પશ્ચિમ બંગાળમાં નિર્ણાયક મતદાન : મમતાએ ભાજપ પર શું આરોપ લગાવ્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂંટણીપંચ, પશ્ચિમ બંગાળ,

ઇમેજ સ્રોત, X/@CEOWestBengal

ઇમેજ કૅપ્શન, બીજા તબક્કામાં કુલ 1448 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 220 મહિલા પણ સામેલ છે
વાંચવાનો સમય: 4 મિનિટ

પશ્ચિમ બંગાળમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાનના બીજા તબક્કામાં 142 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. નોંધનીય છે સવારના નવ વાગ્યા સુધી 18.39 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પોતાની ભવાનીપુર બેઠકના ઘણા બૂથની મુલાકાત લીધી. તેમણે આરોપ લગાવ્યો કે, "સેન્ટ્રલ ફોર્સિસ અને ચૂંટણી ઑબ્ઝર્વર ભાજપના કહ્યાનુસાર કામ કરી રહ્યાં છે."

તેમજ આ બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી શુભેંદુ અધિકારીએ કહ્યું, "મમતા બેનરજી આજે ઉમેદવાર છે, તેમને બૂથ પર જવાનો અધિકાર છે પરંતુ તેઓ આટલી ભીડ લઈને કેમ આવ્યાં છે? હું પણ બૂથ પર જઈ રહ્યો છું, પરંતુ માત્ર મારા બૉડીગાર્ડ્સ સાથે. તેમણે પણ આવું જ કરવું જોઈએ. તેમણે ડર ફેલાવવા માટે આટલી ભીડ લાવી છે."

પીટીઆઇ પ્રમાણે, બારાનગરના વૉર્ડ નંબર 72માં ઇવીએમ ખરાબ થવાને લીધે મતદાન રોકી દેવાયું છે. નારાજ મતદારોનું કહેવું છે કે મશીન પાંચ વખત બદલવામાં આવી, પરંતુ મતદાન શરૂ ન થયું.

ખાનાકુલના હુગલી જિલ્લામાં રાજહાટી-1 પંચાયતના રામચંદ્રપુરના બૂથ નંબર 147 પર ટીએમસી અને આઇએસએફ સમર્થકો વચ્ચે ઝઘડો થયો, આરોપ છે કે નકલી પૉલિંગ એજન્ટ તહેનાત કરવામાં આવ્યા હતા.

મમતા સહિત અડધો ડઝન મંત્રીઓનાં ભાવીનો લેવાશે નિર્ણય

મતદાન, બંગાળ, એસઆઈઆર, દ્વિતીય ચરણ

ઇમેજ સ્રોત, Getty Images

આ તબક્કો પશ્ચિમ બંગાળ સરકારના અડધી ડઝનથી વધુ મંત્રીઓની, તેમજ મુખ્ય મંત્રી અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનરજીનું ભાવી નક્કી કરશે. તેમને ભાજપના દિગ્ગજો અને સીપીઆઈ(એમ)ના નવા ચહેરાઓ કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં આવેલા ટીએમસીના ગઢમાં ટક્કર આપી રહ્યા છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળમાં ગત 23 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીએ રાજ્યના ઇતિહાસમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ, પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં કુલ 92.88 ટકા મતદાન નોંધાયું હતું.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આ અગાઉ સૌથી વધુ મતદાનનો રેકોર્ડ 2011માં સર્જાયો હતો. એ વર્ષે 84.72 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણી રાજ્ય માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતી. એ ચૂંટણી પછી મમતા બેનરજી ડાબેરી મોરચા ગઠબંધનનાં 34 વર્ષના શાસનનો અંત લાવ્યાં હતાં અને મુખ્ય મંત્રી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન

મતદાન, બંગાળ, એસઆઈઆર, દ્વિતીય ચરણ

ઇમેજ સ્રોત, Subham Dutta

પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીમાં મતદાતાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકીય આરોપો વચ્ચે દેશભરના લોકોની પશ્ચિમ બંગાળ તરફ નજર છે.

એક તરફ ગુજરાતમાં ગરમીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછું મતદાન જોવા મળ્યું, ત્યારે બંગાળમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું હતું.

ચૂંટણી પહેલાંના દસ દિવસોમાં ટ્રેન, બસ કે ફ્લાઇટની ટિકિટ મેળવવાનું લગભગ અશક્ય હતું.

હાવડા, સિયાલદહ, ન્યુ જલપાઈગુડી, માલદા ટાઉન અને બર્ધમાન જંક્શન જેવાં રેલવે સ્ટેશનો લોકોની ભીડથી ઉભરાઈ ગયાં હતાં.

બંગાળમાં પ્રથમ તબક્કામાં ક્યાં અને કેટલું મતદાન થયું?

મતદાન, બંગાળ, એસઆઈઆર, દ્વિતીય ચરણ

ઇમેજ સ્રોત, ANI

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં કુલ 92.88 ટકા મતદાન નોંધાયું છે. મુસ્લિમ બહુમતીવાળા મતવિસ્તારોમાં મતદાનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. સીતલકુચીમાં 97.53 ટકા, મોથાબારીમાં 95.05 ટકા, ભગવાનગોલામાં 96.95 ટકા, જંગીપુરમાં 95.72 ટકા, ચોપરામાં 96.02 ટકા અને હેમતાબાદમાં 96.40 ટકા મતદાન થયું હતું.

મતદાનના દિવસે જે મતવિસ્તારોમાંથી ગરબડના અહેવાલ આવી રહ્યા હતા ત્યાં પણ મતદાનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચું રહ્યું હતું.

તેનાં ઉદાહરણ જોઈએ તો દોમકલમાં 96.43 ટકા, રેજીનગરમાં 92.17 ટકા અને કુમારગંજમાં 95.87 ટકા મતદાન થયું હતું. મુસ્લિમો લઘુમતીમાં હોય અને હિંદુઓ બહુમતીમાં હોય તેવા મતવિસ્તારોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં ઊંચું મતદાન થયું હતું.

પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, જલપાઈગુડી અને પુરુલિયા જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું.

SIRમાં લગભગ 91 લાખ નામોને બાકાત રખાતાં વિવાદ

મતદાન, બંગાળ, એસઆઈઆર, દ્વિતીય ચરણ

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images

બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યનો રાજકીય માહોલ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને લગભગ 91 લાખ નામોને બાકાત રાખવાના વિવાદથી ઘેરાયેલો હતો.

ઘણા તદારોએ મીડિયાને જણાવ્યું હતું કે તેમને ડર હતો કે જો તેઓ આ વખતે મતદાન નહીં કરે તો તેઓ ભવિષ્યની મતદાર યાદીમાં નામ સામેલ કરાવી શકશે નહીં, જે પરિસ્થિતિ બાદમાં તેમના નાગરિકત્વ બાબતે શંકા પેદા કરી શકે છે.

ચૂંટણીપંચનો ડેટા દર્શાવે છે કે જે મતવિસ્તારોમાં મતદારોનાં નામ કાઢી નાખવાનો દર ઊંચો હતો ત્યાં પણ મતદાનનું પ્રમાણ ઊંચું રહ્યું હતું.

મુર્શિદાબાદ જિલ્લાનાં ફરક્કા, દોમકલ, બેલડાંગા, ભગવાનગોલા અને જંગીપુર, માલદા જિલ્લાનાં હબીબપુર, બીરભૂમના હસના અને ઉત્તર દિનાજપુરના ચોપરા જેવા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ગત વર્ષ કરતાં વધી છે.

આ પ્રદેશના ઘણા રહેવાસીઓ સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરવા અન્ય રાજ્યોમાં જાય છે. આ વખતે લોકો ખાસ કરીને મતદાન કરવા માટે નોંધપાત્ર પ્રમાણમાં પાછા આવ્યા હતા. બીજા તબક્કામાં કેટલું મતદાન થશે તે પર હવે સૌની નજર છે.

બંગાળમાં ભારે મતદાન કોના પક્ષમાં?

મતદાન, બંગાળ, એસઆઈઆર, દ્વિતીય ચરણ

ઇમેજ સ્રોત, ANI

પ્રથમ તબક્કાના મતદાન પછી શાસક તૃણમૂલ કૉંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી બંનેએ આશા વ્યક્ત કરી છે કે આ રેકોર્ડબ્રેક મતદાન આખરે તેમની તરફેણમાં પરિણમશે.

મતદાનના પ્રથમ તબક્કા પછી રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કોલકાતાના ચોરંગી વિસ્તારમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે "લોકો આ ચૂંટણીને તેમના અધિકારોની રક્ષા માટેનું યુદ્ધ માને છે. તેઓ સીમાંકન, એનઆરસી અને એવી બાબતોથી ભયભીત હતા."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 એપ્રિલે કોલકાતામાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે ટિપ્પણી કરી હતી કે "તૃણમૂલના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા ઘણા લોકો અમારા ઉમેદવારોની યાદીમાં છે. એ ઉપરાંત તૃણમૂલથી ભયભીત ઘણા લોકો અમારા ઉમેદવારોને ટેકો આપવા આગળ આવી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન