તામિલનાડુમાં મુખ્ય મંત્રીના શપથ લેતાની સાથે જ વિજયે લીધા આ ત્રણ મહત્ત્વના નિર્ણય

વાંચવાનો સમય: 4 મિનિટ

અભિનેતા સી. જોસેફ વિજયે તામિલનાડુના મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તેમની શપથવિધિ યોજાઈ હતી.

આ સાથે જ રાજ્યમાં લગભગ છ દાયકાથી બે મુખ્ય દ્રવિડ પાર્ટી - ડીએમકે અને એઆઇએડીએમકે વારાફરતી સત્તા પર આવવાનો દોર સમાપ્ત થયો છે.

તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે રવિવારે વિજયને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

શનિવારે 234 સભ્ય ધરાવતી વિધાનસભામાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનો ટેકો મળ્યા પછી વિજયને સરકાર રચવા માટે આમંત્રિત કરાયા હતા.

વિજયે સવારે 10 વાગ્યા પછી ચેન્નઈના નહેરુ સ્ટેડિયમમાં શપથ લીધા. તેમની સાથે ટીએમકેના કેટલાક વરિષ્ઠ નેતાઓ સહિત અન્ય લોકોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. વિજયે 13 મે અથવા તેનાથી અગાઉ વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાની છે.

તેમની સાથે નવ મંત્રીઓએ પણ શપથ લીધા છે. વિજયના પક્ષ ટીવીકેને કૉંગ્રેસ, સામ્યવાદી પક્ષો, વીસીકે તથા આઇયુએમએલ જેવા પક્ષોએ ટેકો આપ્યો છે. આથી, તેમની પાસે સરકાર રચવા સાદી બહુમતી છે.

વિજયે કયા ત્રણ આદેશ આપ્યા?

જોસેફ વિજયે મુખ્ય મંત્રી તરીકે શપથ લેતાની સાથે જ કેટલાક મહત્ત્વના આદેશ આપ્યા છે.

પ્રથમ આદેશ તામિલનાડુમાં દર બે મહિને 500 યુનિટ સુધીનો ઉપયોગ કરતાં ઘરોને 200 યુનિટ સુધી મફત વીજળી આપવાનો હતો.

આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઊભા થયા હતા કે શું 500 યુનિટથી વધુ વપરાશ પર 100 યુનિટ મફત આપવાની ઑફર ચાલુ રહેશે.

આના જવાબમાં તામિલનાડુ સરકારે એક સરકારી આદેશ જારી કર્યો છે. તે મુજબ, 500 યુનિટથી વધુ વીજળીનો વપરાશ ધરાવતાં ઘરો માટે હાલની 100 યુનિટ મફત વીજળી ચાલુ રહેશે. આ નવી યોજના આજથી (10 મે) અમલમાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

સરકારી આદેશમાં એમ પણ જણાવાયું છે કે આ પ્રોજેક્ટ પર વધારાના રૂ. 1,730 કરોડનો ખર્ચ થશે.

ત્યાર પછી નશાકારક પદાર્થોની તસ્કરી ખતમ કરવા માટે વિજયે દરેક જિલ્લામાં એક સ્પેશિયલ ફોર્સ બનાવવાના આદેશ પર સહી કરી હતી. તેમણે મહિલાઓની સુરક્ષા માટે 'લાયનેસ' નામે વિશેષ દળ બનાવવાનો આદેશ પણ આપ્યો છે.

પરંપરા મુજબ તામિલનાડુમાં મુખ્ય મંત્રીના શપથવિધિ સમારોહમાં સૌથી પહેલાં તામિલ અભિવાદન ગીત ગાવામાં આવે છે, પરંતુ આજે 'વંદે માતરમ' પહેલાં ગાવામાં આવ્યું હતું. ત્યાર પછી રાષ્ટ્રગીત 'જન મન ગણ' ગાવામાં આવ્યું અને છેલ્લે તામિલ અભિવાદન કરવામાં આવ્યું હતું.

છેલ્લા કલાકોમાં શું થયું?

અગાઉ તામિલનાડુમાં સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યોનું (120 ધારાસભ્યોનું) સમર્થન મળ્યા બાદ ટીવીકે નેતા વિજયે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને વ્યક્તિગત રીતે મળ્યા હતા.

રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન વીએસકે અને આઈયુએમએલ પાર્ટી દ્વારા આપવામાં આવેલાં સમર્થનપત્રો રજૂ કર્યાં હતાં. વિજયે બહુમતીના આધારે સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો.

તે પહેલાં તામિલનાડુમાં કૉંગ્રેસ, સીપીઆઇ અને સીપીએમ બાદ હવે વીસીકે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ (આઇયુએમએલ) લીગે પણ ટીવીકેને સમર્થન આપવાનું એલાન કર્યું હતું.

વીસીકેના નેતા થૉલ થિરુમાવલવને ટીવીકેના નેતા આધવ અર્જુનને પાર્ટીનો સમર્થન પત્ર સોંપ્યો છે. ત્યારે આઇયુએમએલે પણ ટીવીકેને સમર્થન પત્ર આપ્યો હતો.

વીસીકેનો સમર્થન પત્ર મળ્યા બાદ આધવ અર્જુને મીડિયા સાથે વાત કરતાં કૉંગ્રેસ, ડાબેરી પક્ષો અને વીસીકેનો આભાર વ્યક્ત કર્યો હતો.

શુક્રવારના ટીવીકે ચીફ વિજયે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વિજયની રાજ્યપાલ સાથે આ ત્રીજી મુલાકાત હતી.

રાજ્યપાલને મળ્યા બાદ ટીવીકે નેતા વિજયે વ્યક્તિગત રીતે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)નાં કાર્યાલયોની મુલાકાત લીધી હતી અને પાર્ટી નેતાઓને મળ્યા હતા.

234 બેઠકોવાળી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકેએ 108 બેઠકો જીતી છે. વિજયે બે બેઠકો પર ચૂંટણી જીતી છે એટલે તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે માટે ટીવીકેની સંખ્યા 107 રહી ગઈ.

તે સમયે સદનની સંખ્યા ઘટીને 233 થઈ જશે, એટલે બહુમતી માટે 117 સભ્યોના સમર્થનની જરૂર પડશે.

કૉંગ્રેસે પાંચ બેઠકો જીતી છે, ત્યારે સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આયુએમએલે બે-બે બેઠકો જીતી છે. આ રીતે હવે ટીવીકે સાથે 121 બેઠકોનો આંકડો થઈ ગયો છે જે બહુમતી માટે જરૂરી આંકડાથી વધારે છે.

રાજ્યપાલને ફરિયાદ

શનિવારે તામિલનાડુમાં વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થઈ હતી. એએમએમકે પાર્ટીના મહાસચિવ ટીટીવી દિનાકરને રાજ્યપાલને મળીને ટીવીકેની ફરિયાદ કરી હતી.

એએમએમકે આરોપ લગાવ્યો કે તેમના એકમાત્ર વિધાયકની 'હૉર્સ ટ્રેડિંગ' ના પ્રયાસ કરવામાં આવ્યા.

એએમએમકે વિધાયક કામરાજ અને પાર્ટીના મહાસચિવ ટીટીવી દિનાકરને કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મળ્યા બાદ મીડિયાને મુલાકાત કરી.

ટીટીવી દિનાકરને એક વીડિયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "ધારાસભ્ય કામરાજને પત્ર સોંપતા દેખાડતો વીડિયો કોણે બનાવ્યો? તેમણે જણાવવું જોઈએ કે આ ક્યાં બનાવવામાં આવ્યો હતો."

"અમે પત્ર એટલા માટે આપ્યો હતો કારણ કે જો પલનીસ્વામી સરકાર બનાવે તો તેની જરૂર પડી હોત. જે લોકોએ પત્રની કૉપી સોંપી."

"તેમને મૂલ પત્ર કેમ ન આપવામાં આવ્યો? મૂળ પત્ર ક્યાં છે? જો તેમણે મારી સહમતીથી પત્ર આપ્યો હતો, તે તેમણે તેનો પુરાવો આપવો જોઈએ."

દિનાકરને કહ્યું છે કે તેમણે રાજ્યપાલને જણાવ્યું કે આ નકલી વીડિયો છે.

દિનાકરને આરોપ લગાવ્યો કે આ બધું હૉર્સ ટ્રેડિંગ માટે કરાયું.

તેમણે આરોપ લગાવ્યો કે તેની પાછળ વિજયનો હાથ હતો. દિનાકરને કહ્યું કે તેઓ વકીલ પાસેથી સલાહ લેશે અને પછી નક્કી કરશું કે આ મામલે ફરિયાદ નોંધાવી છે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન