You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના 'દિવ્ય અને પ્રેત દરબાર'નો વિરોધ, આયોજન પર વિવાદ કેમ થયો?
ત્રણ વર્ષ બાદ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં ફરીથી આવ્યા છે અને શુક્રવાર સાંજથી તેમની હનુમાન કથાનો આરંભ થયો છે.
ભારત જન વિજ્ઞાન જાથા અને રાજકોટના ધારાશાસ્ત્રી પુરુષોત્તમ પીપરિયાએ આક્ષેપ કર્યો છે કે આવાં આયોજન દરમિયાન કથાના સમય બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી 'દિવ્ય દરબાર' અને 'પ્રેત દરબાર' નામના કાર્યક્રમનું આયોજન કરીને કથિત ચમત્કારોના દાવા કરી લોકોને ગેરમાર્ગે દોરે છે.
પીપરિયાએ આવા આયોજનની મંજૂરી રદ કરવા પોલીસને અરજી કરી છે.
જોકે આ કથાના આયોજકોએ વિજ્ઞાન જાથા અને પુરુષોત્તમ પીપરિયાના આરોપને ફગાવી દીધો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં શું કાર્યક્રમ છે?
કેટલાક ઉદ્યોગપતિઓ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બૅનર હેઠળ 5 જૂનથી 7 જૂન એમ ત્રણ દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર 'સનાતન સેતુ શ્રી હનુમંત કથા' નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલા બાગેશ્વર ધામના 'બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રી કથા-પ્રવચન કરશે.
વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને હાલ હિન્દુ જાગરણ મંચના રાજકોટ મહાનગર એકમના સંયોજક મંગેશ દેસાઈ સૌરાષ્ટ્ર સનાતન સમિતિના સભ્ય છે.
રાજકોટ શહેરની વચ્ચે આવેલા રેસકોર્સના મેદાનમાં ત્રણ દિવસ દરમિયાન સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કથા/પ્રવચન ચાલશે તેમ આયોજકો કહે છે.
રાજકોટના કેટલાક લોકો તેમના દિવ્ય દરબારનો વિરોધ કરી રહ્યા છે અને અમુક પ્રકારના પડકારો ફેંકી રહ્યા છે તેનો જવાબ પૂછવામાં આવતાં રાજકોટ આવી પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું, "જે લોકો મારા વિષે ટિપ્પણીઓ કરી રહ્યા છે તેઓ ક્યારેક એ લોકો વિષે પણ ટિપ્પણીઓ કરે જે દેશને કસ્બા-એ-હિન્દ બનાવવા ઇચ્છે છે અને જેઓ દેશમાં 'લવ જેહાદ' ફેલાવે છે. અમે તો ધર્માંતરણ રોકી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે કેટલાંક હિંદુ જૂથો દ્વારા જેને 'લવ જેહાદ'નું નામ અપાય છે એવી એક વિવાદિત થિયરી પાછલાં ઘણાં વર્ષોથી ભારતમાં ચર્ચાનો વિષય બની છે.
આ થિયરી અનુસાર એવું મનાય છે કે મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાઓને ફોસલાવી-આકર્ષીને તેમનું ધર્માંતરણ કરાવે છે. જોકે, આ દાવાના સમર્થન માટેના કોઈ પુરાવા નથી.
કોઈ પણ કેન્દ્રીય એજન્સી તરફથી 'લવ જેહાદ'નો કોઈ મામલો સૂચિત કરવામાં નથી આવ્યો એવો ખુલાસો પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી સંસદમાં આપી ચૂક્યા છે.
લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીનો કયા મુદ્દે વિરોધ કરી રહ્યા છે?
ભારત જન વિજ્ઞાન જાથા અને વકીલ પુરુષોત્તમ પીપરિયા ધીરેન્દ્ર શાસ્ત્રીના કથિત 'દિવ્ય દરબાર' અને 'પ્રેત દરબારનો' વિરોધ કરી રહ્યાં છે.
પત્રકારો સાથે શુક્રવારે વાત કરતા ભારત જનવિજ્ઞાન જાથાના ચૅરમૅન જયંત પંડ્યાએ કહ્યું, "ધીરેન્દ્ર શાસ્ત્રી જે કોઈ જગ્યાએ જાય ત્યાં વાદ-વિવાદ (થાય છે), વાતાવરણ ડહોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો-વ્યવસ્થા જોખમાય છે. આ સચ (સત્ય છે). તે કથાકાર પણ નથી અને સંત પણ નથી."
"તેણે રાષ્ટ્રીય પક્ષને ઓથ આપનારને કહ્યું કે ચાર બાળકો પેદા કરો. વણમાગી સલાહ આપી છે. પોતે પણ લોકોમાં દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે તે આ કથા દરમિયાન સૂત્રોચ્ચાર અને ધરણાંનો કાર્યક્રમ કરશે. અને તે જે પરચાની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે એ તમામ વસ્તુ અવાસ્તવિક, અવૈજ્ઞાનિક અને બૉગસ છે."
"આ માત્ર અંધશ્રદ્ધા અને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી. દેશને વિજ્ઞાનની જરૂર છે, બાળકો યુનિવર્સિટીઓ તરફ વળે તેની જરૂર છે, જ્યારે આ શખ્સ લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી, ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે. એટલે વિજ્ઞાન જાથા આ શખ્સનો સદૈવ વિરોધ કરવાનું છે."
જયંત પંડ્યાએ એમ પણ કહ્યું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી કથા દરમિયાન 'અંધશ્રદ્ધા ફેલાય' તેવું કંઈ પણ કરશે તો વિજ્ઞાન જાથા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવશે.
તો પુરુષોત્તમ પીપરિયાએ રાજકોટ પોલીસ કમિશનરને ગુરુવારે એક અરજી કરી માગણી કરી કે 'દિવ્ય દરબાર'ના આયોયન માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવે.
પીપરિયાએ તેમની અરજીમાં લખ્યું, "બાબા બાગેશ્વર દ્વારા જે 'દિવ્ય દરબાર' અને 'પ્રેત દરબાર'ના નામે વિશાળ જાહેર કાર્યક્રમો યોજીને જનતાને ગેરમાર્ગે દોરવાનું, તેમનામાં માનસિક ભય ઊભો કરવાનું અને દેશના કાયદાઓનો સરેઆમ 'ભંગ કરવાનું ષડ્યંત્ર' ચલાવાઈ રહ્યું છે. તેથી 'દિવ્ય દરબાર' પૂરતી પરવાનગી રદ કરવા અરજ છે."
બીબીસી સાથે વાત કરતા પુરુષોત્તમ પીપરિયાએ કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવા રેસકોર્સમાં જવા ઇચ્છે છે અને તે માટે તેમણે પોલીસ કમિશનરને અન્ય એક અરજી કરી પોલીસ રક્ષણની માગણી કરી છે.
પોલીસે શું કાર્યવાહી કરી છે?
પોલીસ રક્ષણ માગતી અરજીના સંદર્ભમાં રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પીપરિયાને શુક્રવારે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.વી. વાઢિયાએ જણાવ્યું, "પુરુષોત્તમભાઈને પોલીસ રક્ષણની માગણી માટે કરેલ અરજીના સંદર્ભે આજે અમે તેમને તેમનું નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા."
"અમે તેમનું નિવેદન નોંધી લીધું છે અને તેને ઉપલી કચેરીમાં મોકલી આપીશું. પોલીસ રક્ષણ આપવું કે કેમ તે ઉપલી કચેરી નક્કી કરશે."
રેકકોર્સનું મેદાન રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આયોજકોએ હનુમાન કથાનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી માગી હતી અને પોલીસે તે આપી છે.
પરંતુ કાર્યક્રમમાં અંધશ્રદ્ધા ફેલાય તેવી પ્રવૃત્તિ થશે માટે મંજૂરી રદ કરી દેવી જોઈએ તેવી માગણીઓનો જવાબ આપતાં પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, "એ તેમનો વ્યક્તિગત આક્ષેપ છે. તેનું નિરાકરણ પોલીસ પાસે ન હોય."
આયોજકો શું કહે છે?
મંગેશ દેસાઈએ પુરુષોત્તમ પીપરિયા અને જયંત પંડ્યાના આક્ષેપોને ફગાવી દીધા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "કોઈ ચમત્કાર કે જાદુ-ટોણાંની વાત નથી. માત્ર હનુમંત કથા ચાલી રહી છે. અને હું કોઈને ગુરુ માનતો હોઉં તો તેના આશીર્વાદ લેતા મને કોઈ રોકી ન શકે. વિજ્ઞાન જાથાનું કામ વિજ્ઞાનનો પ્રચાર કરવાનું છે, ધર્મનો વિરોધ કરવાનું નહીં."
મંગેશ દેસાઈએ 'દિવ્ય દરબાર'માં ચમત્કારોની અને દૈવી શક્તિની વાતો થાય છે દેવા આક્ષેપોને નકારે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી અસાધ્ય રોગોને મટાડી દેવાના પણ દાવા નથી કરતા.
દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "એ (ધીરેન્દ્ર શાસ્ત્રી ) ચમત્કાર કે દૈવી શક્તિની વાત નથી કરતા. એવી વાતો તો લોકો કરે છે. લોકો કહે છે કે તેમણે શ્રદ્ધા રાખી અને તેમને સારું થઈ ગયું. શાસ્ત્રી ક્યારેય એવો દાવો નથી કરતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન