આ વખતે ચોમાસામાં ભારતમાં શા માટે ઓછો વરસાદ પડશે, શું છે કારણો?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સહિતનાં રાજ્યોમાં બહુ સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ વખતે ટ્રૅન્ડ બદલાય તેવી શક્યતા છે.
અમુક હવામાન એજન્સીઓની આગાહી પ્રમાણે જૂન-સપ્ટેમ્બર 2026 દરમિયાન સાઉથ એશિયાના દેશોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. આના કારણે ગુજરાત સહિતનાં રાજ્યોમાં કરોડો ખેડૂતોની ખેતી અને તેનાં વાવેતરને અસર થવાની શક્યતા છે.
ઉદાહરણ તરીકે સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફૉરમે જણાવ્યું છે કે દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે, જ્યારે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના દેશોમાં મેથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે.
બીજી તરફ ભારતીય હવામાન ખાતાએ વર્ષ 2026ના નૈૠતના ચોમાસા દરમિયાન થનાર વરસાદ વિશે લાંબાગાળાની આગાહી કરતાં જણાવ્યું કે આ વર્ષે ભારતમાં 92 ટકા વરસાદ પડશે.
ભારતીય હવામાન ખાતાએ ઉમેર્યું છે કે અલ નીનો, ઇન્ડિયન ઓશન ડાઇપોલ અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન બરફનું આવરણ ભારતના નૈૠતના ચોમાસાને અસર કરતાં ત્રણ મોટાં પરિબળો છે.
તેમાંથી હાલની પરિસ્થિતિએ બે પરિબળો અનુકૂળ નથી અને તેથી ચોમાસું નબળું રહેવાની શક્યતા 35 ટકા જેટલી છે.
એનો અર્થ એ થયો ચાર મહિના દરમિયાન વરસાદ સરેરાશ કરતાં ઓછો થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત માટે ચોમાસું ખૂબ મહત્ત્વની ઋતુ હોવાનું મનાય છે ત્યારે આ અનુમાનને કારણે ચિંતા પેદા થાય એ સ્વાભાવિક છે.
એટલું જ નહીં, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને રાતનું લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહી શકે છે.
ભારત જેવા દેશ માટે વરસાદની સચોટ આગાહી ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે મોટા ભાગનું અર્થતંત્ર હજુ પણ કૃષિ પર આધારિત છે. ખેતીવાડી ઉપરાંત હાઇડ્રોપાવર જેવા સેક્ટર માટે પણ સારો વરસાદ આવશ્યક છે.
સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફૉરમમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને માલદીવ્સનો પણ સમાવેશ થાય છે.
આ ફૉરમની આગાહી છે કે આ વખતે 'અલ નીનો'ની અસર જોવા મળશે.
જૂનથી સપ્ટેમ્બર સુધી સાઉથવેસ્ટ ચોમાસું સક્રિય હોય છે જેમાં આ દેશોને પોતાના વાર્ષિક વરસાદનો 75થી 90 ટકા વરસાદ મળતો હોય છે. નદી-તળાવો ભરવા, સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવા અને ભૂગર્ભજળનું સ્તર ઊંચે લાવવા માટે ભારત સહિતના સાઉથ એશિયાના દેશો માટે ચોમાસાની સિઝન સૌથી વધુ મહત્ત્વની છે.
શું છે અલ નીનો અને કેમ છે હાલ ગુજરાતમાં ગરમીની લહેર?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે, જ્યારે દમણમાં તાપમાન ઘટ્યું છે.
હાલમાં રાજસ્થાન પર એક અપર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઉંચાઈએ સ્થિત છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની આગાહી નથી.
આ ઉપરાંત 9થી 12 મે દરમિયાન ગુજરાતમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાના કારણે ઉકળાટ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કિનારાવર્તી ભાગોમાં આવી સ્થિતિ જોવા મળશે.
એક લાક્ષણિક અલ નીનો ઘટના વેળાએ સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો થતો હોય છે તેમજ કેટલાક વિસ્તારોમાં વધુ ઉષ્ણકટિબંધીય તોફાનો અને અન્ય વિસ્તારોમાં સૂકી પરિસ્થિતિ સર્જાય છે. તેથી ખાસ કરીને મજબૂત તોફાનના સમાચાર ચિંતાનું કારણ બની શકે છે.
અલ નીનો અને તેની સમકક્ષ લા નીના, અલ નીનો સર્ધન ઓસિલેશન (ઈએનએસઓ) નામની કુદરતી આબોહવા ઘટનાની બે વિરોધી સ્થિતિઓ છે.
તે વારાફરતી બનતી નથી અને ઘણીવાર તેની ઓળખ ઉષ્ણકટિબંધીય પૂર્વીય તથા મધ્ય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાન દ્વારા થાય છે. અલ નીનો દરમિયાન એ પાણી ગરમ હોય છે, જ્યારે લા નીના દરમિયાન તે ઠંડું હોય છે.
આવી ઘટનાઓ સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે આકાર પામે છે અને સામાન્ય રીતે નવથી બાર મહિના સુધી ચાલુ રહે છે.
અલબત, એ લાંબા સમય સુધી ટકી શકે છે. લા નીના 2024ના મધ્યથી મોટા ભાગે અસ્તિત્વમાં હતું, પરંતુ હવે તેનો અંત આવી ગયો છે.
તેનો અર્થ એ છે કે પેસિફિક મહાસાગરમાં પરિસ્થિતિને હવે "તટસ્થ" માનવામાં આવે છે. તેમાં અલ નીનો કે લા નીના જેવું કશું નથી.
બધી ઘટનાઓ સરખી હોતી નથી અને તેનું પરિણામ પ્રદેશો અને વર્ષના સમય અનુસાર બદલાય છે.
જોકે, વિજ્ઞાનીઓએ કેટલીક સામાન્ય અસરોનું અવલોકન કર્યું છે.
અલ નીનોની સૌથી સ્પષ્ટ અસર સામાન્ય રીતે પેસિફિકના ગરમ પાણી નજીકનાં સ્થળોએ જોવા મળે છે.
પશ્ચિમ પેસિફિકના ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં સામાન્ય કરતાં વધારે સૂકું વાતાવરણ હોય છે. અહીં દુષ્કાળ કે દવ મોટી સમસ્યા હોઈ શકે છે.
પેસિફિકની બીજી બાજુના દક્ષિણ અમેરિકાના પેરુ અને ઇક્વાડોર જેવા દેશોમાં હવામાન વધારે ખરાબ થઈ શકે છે, જેના કારણે પૂર આવે છે.
અલ નીનોના પરિણામ વધુ વ્યાપક પણ હોઈ શકે છે. તે ભારતમાં નબળા ચોમાસા અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં પૂર સાથે સંકળાયેલા હોઈ શકે છે.
ગુજરાતમાં ક્યાં ઝાપટાં પડશે?
હવામાન વિભાગના બુલેટિન મુજબ સાતમી મેએ રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવાં ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન ભેજનું પ્રમાણ ઊંચું રહેશે.
અમદાવાદ શહેર અને આસપાસના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે અને આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચાલુ અઠવાડિયે ગરમ વાતાવરણ રહેશે, જેના કારણે નાનાં બાળકો, વૃદ્ધો અને બીમારીથી પીડાતા લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
ખાસ કરીને દિવસ દરમિયાન સૂર્યના સીધા તડકામાં ઉઘાડા માથે ન જવા, હળવા રંગના ઢીલાં સુતરાઈ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવે છે.
દેશના અન્ય ભાગોમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
આગામી ચાર-પાંચ દિવસમાં ભારતનાં 13 રાજ્યોમાં હવામાનને લગતી ઍક્ટિવિટીમાં તીવ્રતા જોવા મળશે. જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે, ઝડપી પવન ફૂંકાશે અને તાપમાન પણ વધશે.
ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે જેમાં પવનના કારણે ધૂળની આંધીનો અનુભવ થઈ શકે છે. આ ઉપરાંત તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
દેશમાં ચોમાસું બેસવાને હજુ ઘણી વાર છે છતાં અલગ અલગ પૅટર્નના કારણે કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બિહાર અને પશ્ચિમ બંગાળ માટે ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરી છે અને બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.
10મી મેએ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર થવાની છે જેથી કેટલાક ભાગોમાં 10 અને 11 મેએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેનાથી ઉત્તરપશ્ચિમ ભારતમાં તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો ઘટાડો થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























