કોલકાતામાં ટીએમસી નેતા સ્ટ્રૉન્ગ રૂમ સામે ધરણા પર બેઠા, મમતા બેનરજી પણ પહોંચ્યાં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
ટીએમસી નેતા શશિ પાંજા અને કૃણાલ ઘોષ, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ પાસેના સ્ટ્રોન્ગ રૂમની બહાર ધરણા પર બેસી ગયા છે.
ગુરુવારે મોડી સાંજે ટીએમસી પ્રમુખ મમતા બેનરજી પણ આ સ્ટ્રૉન્ગ રૂમ સામે પહોંચી ગયાં છે. ધરણા પર બેઠેલા નેતાઓનો આરોપ છે કે ભાજપ અને ચૂંટણી પંચના અધિકારીઓ, સંબંધિત પાર્ટીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વગર બૉક્સને ખોલવાની કોશિશ કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, કૃણાલ ઘોષે કહ્યું, "તમે ચૂંટણી પંચનાં લાઇવ સ્ટ્રીમિંગ અને સીસીટીવી કૅમેરામાં જોઈ શકો છો કે અંદર કેટલાક લોકો કામ કરી રહ્યા છે. અમારા કોઈ પ્રતિનિધિઓને અંદર નથી જવા દેતા. તેઓ કહે છે કે અમે બીજા ઉમેદવારો સાથે વાત કરીએ. અમે અન્ય ઉમેદવારોની જવાબદારી કેમ લઈએ?"
શશિ પાંજાએ કહ્યું, "અમને ચિંતા છે. કોઈ પણ પ્રકારની હેરફેર ન થવી જોઈએ. અમને આ બધું કેમ દેખાડવામાં આવતું નથી?"
જબલપુર : પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતાં ચાર લોકોનાં મોત, ઓછામાં ઓછા 12 લોકો લાપતા

ઇમેજ સ્રોત, Shiv Choubey
મધ્ય પ્રદેશના જબલપુરમાં બરગી ડૅમ ખાતે ગુરુવારે સાંજે પ્રવાસીઓને લઈ જતી ક્રૂઝ બોટ પલટી જતાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે.
આ અકસ્માત સાંજે લગભગ 5:40 વાગ્યે ખમરિયા ટાપુ નજીક થયો હતો. જ્યારે હવામાન અચાનક બગડ્યું અને ભારે તોફાન શરૂ થયું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભારે પવનને કારણે ક્રૂઝ બોટનું સંતુલન બગડ્યું અને તે ડૂબી ગઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, બોટમાં લગભગ 35 લોકો સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ઘણા લોકો તરીને સલામત સ્થળે પહોંચી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બરગીના સીએસપી અંજુલ અયંક મિશ્રાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે. લગભગ 12થી 13 લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે અને શોધ ખોળ ચાલુ છે.
એસડીઆરએફ ટીમ બચાવ કામગીરીમાં રોકાયેલી છે અને વહીવટીતંત્ર દ્વારા શોધખોળ કામગીરી ચાલુ છે.
ડૉલરની સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો 32 પૈસા ઘટીને અમેરિકન ડૉલરની સરખામણીએ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે એટલે કે 95.20 પર પહોંચી ગયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, બ્રેન્ટ ક્રૂડઑઇલની કિંમત વધવાના કારણે અને અમેરિકાના ડૉલરના મજબૂત થવાને કારણે રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો.
પીટીઆઈ પ્રમાણે, ફૉરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે ડૉલરની સરખામણીએ રૂપિયામાં વધુ ઘટાડો થઈ શકે છે. કારણકે ક્રૂડઑઇલની વધી રહેલી કિંમતથી ભારતના આયાત ખર્ચ પર ગંભીર અસર પડે તેવી સંભાવના છે.
ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 126 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગઈ. બીજી તરફ પશ્ચિમ એશિયામાં સંભવિત મોટા સંઘર્ષને કારણે રોકાણકારો ચિંતિત છે.
આ વચ્ચે અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. પછી અમેરિકાનો ડૉલર વધારે મજબૂત થયો.
રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગ પર આઈપીએલએ દંડ શું કામ ફટકાર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગ પર મૅચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે.
રિયાન પરાગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 40મી મૅચની બીજી ઇનિંગ દરમિયાન ડ્રેસિંગરૂમમાં વેપ (ઈ-સિગારેટ)નો ઉપયોગ કરતા દેખાયા હતા.
આઈપીએલે પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવ્યું છે કે 'તેમને આચાર સંહિતાના લેવલ -1ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવ્યા છે' અને તેમના ખાતામાં એક 'ડિમેરિટ પૉઇન્ટ' જોડવામાં આવ્યો છે.
આઈપીએલ અનુસાર, "રિયાન પરાગને આઈપીએલની આચાર સંહિતાના અનુચ્છેદ 2.21નું ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા છે, જે મામલો રમતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા સાથે જોડાયેલો છે."
આઈપીએલ પ્રમાણે, રિયાને પોતાના ગુનો કબૂલ કર્યો છે અને મૅચ રેફરી અમિત શર્મા દ્વારા લગાવવામાં આવેલા દંડને સ્વીકાર કર્યો છે.
ઈરાન જંગમાં અમેરિકાએ અત્યાર સુધી કેટલો ખર્ચ કર્યો, પેન્ટાગન અધિકારીએ જણાવ્યું

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમિતિમાં ડેમૉક્રેટ સભ્ય એડમ સ્મિથે પૂછ્યં કે ઈરાન સાથેની જંગમાં અત્યાર સુધી અમેરિકાનો કેટલો ખર્ચ થયો છે અને સાંસદોને જલદી જ આખા ખર્ચનું અનુમાન અપાશે કે કેમ.
સુનાવણીમાં હાજર પેન્ટાગનના નાણા પ્રમુખ જૂલ્સ હર્સ્ટે કહ્યું કે ખર્ચ "લગભગ 25 અબજ ડૉલર" (લગભગ બે લાખ કરોડ રૂપિયા) છે, જેમાં મોટા ભાગનો ખર્ચ હથિયારો પાછળ થયો છે.
સ્મિથે કહ્યું, "મને એ વાતની ખુશી છે કે તમે આ સવાલનો જવાબ આપ્યો. કારણ કે અમે ઘણા લાંબા સમયથી આ વાત પૂછી રહ્યા હતા અને કોઈએ અમને આંકડો ન આપ્યો."
એ બાદ તેમણે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને પૂછ્યું કે સરકાર ઈરાન સાથે સંકળાયેલા ન્યૂક્લિયર ખતરાને કેવી રીતે ઘટાડવાની યોજના ઘડી રહી છે.
હેગસેથે પાછલી સરકારો પર "ખરાબ સમાધાનો" કરવાનો આરોપ લગાવ્યો અને 2016માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમયે થયેલા જૉઇન્ટ કૉમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ ઍક્શન (જેસીપીઓએ)નો ઉલ્લેખ કર્યો.
જેસીપીઓએને ઈરાન ન્યૂક્લિયર ડિલ તરીકે પણ ઓળખાવાય છે.
આ અંગે સ્મિથે આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું, "એ ભૂતકાળ છે, ભવિષ્ય શું છે?"
તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે શું એવો કોઈ તાત્કાલિક ન્યૂક્લિયર ખતરો હતો, જેના કારણે ઈરાન સાથેનો જંગ જરૂરી બની ગયો.
હેગસેથે કહ્યું કે ઈરાને "પોતાના ન્યૂક્લિયર કાર્યક્રમની મહત્ત્વાકાંક્ષા ત્યાગી નહોતી," આના કારણે જ અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને કાર્યવાહી કરી.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઈરાન યુદ્ધ અંગે શું વાત થઈ?

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની યુક્રેન અને ઈરાન યુદ્ધ અંગે ચર્ચા થઈ છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન ઈરાનમાં યુદ્ધ ખતમ કરાવવાના પ્રયાસોમાં મદદ કરવા માગે છે.
બુધવારે પ્રેસ કૉન્ફરન્સમાં એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "અમે યુક્રેન યુદ્ધ અંગે વધુ વાત કરી, પરંતુ તેઓ મદદ કરવા માગે છે. પરંતુ મેં કહ્યું કે મારી મદદ કરવા પહેલાં હું તમારો જંગ ખતમ કરવા માગું છું."
એક અન્ય સવાલના જવાબમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે પુતિન ઈરાનમાં એનરિચમેન્ટમાં સામેલ થવા માગે છે.
ટ્રમ્પે કહ્યું, "તેમણે મને કહ્યું કે જો તેઓ અમને આ (સમાધાન) હાંસલ કરવામાં મદદ કરે છે, તો તેઓ એનરિચમેન્ટમાં સામેલ થવા માગશે. મેં કહ્યું કે આનાથી ઘણું ઝાઝું હું એ ઇચ્છીશ કે તમે યુક્રેનનું યુદ્ધ ખતમ કરવામાં સામેલ થાઓ."
તેમણે કહ્યું, "અમે ઈરાનને પરમાણુ હથિયાર ખરીદવા ન દઈ શકીએ... તેમની પાસે પરમાણુ હથિયાર નહીં હોય, તેઓ આ વાત જાણે છે. અમે આ અંગે પણ થોડી વાત કરી. તેઓ (પુતિન) નથી ઇચ્છતા કે તેમની પાસે પરમાણુ હથિયાર હોય."
દિલ્હી હાઇકોર્ટમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણી દરમિયાન ચાલ્યું પોર્નોગ્રાફિક કન્ટેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં બુધવારે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણી ચાલી રહી હતી, એ દરમિયાન કૉન્ફરન્સિંગમાં હાજર એક વ્યક્તિએ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અને પરેશાન કરનાર મ્યુઝિક ચલાવી દીધું, જે બાદ સુનાવણી અધવચ્ચે જ રોકી દેવાઈ.
બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે, અમુક સમય બાદ ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કરિયાની કોર્ટમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ફરીથી સુનાવણી શરૂ થઈ અને ફરી એક વાર અશ્લીલ સામગ્રી ચલાવી દેવાઈ.
એ બાદ સુનાવણી રોકી દેવાઈ.
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયે કહ્યું કે તેમણે આ રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યા છે કે વીડિયો કૉન્ફરન્સિંગની કાર્યવાહી દરમિયાન અશ્લીલ સામગ્રી ચલાવવાની ઘટનાઓ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે આગળ કહ્યું કે કોર્ટની કાર્યવાહીની રેકૉર્ડિંગ કરવું પ્રતિબંધિત છે, અને જે લોકોએ આ ઘટનાને રેકૉર્ડ કે પ્રસારિત કરી, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























