You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દીવાસળી' 200 વર્ષ પહેલાં અજાણતાં શોધાઈ હતી, ભૂલથી થયેલી એ શોધ જેણે દુનિયાને બદલી નાખી
- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
1826માં માનવજાતના સદનસીબથી કે પછી ભૂલથી, એક ફાયદો થયો. જેણે પ્રકાશ અને આગ પેટાવવાની રીતને હંમેશાં માટે બદલી નાખી.
અંગ્રેજી કેમિસ્ટ જોન વૉકરને વિવિધ પ્રયોગો કરવા ખૂબ ગમતા હતા. એક દિવસ તે વિસ્ફોટકો બનાવવાના પ્રયાસમાં અમુક રસાયણો ભેળવી રહ્યા હતા. એ જ વખતે એ મિશ્રણમાં લપેટાયેલી એક લાકડાની સળી અજાણતા જ તેમના ફાયરપ્લેસના આગળના ભાગમાં પડેલા એક પથ્થર સાથે અથડાઈ અને અચાનક સળગી ઊઠી.
વૉકરનો જન્મ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન 1781માં ડરહામના બંદર શહેર સ્ટોકટન-ઑન-ટીઝમાં થયો હતો.
આ ક્રાંતિનું મુખ્ય કારણ હતું જેમ્સ વૉટનું સ્ટીમ ઍન્જિન. જે 1776માં પહેલી વાર વ્યાવસાયિક રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને વરાળથી ચાલતા ઍન્જિનનો ઉપયોગ કરતી પહેલી સાર્વજનિક રેલગાડી 1825માં સ્ટોકટન પહોંચી હતી.
ચાર વર્ષ બાદ જ્યૉર્જ સ્ટીફનસનના 'રૉકેટ' ઍન્જિને સાબિત કર્યું કે વરાળથી ચાલતું ઍન્જિન પ્રવાસી રેલગાડીને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ખેંચી શકે છે. અને ટૂંક સમયમાં જે યાત્રા ઘોડા દ્વારા 12 દિવસમાં થતી હતી, ફક્ત આઠ કલાકમાં પૂર્ણ થવા લાગી.
છતાં આ શક્તિ ઉત્પન્ન કરતી આગને પ્રગટાવવા માટે લોકો હજુ પણ ચકમક અને સ્ટીલ સાથે ઝઝૂમી રહ્યા હતા, અથવા તો અંગારા હંમેશાં સળગતા રાખવા માટે ભારે મહેનત કરી રહ્યા હતા.
પણ આવું ત્યાં સુધી થયું, જ્યાં સુધી વૉકરની આકસ્મિક શોધે આગના ઉત્પાદન, ઉપયોગ અને સરળતાથી હેરફેર કરવાની રીતમાં ક્રાંતિ લાવી નહોતી.
વૉકરે પોતાના પ્રયોગો માટે આ ત્રાજવાનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિડલટને જણાવ્યું કે, "વૉકર અત્યંત બુદ્ધિશાળી અને ખૂબ જ દયાળુ હતા અને કેટલાક લોકો તેમને મૅવરિક (મૌલિક વિચારસરણી ધરાવતો માણસ) પણ ગણતા."
તેમને રસાયણશાસ્ત્ર પ્રત્યે ભારે લગાવ હતો અને તેઓ પોતાના ખેડૂત મિત્રો માટે પર્કશન કેપ્સ (એવું ઉપકરણ જેનાથી બંદૂકો ફૂટી શકે) બનાવવા માટે અલગ અલગ કેમિકલ ભેળવીને મિશ્રણ તૈયાર કરતા હતા.
એક દિવસ તેઓ એક ખાસ રસાયણિક મિશ્રણ તૈયાર કરી રહ્યા હતા. તૈયાર થઈ ગયા પછી તેને સૂકવાવા મૂક્યું.
જ્યારે તે સુકાઈ ગયું, ત્યારે તેમણે લાકડાનો તે ટુકડો અગાશીના કિનારે ઘસ્યો અને તે તરત જ સળગી ઊઠ્યો.
આ એક અદ્ભુત ક્ષણ હતી, જે દુનિયામાં બીજા કોઈએ પહેલાં સર્જી નહોતી.
તેમને તરત જ સમજાઈ ગયું કે આ શોધમાં વેપારની સંભાવનાઓ કેટલી વિશાળ છે. આ ઘટના 1826 દરમિયાન કોઈક સમયે બની હતી, જોકે ચોક્કસ તારીખ આપણને ખબર નથી. પરંતુ તેનું પ્રથમ વેચાણ એપ્રિલ 1827માં થયું હતું.
તેમણે તેને 'ફ્રિક્શન મૅચ' (ઘસવાથી સળગી ઊઠતી માચિસ) નામ આપ્યું. અને શરૂઆતમાં તે એક ટીનમાં ડબ્બામાં સેંકડોની સંખ્યામાં વેચાતી હતી.
વૉકરની "ફ્રિક્શન લાઇટ્સ"માં ખૂબ જ પાતળી અને ચપટી લાકડાની સળીઓ હતી, જેના એક છેડે પોટેશિયમ ક્લોરેટ, ઍન્ટિમની સલ્ફાઇડ, ગમ અરેબિક અને પાણીથી બનેલી પેસ્ટ ચોપડવામાં આવતી હતી.
જ્યારે તેને વાળેલા સેન્ડપેપર સાથે ઘસવામાં આવતી ત્યારે દીવાસળી તરત જ ભભૂકી ઊઠતી.
સ્ટોકટનમાં સ્થિત પ્રેસ્ટન પાર્ક મ્યુઝિયમમાં વૉકરની ફ્રિક્શન લાઇટ્સ જેવી જ માચિસો પ્રદર્શનમાં મૂકેલી છે.
માચિસની ક્યારેય પેટન્ટ કેમ ન કરાવી?
વૉકરે પોતાની ફૉર્મ્યુલા ગુપ્ત રાખી હતી, પરંતુ ક્યારેય તેની પેટન્ટ કરાવી નહોતી. તેમનું ઉત્પાદન સસ્તું હતું અને તેના શોધક સ્ટોકટન શહેરમાં તેની માંગ પૂરી કરવામાં સક્ષમ હતા.
પરંતુ ફાર્માસ્યુટિકલ જર્નલ અનુસાર, "વૉકરની માચિસ બધી રીતે સંપૂર્ણ નહોતી. સળગતું સલ્ફર કોટિંગ ક્યારેક લાકડાની સળીમાંથી ખરી પડતું હતું, જેના લીધે ફર્શ અથવા વપરાશકર્તાના કપડાંને નુકસાન થવાનું જોખમ રહેતું હતું."
1829 સુધીમાં લંડનના સેમ્યુઅલ જોન્સે પોતાનું "લ્યુસિફર્સ" લૉન્ચ કરી દીધું હતું. જે વૉકરના ફ્રિક્શન લાઇટ્સની સીધી નકલ હતી, અને તે મોટા પાયે ઉત્પાદિત થનારી પ્રથમ માચિસ હતી.
બ્રિટિશ માચિસ લેબલ અને બુકમેચ સોસાયટી (BML&BS)ના પ્રમુખ ડેરેક જુડે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે, અન્ય લોકોએ પણ આ ફૉર્મ્યુલામાં સુધારો કરવાનું શરૂ કરી દીધું હતું.
પૅકેજિંગ ટીનના કદ અને આકારમાં પણ ફેરફાર થયા. પરંતુ 1844માં સ્વીડનમાં બનેલી નવી આવૃત્તિ પછી જ આધુનિક દીવાસળીની પેટી લોકપ્રિય બની.
જુડે જણાવ્યું કે, "એ જ પહેલી દીવાસળીની પેટી હતી, જેની ખરેખર પેટન્ટ કરાવાઈ હતી."
ઘણા વિસ્તારોમાં, જેમ કે દક્ષિણ ભારતના તમિલનાડુમાં આજે પણ માચિસો ઘરે બનાવવામાં આવે છે.
માચિસની 'શોધ બાદ પ્રસિદ્ધિની ઝંખના ન રાખી'
ઘણા વિસ્તારોમાં દીવાસળી બનાવવાનું આ કામ એક કુટીર ઉદ્યોગ બની ગયો હતો. તે ઘરમાં જ બનાવવામાં આવતી હતી, તેના લીધે અમુક પરિવારોને કંઈક અંશે જોખમી, છતાં વધારાની આવક થઈ જતી હતી.
જુડ જણાવે છે કે, "ફૅક્ટરીની આસપાસ રહેતી મહિલાઓ અને બાળકો પેટી પ્રમાણે [જેટલું કામ તેટલું વેતન, નિશ્ચિત પગાર નહીં) માચિસો બનાવતા હતા. પછી મશીનો આવ્યાં અને આ વ્યવસાય કરોડો ડૉલરનો બની ગયો."
પરંતુ ત્યાર બાદ સિગારેટ લાઇટર જેવી બીજી શોધો આવતાં દીવાસળીના વેપારમાં નોંધપાત્ર ઘટાડો થયો.
જુડ કહે છે કે, "વાસ્તવિક વ્યવસાય વર્ષોથી સંકોચાઈ ગયો છે. ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે."
મિડલટન કહે છે કે દીવાસળીઓ આજે પણ સાર્વત્રિક રીતે વપરાય છે, અને આજે પણ તે એક આવશ્યક વસ્તુ છે, પરંતુ હવે તે એક ફૅશન ઍસેસરીઝ પણ બની ગઈ છે. તેના કસ્ટમાઇઝ્ડ પૅકેટ તો 250 ડૉલર સુધી વેચાય છે.
પરંતુ તેમના શોધક વિશે આજે પણ લોકો કંઈ ખાસ જાણતા નથી. મિડલટન અને જુડ બંને આ વાત સાથે સંમત છે કે 200 વર્ષ પછી હવે વૉકરને વધારે ઓળખ તથા પ્રસિદ્ધિ મળવી જોઈએ.
જુડ કહે છે, "વૉકર એવા ઐતિહાસિક માણસ હતા, જેમણે પોતાની શોધ પાછળ પ્રસિદ્ધિ મેળવવાની ઝંખના રાખી નહોતી. જો તેમણે એવું કર્યું હોત તો આજે તેઓ દુનિયાભરમાં જાણીતા હોત."
સ્ટોકટનની 200મી વર્ષગાંઠની ઉજવણી 29 મેના રોજ શરૂ થાય છે, જે વૉકરનો જન્મદિવસ છે.
સદનસીબે સ્ટોકટનના લોકો પણ એવું જ અનુભવે છે અને ઘણાને આશા છે કે 200મી વર્ષગાંઠની ઉજવણી-જે 29 મે વૉકરના જન્મદિવસથી શરૂ થાય છે-આખરે આ અસાધારણ સ્થાનિક શોધકને તે શ્રેય અપાવશે, જેના તેઓ હકદાર છે.
કાઉન્સિલ નેતા લિસા ઇવાન્સ જણાવે છે, "અમને આશા છે કે આ વર્ષે અને આગલા વર્ષે થનારા કાર્યક્રમો દ્વારા વધારેમાં વધારે લોકો રોજિંદા જીવનમાં વપરાતી માચિસની ભૂમિકા વિશે વિગતે સમજશે."
"ફ્રિક્શન મૅચની શોધનો અર્થ એ હતો કે વધારે મહેનત કર્યા વિના પળભરમાં આગ પેટાવી શકાય છે.
"માચિસની શોધથી ઔદ્યોગિક અને ઘરેલુ બંને પ્રકારનાં રોજિંદાં કાર્યો ખૂબ સરળ અને ઝડપી બની ગયાં.
"તેમણે સર્જેલો તણખો આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન