અમદાવાદ : 'પુત્રે પોલીસદમનનો વીડિયો બનાવ્યો, પિતાને મોત મળ્યું', પરિવારનાં ધરણાં

અમદાવાદ, પોલીસ, વેજલપુર, ગુનો, સરખેજ, ક્રાઇમ, ગૌમાંસ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનની સામે, મે મહિનાના આ બળબળતા તાપમાં, એક પ્રતિષ્ઠિત ઘડિયાળ બનાવતી કંપનીમાં ટીમ લીડર તરીકે કામ કરતો યુવાન અને તેના પરિવારજનો રોજ ધરણા પર બેસે છે.

ત્યાં તેમણે એક બોર્ડ લગાવ્યું છે કે "પુત્રે પોલીસ દમનનો વીડિયો બનાવ્યો પરિણામે પિતાને મોત મળી." ધરણા પર બેસનારા લોકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે અને થોડા દિવસ બાદ આવી રહેલો બકરી ઇદનો તહેવાર પણ નહીં મનાવે.

દીકરાએ પોલીસ દમનનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શૅર કર્યો છે. આ આરોપોની સામે પોલીસનું કહેવું છે કે તેના પિતા ગૌમાંસ વેચવાના આરોપમાં પકડાયા હતા.

"અને તેમનું બીમારીને કારણે મોત થયું છે, આમ છતાં જો તેઓ યોગ્ય પુરાવા આપે તો અમે સંબંધિત પોલીસકર્મી સામે કાર્યવાહી કરીશું."

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદ, પોલીસ, વેજલપુર, ગુનો, સરખેજ, ક્રાઇમ, ગૌમાંસ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ઝહિરુદ્દીન શેખના દીકરા તૌફીક શેખ

એક જમાનામાં અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં મટનનો ધંધો કરનાર ઝહિરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ નામની વ્યક્તિ સહિત 9 લોકો સામે 5 મેના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં, એક મેદાનમાં ગૌવંશની કતલ કરવાની અને ગેરકાયદે વેચવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગૌવંશની કતલ થયાનો મૅસેજ પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળ્યો હતો. પોલીસના મતે તપાસ કરતાં જુહાપુરામાં નેહા ફ્લેટ્સની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડીઓ વચ્ચે ઝહિરુદ્દીન શેખ અને તેના સાથીઓ ગૌવંશની કતલ કરી રહ્યા છે, તેવું જાણવા મળ્યું હતું.

પોલીસે ઉમેર્યું હતું કે રેડ કરતાં 6 લોકો ભાગી ગયા હતા. ત્યાંથી 520 કિલો ગૌમાંસ અને એક વાછરડો તેમજ છરી સહિત એક કાર અને રિક્ષા મળી આવ્યાં હતાં. જેના સંદર્ભમાં પોલીસ દ્વારા ઝહિરુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી બાદ ઝહિરુદ્દીન બીમાર થઈ જતાં તેમનું અવસાન થયું. ત્યારે તેમનો પરિવાર, પોલીસે માર મારીને બીમાર પિતાને દવાઓનો ઓવરડોઝ આપી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આરોપ લગાવી રહ્યો છે. અને ગત 18 મેથી સતત ધરણા પર બેઠો છે અને કસ્ટોડિયલ ડેથ સામે ન્યાયની માંગણી કરી રહ્યો છે.

પરિવારના લોકોનું શું કહેવું છે?

અમદાવાદ, પોલીસ, વેજલપુર, ગુનો, સરખેજ, ક્રાઇમ, ગૌમાંસ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતીએ ધરણા કરી રહેલા ઝહિરુદ્દીન શેખના દીકરા તૌફીક શેખ સાથે વાત કરી હતી.

તૌફીકનું કહેવું છે કે, "પાંચમી મેની વહેલી સવારે અમારે ત્યાં નેહા ફ્લેટ્સની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો 'અલ્લાહ બચાઓ'ની બૂમો પાડતા હતા. મારા નાના ભાઈએ જોયું કે પોલીસ વેનમાં માર મારતા હતા અને એણે તેનો વીડિયો ઉતાર્યો. તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો."

"તેથી પોલીસે મારા નાના ભાઈ અને મારા પિતા સહિત સાત લોકો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો."

તૌફીક કહે છે કે તેમના પિતા "વર્ષો સુધી મિર્ઝાપુર મટન માર્કેટમાં માંસનો ધંધો કરતા, એમના પર એકવાર ગૌમાંસ વેચવાનો કેસ થયો હતો , જે મામલે અમે પોલીસ દમન અંગે કોર્ટમાં કેસ પણ કર્યો હતો પણ છેલ્લા કેટલાક સમયથી સમાજના ગરીબ લોકોને મદદ કરી સમાજસેવા કરતા હતા"

તેઓ ઉમેરે છે, "આ ઘટના બની ત્યારે મારા પિતા ઘરમાં સૂતા હતા. તે સમયે પોલીસે તેમની ધરપકડ ન કરી અને મારા પિતાને વૉન્ટેડ જાહેર કરી દીધા."

"જ્યારે મારા પિતા ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીની દવા લેવા જમાલપુર ગયા હતા, ત્યારે 16 મેના દિવસે ત્યાં સરખેજ પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ મારા પિતાને પકડ્યા અને કહ્યું કે તમે વેજલપુર પોલીસ સ્ટેશનના વૉન્ટેડ આરોપી છો. ત્યાંથી તેઓ મારા પિતાને સરખેજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા."

"સરખેજ પોલીસ સ્ટેશનમાં મારા પિતાની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સોલા સિવિલ હૉસ્પિટલ લઈ ગયા, ત્યાં 17 મેએ સરખેજ પોલીસે તેમને જામીન આપી દીધા હતા."

"પણ એ દિવસે મોડી સાંજે વેજલપુર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ આવ્યા, તેઓએ મારા પિતાની 18 મેના દિવસે સવારે હૉસ્પિટલમાંથી ધરપકડ કરી વેજલપુર પોલીસ સ્ટેશન લાવ્યા અને જ્યાં સીસીટીવી કૅમેરા નથી તેવા રૂમમાં તેમને રાખ્યા હતા."

અમદાવાદ, પોલીસ, વેજલપુર, ગુનો, સરખેજ, ક્રાઇમ, ગૌમાંસ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

તૌફીક ઉમેરે છે, "મારી માતા તેમના માટે જમવાનું લઈને ગઈ, પણ પોલીસે તેમને જમવાનું આપ્યું નહીં, અને મોડી રાત્રે મારા પિતાને ફરી દવાખાને લઈ ગયા. આ દરમિયાન મારા પિતા સાથે મને વાતચીત કરવા દેવામાં આવતી ન હતી, આમ છતાં મેં તેમનો વીડિયો ઉતાર્યો છે."

તૌફીકનું કહેવું છે, "વીડિયોમાં પોલીસ દમનની વાત કરતાં તે પોલીસ કર્મચારીઓનાં નામ સાથે કહે છે કે તેમની દાઢી પકડીને તેમને માર્યા તેમજ તેમના ગુપ્ત ભાગમાં લાતો મારી છે. તેઓ ડાયાબિટીસના દર્દી હોવા છતાં તેમને જમવાનું આપ્યું નહોતું."

"તેમની તબિયત વધુ લથડતાં તેમને અસારવા સિવિલ હૉસ્પિટલ અને પછી એસવીપી હૉસ્પિટલ લાવ્યા. તેમને પોલીસે પકડ્યા ત્યારે તેઓ સ્વસ્થ હતા અને વેજલપુર પોલીસ સ્ટેશન લાવ્યા પછી તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને ઑક્સિજન પર રાખવા પડ્યા અને અંતે તેમનું 20મી મેએ અવસાન થયું."

તૌફીક કહે છે, "મેં વેજલપુર પોલીસ સ્ટેશનમાં, મારા પિતાનું અવસાન થયું તે પહેલાં તેમણે કહેલી વાત સાથેનો વીડિયો બતાવી જવાબદાર પોલીસ કર્મચારી સામે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ નોંધવા કહ્યું. પણ તેઓએ મારી ફરિયાદ લીધી નથી અને પૉસ્ટમોર્ટમ કરી આખાય કેસને રફેદફે કરવા માંગે છે."

"પણ અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મારા પિતાના અંતિમ સંસ્કાર નહીં કરીએ, તેમનો મૃતદેહ પોલીસ પાસે જ છે."

તૌફીક કહે છે, "ન્યાય મેળવવા હું પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેઠો છું, હું ગાંધીચીંધ્યા માર્ગે અહિંસક રીતે ન્યાય માટે લડું છું."

"હવે હું પોલીસના આ દમનના તમામ વીડિયો પુરાવા સાથે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે જઈશ."

"આ રીતે મારા 70 વર્ષીય નિર્દોષ પિતાને બેરહેમીથી મારવાવાળા પોલીસવાળાઓને સજા અપાવીને જ રહીશ; કારણ કે, આ રીતે પોલીસ ઘણા ગરીબ લોકોને પરેશાન કરે છે. લોકો મારી પાસે પોલીસ દમનની કરેલી ફરિયાદોના કાગળ પણ લઈને આવે છે."

તૌફીકનું કહેવું છે, "મારા પિતા પહેલાં વર્ષો સુધી મિર્ઝાપુર મટન માર્કેટમાં માંસનો ધંધો કરતા હતા, તે દરમિયાન તેમના પર એક વાર ગૌમાંસ વેચવાનો કેસ થયો હતો."

"જેને લઈને મારા પિતાએ પોલીસ દમન અંગે કોર્ટમાં કેસ પણ કર્યો હતો. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પિતા સમાજના ગરીબ લોકોને મદદ કરી સમાજસેવા કરતા હતા."

આ મામલે પોલીસ શું કહે છે?

અમદાવાદ, પોલીસ, વેજલપુર, ગુનો, સરખેજ, ક્રાઇમ, ગૌમાંસ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, વેજલપુરના એસીપી એબી વાળંદ

વેજલપુરના એસીપી એ. બી. વાળંદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ કેસમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી છે."

"અમે આરોપી ઝહિરુદ્દીન શેખના મૃતદેહનું સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ સામે ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે."

"જેમાં કોઈ ઈજાનાં નિશાન નથી. પોલીસ ઉપર આક્ષેપ છે કે પોલીસે માર માર્યો અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, એ વાત સત્ય નથી. તેમના મૃતદેહનું ફોરેન્સિક પૉસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે."

આખાય ઘટનાક્રમની વાત કરતાં વાળંદ કહે છે કે, "16 તારીખે સરખેજ પોલીસે તેમને અરેસ્ટ કર્યા હતા, ત્યારબાદ તેમની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સરખેજ પોલીસે તેમને 17 મેએ જામીન આપ્યા."

"ત્યારબાદ તેઓ વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વૉન્ટેડ આરોપી હતા, એટલે 18 મેએ ડૉક્ટરની મંજૂરી સાથે અમે તેમને વેજલપુર પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને સાંજે સાડા ચાર વાગ્યે તેમને અરેસ્ટ કર્યા હતા. તેમની તબિયત સારી નહીં હોવાને કારણે માનવતાના ધોરણે અમે તેમને લોકઅપમાં નહીં પણ એક રૂમમાં રાખ્યા હતા."

"રાત્રે તેમના પરિવારજન ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલની દવા આપી ગયા હતા, તે અમે તેમને આપી હતી."

એસીપી વાળંદ કહે છે, "ત્યારબાદ રાત્રે ફરીથી તેમની તબિયત બગાડતાં દવાખાને લઈ ગયા હતા, ત્યાંથી અસારવા સિવિલ અને ત્યારબાદ એસવીપી હૉસ્પિટલ લાવ્યા હતા, જ્યાં તેમની તબિયત વધુ નાજુક થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે."

"તેમનના પરિવારના લોકોને અમે સમજાવ્યા છે, પણ તેમનો આગ્રહ એવો છે કે તાત્કાલિક ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે."

"અમે તેમને કહ્યું છે કે જો તેમને લાગતું હોય કે પોલીસ દમનથી તેમના પિતાનું મૃત્યુ થયું છે અને જો તેમની પાસે તમામ પુરાવા છે, તો અમે તેમની પાસે પુરાવા માંગ્યા છે. આ પુરાવા ચકાસી અમે કસૂરવાર પોલીસ સામે ગુનો નોંધવા તૈયાર છીએ."

એસીપી એ. બી. વાળંદનું કહેવું છે, "બીજી વાત કે આવા મામલામાં પોલીસ અને જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય છે. તેમને પોલીસ પર ભરોસો ન હોય તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પર ભરોસો રાખવો જોઈએ."

એસીપી વાળંદ કહે છે કે, "હૉસ્પિટલના વીડિયોનો જે દાવો કરવામાં આવે છે, એમાં ટેમ્પરિંગ થયું છે કે કેમ એની તપાસ કર્યા બાદ ગુનો દાખલ થઈ શકે. અમે આ તમામ પુરાવા તેમની પાસે માંગ્યા છે. એ આપશે એના આધારે પોલીસ કસૂરવાર જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન