You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા : ગૌતમ અદાણીએ શું સેટલમેન્ટ કર્યું કે તેમની સામેના તમામ ગુનાહિત આરોપ પાછા ખેંચાયા
અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના તમામ ગુનાહિત આરોપો રદ કર્યા છે.
આ સાથે, ન્યૂ યૉર્કમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઇલ સિક્યૉરિટીઝ અને વાયર ફ્રૉડ કેસને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલય દ્વારા સેટલમેન્ટની જાહેરાત કર્યા પછી ન્યાય વિભાગે તરત જ ગુનાહિત આરોપો હઠાવવાની માગ કરી છે.
ગયા અઠવાડિયે જ સમાચાર આવ્યા હતા કે ગૌતમ અદાણી અને સાગર અદાણીએ અમેરિકામાં ચાલી રહેલા કેસનો ઉકેલ લાવવા માટે સંયુક્ત રીતે 1.8 કરોડ ડૉલરનો દંડ ચૂકવવા સંમતિ આપી છે.
2024ના એક કેસમાં સિક્યૉરિટીઝ રેગ્યુલેટરે (નિયામક)એ અદાણી પરિવાર પર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો.
રેગ્યુલેટરના આરોપો અનુસાર, અદાણી પરિવારે આ રીતે અમેરિકાના નિકાસકારો પાસેથી લગભગ 17.5 કરોડ ડૉલર સહિત 75 કરોડ ડૉલર એકત્ર કર્યા હતા.
જોકે, અદાણી ગ્રૂપે આ આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા છે.
અમેરિકાના નાણા મંત્રાલયે શું કહ્યું?
અમેરિકાના નાણા મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેની ઑફિસ ઑફ ફૉરેન ઍસેટ્સ કંટ્રોલ (ઓએફએસી)એ અદાણી ઍન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ) સાથે 27 કરોડ 50 લાખ ડૉલરના કરારની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કરાર પર 14મે 2026ના રોજ હસ્તાક્ષર થયા હતા.
એઇએલે, ઓએફએસીના ઈરાન પ્રતિબંધોના 32 સંભવિત સિવિલ ઉલ્લંઘનો લઈને તેમની જવાબદારીનું સમાધાન કરવા સંમતિ આપી.
નિવેદન અનુસાર, નવેમ્બર 2023 અને જૂન 2025ની વચ્ચે, એઇએલે દુબઈસ્થિત એક ઉદ્યોગપતિ પાસેથી એલપીજીના કન્સાઇન્મેન્ટ ખરીદ્યા, જેમણે ઓમાન અને ઇરાકને ગૅસ સપ્લાય કરવાનો દાવો કર્યો હતો.
જોકે, એવા ઘણા સંકેતો હતા જેનાથી એઇએલને ખબર પડી જવી જોઈતી હતી કે એલપીજી ખરેખર ઈરાનથી આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, એઇએલે અમેરિકાની નાણાકીય સંસ્થાઓ પાસેથી અમેરિકન ડૉલરમાં 32 ચુકવણીઓ પ્રોસેસ કરાઈ, જે કુલ આશરે 19 કરોડ 21 લાખ 4 હજાર ડૉલર હતી.
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે 'સમજૂતીની રકમ ઓએફસીના નિષ્કર્ષને દર્શાવે છે કે એઇએલના સંભવિત ઉલ્લંઘનો ગંભીર રૂપનાં હતાં અને તેમની જાણકારી સ્વેચ્છાએ જાહેર કરવામાં આવી ન હતી.'
કાયમી ધોરણે બરતરફ
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજમાં અમેરિકાના ન્યાય વિભાગે અદાણી પરિવાર સામેની ચાર્જશીટને કાયમી ધોરણે રદ કરવાની માગ કરી છે.
વિભાગે જણાવ્યું, "ન્યાય વિભાગે આ મામલાની સમીક્ષા કરી છે અને ફરિયાદી પક્ષના વિવેકાધિકારનો ઉપયોગ કરીને આ ગુનાહિત આરોપો પર વધુ સંસાધનો ખર્ચ ન કરવાનો નિર્ણય લીધો છે."
ત્યાર બાદ કોર્ટે આદેશ આપ્યો કે અદાણી અને અન્ય લોકો સામેની ચાર્જશીટ 'વિથ પ્રિજ્યુડિસ' અંતર્ગત રદ કરવામાં આવે, એટલે કે કેસ ફરીથી ન ખોલી શકાય.
આ નિર્ણયને આ કેસમાં એક મોટો વળાંક માનવામાં આવે છે, જેનાથી અદાણી ગ્રૂપની વૈશ્વિક વિસ્તરણ યોજનાઓ પર અસર થવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
બ્લૂમબર્ગના મતે , અમેરિકાના ગુનાહિત કેસોમાં પૂર્વગ્રહ સાથે બરતરફી ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
આનો સામાન્ય રીતે તેનો અર્થ એ થાય છે કે વિગતવાર સમીક્ષા પછી, ફરિયાદી એજન્સીઓએ નક્કી કર્યું છે કે કેસ ચલાવવો યોગ્ય નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન