ છે. 199 બેઠકોવાળી સંસદમાં ઓર્બાનની 'ફિડેઝ પાર્ટી'ને માત્ર 55 બેઠકો મળી છે, જ્યારે જમણેરી પક્ષ 'અવર હોમલૅન્ડ'ને 6 બેઠકો મળી છે.

ઓર્બાનને પરાજય આપનાર 'તિસા પાર્ટી'ના નેતા પીટર માર્જાએ ડેન્યુબ નદીના કિનારે એકઠી થયેલી મેદનીને સંબોધતાં કહ્યું, "આપણે સૌએ સાથે મળીને હંગેરિયન સરકારને ઉથલાવી દીધી છે."

મેગ્યારે જાહેરાત કરી છે કે તેઓ ઓર્બાનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ફેરફારોને ઉલટાવી દેશે. તેમણે શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારો કરવા, ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા, ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવવા અને 'એનઇઆર' (NER) તરીકે ઓળખાતી વ્યવસ્થાને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. આ વ્યવસ્થા હેઠળ ઓર્બાનના નિકટના સમર્થકોને ફાયદો પહોંચાડી સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવામાં આવતો હતો.

બંધારણમાં સુધારો કરવા માટે મેગ્યારને 133 બેઠકોની જરૂર હતી, પરંતુ તાજેતરનાં પરિણામો મુજબ તિસા પાર્ટી 138 બેઠકો જીતી રહી છે, જે તેમને નિર્ણાયક બહુમતી આપે છે.

ઓર્બાનના શાસન પર એક નજર

હંગેરી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, વિક્ટર ઓર્બાન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઓર્બાન પોતાની જાતને રાષ્ટ્રીય સાર્વભૌમત્વના પ્રબળ સમર્થક ગણાવતા હતા, પરંતુ રશિયા સામે યુક્રેનના સાર્વભૌમત્વ માટે ઊભા રહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ઈમિગ્રેશન વિરુદ્ધ જોરશોરથી અવાજ ઉઠાવ્યો, પરંતુ પોતાની નવી ફેક્ટરીઓ ચલાવવા માટે શ્રીલંકા, ફિલિપાઈન્સ, યુક્રેન અને તુર્કીથી આવતા શ્રમિકોને છૂપી રીતે પ્રોત્સાહન પણ આપ્યું.

2010માં સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવ્યાના એક વર્ષ બાદ તેમણે નવું બંધારણ ઘડ્યું હતું. તેમણે હંગેરીને પોતાની અને પોતાની પાર્ટીની ઈચ્છા મુજબ નવો આકાર આપ્યો. સંસદમાં પ્રચંડ બહુમતીના જોરે તેમણે કોર્ટનું માળખું, ચૂંટણીપ્રક્રિયા અને અર્થતંત્ર બદલવા માટે એક પછી એક અનેક કાયદાઓ પસાર કર્યા.

પરંતુ અંતે, રવિવારે હંગેરીની જનતાએ મક્કમતાથી કહી દીધું કે "હવે અમારે આ શાસનનો હિસ્સો નથી બનવું." વિજેતા નેતા પીટર માર્જાએ તે બાબત પર સખત નારાજગી વ્યક્ત કરી હતી કે ઓર્બાનના શાસનમાં અમીરો વધુ અમીર બન્યા, ગરીબો વધુ ગરીબ થયા અને મધ્યમ વર્ગ સતત સંકોચાતો ગયો. ઓર્બાન ચૂંટણીઓ તો જીતી જતાં હતા, પરંતુ હંગેરીની જનતા હવે સાચી શાંતિ અને પરિવર્તન ઈચ્છતી હતી.

મેગ્યારે ડેન્યુબ કિનારે જશ્ન મનાવી રહેલી ભીડને કહ્યું, "આજે રાત્રે આપણે વિજયની ઉજવણી કરીશું, પરંતુ આવતીકાલથી આપણે કામ શરૂ કરીશું."

વિક્ટર ઓર્બાન કોણ છે?

હંગેરી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, વિક્ટર ઓર્બાન

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુરોપિયન યુનિયનના કોઈ પણ નેતાએ વિક્ટર ઓર્બાન જેટલા લાંબા સમય સુધી હંગેરીનું નેતૃત્વ કર્યું નથી. 62 વર્ષીય ઓર્બાનનો જન્મ 1963માં બુડાપેસ્ટના પશ્ચિમ વિસ્તારમાં થયો હતો. 1980ના દાયકાના અંતમાં જ્યારે સોવિયેત યુનિયન પતન તરફ હતું, ત્યારે ઓર્બાન કાયદાના વિદ્યાર્થી હતા. તે સમયે તેમણે 'ફિડેઝ' નામની રાજકીય પાર્ટીની સ્થાપના કરી, જેનો અર્થ "એલાયન્સ ઑફ યંગ ડેમૉક્રેટ્સ" થાય છે.

તેમનું માનવું હતું કે જો આપણે આપણી શક્તિમાં વિશ્વાસ રાખીએ, તો સામ્યવાદી સરમુખત્યારશાહીનો અંત લાવી શકાય છે. 2002 પછી ઓર્બાને માર્શલ આર્ટ્સ પ્રશિક્ષક અને ઉદ્યોગપતિ અર્પાડ હબોની સાથે મિત્રતા કરી અને તેમને પોતાના અંગત માર્ગદર્શક બનાવ્યા. હબોની તેમના અત્યંત વિશ્વસનીય સાથી અને ફિડેઝના વ્યાપાર સામ્રાજ્યનો અભિન્ન ભાગ બન્યા.

2010માં વૈશ્વિક આર્થિક કટોકટીના સમયમાં ઓર્બાન ફરી સત્તા પર આવ્યા. ત્યારથી તેમણે હંગેરીને એવી સ્થિતિમાં પરિવર્તિત કરી દીધું જેને યુરોપિયન સંસદે "ચૂંટણીગત સરમુખત્યારશાહી" તરીકે વખોડી કાઢ્યું હતું. તેમણે પોતાની વિચારધારાને "ઈલિબરલ ડેમૉક્રેસી" (ઉદારતાવાદ વગરની લોકશાહી) તરીકે ઓળખાવી, જ્યારે અમેરિકાની મેગા (MAGA) ચળવળમાં તેમના સાથીઓ તેને "નેશનલ કન્ઝર્વેટિઝમ" કહે છે.

તેમને યુરોપિયન યુનિયનમાં વ્લાદિમીર પુતિનના સૌથી મજબૂત ભાગીદાર માનવામાં આવે છે. વળી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને સમર્થન આપ્યું હતું. યુરોપિયન યુનિયનની અંદર ઓર્બાનના સૌથી નજીકના સાથીઓ કટ્ટરપંથી અને જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓ રહ્યા છે.

ઓર્બાનનો કાર્યકાળ: તેઓ એક સરમુખત્યાર હતા?

હંગેરી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, વિક્ટર ઓર્બાન

ઇમેજ સ્રોત, BALINT PORNECZI/AFP

2010માં સત્તામાં આવ્યા બાદ ઓર્બાન એક પણ ચૂંટણી હાર્યા નહોતા. તેમણે હંગેરીના કાયદા અને બંધારણમાં ધરખમ ફેરફારો કર્યા હતા. સતત ચાર ચૂંટણીઓ "સુપર-બહુમતી" સાથે જીતીને તેમણે સંસદ પર પકડ જમાવી રાખી હતી. તેમના શાસનકાળમાં 40થી વધુ એવા મુખ્ય કાયદા પસાર કરવામાં આવ્યા જેનાથી રાજ્યની સંસ્થાઓ, અર્થતંત્ર, ચૂંટણી કાયદા અને મીડિયાનું પોતાની રીતે સંપૂર્ણ પુનર્ગઠન થયું હતું.

જોકે તેમના શાસનમાં અર્થતંત્ર સ્થિર થયું અને જાહેર નાણાં સુરક્ષિત થયા, પરંતુ મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી. મીડિયા મોનિટર 'મેર્ટેક'ના જણાવ્યા અનુસાર, ફિડેઝ અને તેના સમર્થકોએ ધીમે ધીમે હંગેરીના મીડિયા જગત પર કબજો જમાવી દીધો. 2018માં લગભગ તમામ "ઓર્બાન-સમર્થિત મીડિયા"ની માલિકી 'કેસ્મા' નામના ફાઉન્ડેશનને સોંપાઈ ગઈ, જેમાં ફિડેઝના સાંસદો જ મુખ્ય ભૂમિકામાં હતા.

યુરોપિયન સંસદે કાયદાના શાસન સામેનાં જોખમો અંગે વારંવાર ચેતવણી આપી હતી. તાજેતરમાં હંગેરીએ વીટો પાવરનો ઉપયોગ કરીને યુક્રેન માટેના 90 બિલિયન યુરોના ભંડોળને રોકી દીધું હતું, જેને કારણે યુરોપિયન યુનિયન સાથે વિવાદ વકર્યો હતો.

જુલાઈ 2015માં શરણાર્થીઓની કટોકટી વખતે ઓર્બાને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને આતંકવાદ વચ્ચે સીધો સંબંધ હોવાનો દાવો કર્યો હતો.

2022માં તેમના શાસનમાં શાળાઓ અને મીડિયામાં જાતીય વિવિધતાની ચર્ચા પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવામાં આવ્યો, જેને યુરોપિયન કમિશન દ્વારા પડકારવામાં આવ્યો હતો. પુતિન અને ટ્રમ્પ જેવા નેતાઓનો સાથ હોવા છતાં, યુદ્ધખોર નેતાઓથી હંગેરીને બચાવવાનો તેમનો દાવો છેવટે પોકળ સાબિત થયો.

હંગેરીમાં સત્તામાં આવેલ પીટર માર્જા કોણ છે?

હંગેરી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, વિક્ટર ઓર્બાન

ઇમેજ સ્રોત, Jakub Porzycki/NurPhoto

પીટર માર્જાએ અગાઉ વિક્ટર ઓર્બાનના જ સાથી હતા, જેમણે બે વર્ષ પહેલાં તેમની સામે બળવો કર્યો હતો. 45 વર્ષીય મેગ્યારે 'ફિડેઝ પાર્ટી'ના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. તેમણે બુડાપેસ્ટની પ્રતિષ્ઠિત કેથોલિક સ્કૂલ અને ત્યારબાદ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો છે.

ફેબ્રુઆરી 2024 સુધી તેઓ ફિડેઝ પાર્ટીનો હિસ્સો હતા, પરંતુ ત્યારબાદ તેમણે વિપક્ષ તરફી યુટ્યુબ ચેનલ 'પાર્ટીઝન' પર લાઈવ દેખા દઈને સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. 96 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં, જ્યારે મેગ્યારે લાઈવ વીડિયોમાં પક્ષ છોડવાનાં કારણો જણાવ્યાં, ત્યારે 10 લાખથી વધુ લોકોએ તેમને સાંભળ્યા હતા. બળવો કર્યા બાદ તેમણે બે વર્ષ સુધી દેશભરમાં પ્રવાસ કરીને પ્રચંડ જનસમર્થન મેળવ્યું અને અંતે ઓર્બાનના અભેદ કિલ્લાને તોડી નાખ્યો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન