એલઇડી રેડ લાઇટ થૅરપી ત્વચાને ચમકદાર બનાવી શકે અને ઝડપી સાજા કરી શકે?

    • લેેખક, રૂથ ક્લેગ
    • પદ, આરોગ્ય સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

પ્રથમ નજરે જોતાં, તે મને ટૅનિંગ બેડની યાદ અપાવે છે, જેનો હું કિશોરવયે મારી ત્વચાનો રંગ ઘેરો કરવા માટે ઉપયોગ કરતી હતી (પણ હવે હું તેમ કરવાની બિલકુલ સલાહ નહીં આપું). પણ, મને અહીં ખાતરી આપવામાં આવી છે કે તેનાથી મારો રંગ સાવ કથ્થઈ નહીં થઈ જાય.

ડૉક્ટર કેલ શિલ્ડ્ઝ સમજાવે છે, "તે લાલ રંગનો પ્રકાશ છે. તે કોષોને રિપૅર કરશે, તેને બાળી નહીં નાખે."

"બસ 15 જ મિનિટ," એમ કહીને તેઓ માન્ચેસ્ટરમાં આવેલા વેલનેસ સ્યૂટ "થ્રાઇવ"ના રૂમમાં રેડ લાઇટ થૅરપી બેડનું ઢાંકણું બંધ કરીને બહાર જતાં રહે છે.

દૂર થોડી ગૂસપૂસ સંભળાય છે, બેડ ચમકી રહ્યો છે અને મને મારા વિચારો સાથે એકલી છોડી દેવાઈ છે અને કદાચ ત્વચા અને સ્નાયુઓના કોષો ઝડપથી રિપૅર થઈ રહ્યાં છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી સુખાકારી (વેલબીઇંગ) ઉદ્યોગ લાલ રંગ તરફ વળી રહ્યો છે. તમે યુવાન દેખાવા ઇચ્છતા હો કે લાંબું જીવવા માગતા હો, વધુ ખુશ રહેવા માગતા હો કે વધુ ઝડપથી સાજા થવા માગતા હો, તો રેડ લાઇટ થૅરપી તે માટેનો સાચો ઉપાય હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

પણ રેડ લાઇટ થૅરપી ખરેખર શું છે અને શું રેડ થૅરપી મૅટ, એલઇડી માસ્ક તથા સોના સ્લીપિંગ બેગ્ઝમાંથી નીકળતો ઘેરો લાલ હૂંફાળો પ્રકાશ સાચે જ આપણી તંદુરસ્તી વધારી શકે છે?

રેડ લાઇટ થૅરપી વિવિધ વેવલેન્થ (તરંગલંબાઈ)નો ઉપયોગ કરીને શરીર પર અસર ઉપજાવે છે.

રેડ લાઇટ અથવા તો લાલ પ્રકાશ એવો પ્રકાશ છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને તેની તરંગલંબાઈ 630-660 નેનોમીટરની વચ્ચે હોય છે - જે મિલીમીટરનો દસ લાખમો ભાગ છે. તરંગલંબાઈ જેમ-જેમ લાંબી થાય, તેમ પ્રકાશ અદૃશ્ય થવા માંડે છે.

તરંગલંબાઈ જેટલી લાંબી હોય, શરીરમાં તેટલે ઊંડે સુધી તે પહોંચે છે. ટૂંકી તરંગલંબાઈ ત્વચાના ઉપરનાં સ્તરોને ટાર્ગેટ કરે છે, જ્યારે લાંબી તરંગલંબાઈ સ્નાયુના કોષો સુધી પહોંચે છે અને તે સાજા થવામાં મદદ કરતી હોવાનું કહેવાય છે.

તરંગલંબાઈ અને તેની તીવ્રતાના આધારે આ લાલ પ્રકાશના કણો કોષોમાં ઊર્જાનું ઉત્પાદન ઝડપી બનાવી શકે છે, વૃદ્ધ થઈ રહેલા કોષોને સાજા થવામાં અને નવા કોષો બનાવવામાં મદદ કરે છે.

"થ્રાઇવ" તરફ પાછા ફરીએ. ડૉક્ટર શિલ્ડ્ઝનાં એક નિયમિત ક્લાયન્ટ કેટ મેકલેલૅન્ડ રેડ લાઇટ થૅરપી બેડમાંથી બહાર આવે છે. બે વર્ષ પહેલાં ક્રોસફિટની તાલીમ દરમિયાન એક બાર્બેલ તેમના પર આવી પડતાં તેમની ગરદનમાં ફ્રેક્ચર થયું, ત્યારથી તેઓ રેડ લાઇટ થૅરપીનો ઉપયોગ કરી રહ્યાં છે.

મેકલેલૅન્ડ કહે છે, "ઈજાને પગલે મારી સઘન ફિઝિયોથૅરપી ચાલતી હતી, પણ તેની સાથે મેં રેડ લાઇટ થૅરપી લેવાનું પણ શરૂ કર્યું."

32 વર્ષીય મેકલેલૅન્ડ માને છે કે, તેના લીધે તેમના સ્નાયુના કોષોને વધુ ઝડપથી સાજા થવામાં મદદ મળી છે. તેમણે ટ્રેનિંગ પાછી શરૂ કરી દીધી છે અને તેમણે હજુ હમણાં જ હાઇરોક્સ ફિટનેસ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. રેડ લાઇટ હજુયે તેમના રિકવરી રૂટિનનો એક ભાગ છે.

તેઓ કહે છે, "અગાઉ હાઇરોક્સમાંથી સાજાં થતાં મને એક અઠવાડિયું લાગી જતું હતું, પણ હવે સાજા થતાં બસ ગણતરીના દિવસો જ લાગે છે."

મેકલેલૅન્ડને આ થૅરપી એટલી પ્રિય છે કે તેમની પાસે એક એલઇડી ફેસ માસ્ક પણ છે. આ માસ્ક હજારો નહીં તો સેંકડો પાઉન્ડ્ઝમાં વેચાય છે. ઉત્પાદકોનો દાવો છે કે, રેડ લાઇટનો ઉપયોગ કૉલેજનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે તથા નાની-નાની કરચલી ઘટાડે છે. કેટલાક માસ્કમાં બ્લ્યુ લાઇટનો પણ ઉપયોગ થતો હોય છે, જે પ્રકાશના સ્પેક્ટ્રમ પર ટૂંકી તરંગલંબાઈ ધરાવે છે. વળી, તે ખીલ મટાડવામાં મદદરૂપ હોવાનું કેટલાક અભ્યાસો સૂચવે છે.

મેકલેલૅન્ડ કહે છે, "મારી ત્વચા વધુ ચમકદાર બની હોય, તેવું અનુભવાય છે. સૂર્યપ્રકાશને લીધે મારી ત્વચાને ઘણું નુકસાન થયું હતું, પણ હું જોઈ શકું છું કે, તેમાં ચોક્કસપણે સુધારો થયો છે."

બજારમાં મળતાં રેડ લાઇટ ઉપકરણો કેટલાં અસરકારક?

પણ બજારમાં મળતાં રેડ લાઇટ ઉપકરણો કેટલાં અસરકારક છે?

યુનિવર્સિટી કૉલેજ યુકેસ્થિત ન્યૂરોસાયન્ટિસ્ટ પ્રોફેસર ગ્લેન જેફરી કહે છે કે, "ઇન્ટરનેટ પરથી મોંઘું રેડ લાઇટ ઉપકરણ ખરીદીને તેનો મારો ચલાવવાથી તમને ઇચ્છિત પરિણામો મળે જ, તે જરૂરી નથી."

જોકે, રેડ લાઇટ થૅરપી ત્વચાથી લઈને સ્નાયુના દુખાવા જેવી જુદી-જુદી બાબતોમાં ઉપયોગી બની શકતી હોવાના કેટલાક પ્રોત્સાહક સંકેતો જરૂર મળ્યા છે, તેમ છતાં બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ડર્મેટોલૉજિસ્ટ્સનાં ડૉક્ટર સોફી વેધરહેડ આ મામલે સાવચેત રહેવાની સલાહ આપે છે.

તેઓ કહે છે, "આપણી પાસે ઘણા જુદા-જુદા અભ્યાસો છે, જે નાના પાયા પર થયેલા છે અને તેમાં પ્રકાશનાં વિવિધ સંયોજનો અને પ્રકાશના ઘણા જુદા-જુદા ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે."

"વળી, તેનો આધાર અન્ય પરિબળો ઉપર પણ રહે છેઃ જેમ કે, પ્રકાશ જુદા-જુદા રંગની ત્વચા સાથે કેવી પ્રતિક્રિયા આપે છે, ત્વચાની જાડાઈ, શરીરના કયા ભાગને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, ઉપકરણોને પાવર આપવા માટે કેટલી ઊર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, વગેરે."

રેડ લાઇટ થૅરપીનો ડોઝ કેવી રીતે લઈ શકાય, તેની સમજૂતી અહીં આપેલી છેઃ

રેડ લાઇટ માસ્ક

તેમાં મોટા ભાગે દૃશ્યમાન લાલ પ્રકાશ અને કેટલીક વધુ લાંબી તરંગલંબાઈઓનો ઉપયોગ થાય છે.

વેધરહેડ કહે છે કે, લાલ પ્રકાશ કેટલે અંદર સુધી પ્રવેશ કરી શકે છે, તેનો આધાર ત્વચાની જાડાઈ પર રહેલો છે. તેઓ સમજાવે છે કે, ચહેરાની ત્વચા ઉપર થોડો વધુ ફાયદો થઈ શકે છે, કારણ કે, તે ત્વચા શરીરના અન્ય ભાગો કરતાં કુદરતી રીતે પાતળી હોય છે.

પરંતુ તેઓ ભારપૂર્વક કહે છે કે તેનો આધાર ઉપકરણમાંથી પૂરતો પાવર મળે છે કે કેમ, તેના પર રહેલો છે.

તેઓ કહે છે, "રેડ લાઇટ ત્વચાનાં અંદરનાં સ્તરો સુધી પહોંચવા માટે સક્ષમ હોવી જોઈએ." તેનો અર્થ એ કે સૈદ્ધાંતિક રીતે, તેનાથી માઇટોકોન્ડ્રિયામાં થોડો ફેરફાર થઈ શકે છે.

તે ઉપરાંત, લાલ પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે, તે બાબત પણ મહત્ત્વની બની રહે છે. તેઓ કહે છે કે ઘરે ઉપયોગમાં લેવાતાં ઉપકરણો મેડિકલ ગ્રેડનાં ઉપકરણો કરતાં ઓછાં અસરકારક હોઈ શકે છે.

રેડ લાઇટ થૅરપી બેડ

આ ઉપકરણો થોડા દૃશ્યમાન લાલ પ્રકાશનો, પણ વધુ લાંબી નિયર-ઇન્ફ્રારેડ તરંગલંબાઈનો ઉપયોગ કરે છે.

યુસીએલ ન્યૂરોસાયન્ટિસ્ટ પ્રોફેસર જેફરી કહે છે કે તેમના અભ્યાસો દર્શાવે છે કે, નિયર-ઇન્ફ્રારેડ લાઇટ શરીરની આરપાર પહોંચી શકે છે - જેથી લાઇટ ઊંડે આવેલા કોષો સુધી પહોંચી શકે છે.

જોકે, હાલમાં બજારમાં મળતા બેડ અસરકારક છે કે કેમ, તેને લઈને પોતાની શંકા વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, તે બેડ કોષોના ઊર્જા ઉત્પાદનને સફળતાપૂર્વક ટાર્ગેટ કરવા માટેની આવશ્યક તરંગલંબાઈઓનું ઉચિત મિશ્રણ ધરાવતા હોતા નથી.

તેઓ ઉમેરે છે કે ત્વચાને કેટલી રેડ લાઇટની જરૂર છે, તે નક્કી કરવું ઘણું મુશ્કેલ છે અને આ જરૂરિયાત વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી હોય છે.

યુનિવર્સિટી ઑફ બર્મિંગહામ ખાતેના ન્યૂરોસાયન્ટિસ્ટ પ્રોફેસર ઝુબૈર અહમદ પણ આ વાત સાથે સંમત થાય છે, પણ તેઓ કહે છે કે, જો તરંગલંબાઈ અને તીવ્રતા અનુકૂળ હોય, તો ત્વચાના કાયાકલ્પ માટે, સોજા ઘટાડવા અને સ્નાયુ સાજા કરવામાં મદદ માટે આ બેડ સારા નીવડી શકે છે.

આ ઉપકરણો બેડ અને માસ્ક કરતાં ઘણી વધુ લાંબી તરંગલંબાઈઓનો ઉપયોગ કરે છે. રેડ લાઇટ થૅરપી બેડ અને એલઇડી માસ્કની માફક કોષના પાવરહાઉસ - માઇટોકોન્ડ્રિયાને ટાર્ગેટ કરવાને બદલે તેમની ગરમીમાંથી મુખ્ય ફાયદા મળે છે.

યુનિવર્સિટી ઑફ ઓરેગોનના ફિઝિયોલૉજિસ્ટ પ્રોફેસર ક્રિસ મિન્સન જણાવે છે કે કોષોમાં રહેલા જે અણુઓ ગરમીના તણાવને પ્રતિક્રિયા આપે છે, તે ઊર્જાવાન થાય છે, જેના સોજો ઘટાડવો અને નુકસાન પામેલાં પ્રોટીનની સફાઈ કરવી (જે કોષને પોતાની જાતને રિપૅર કરવામાં ઉપયોગી બની શકે છે), વગેરે સહિતના અગણિત ફાયદા થઈ શકે છે.

સંશોધન સૂચવે છે કે ગરમી કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ (રક્તવાહિની તંત્ર)ને પણ મદદ કરી શકે છે, જકડાઈ ગયેલા સાંધાને રાહત આપી શકે છે અને આપણી ઊંઘમાં પણ સુધારો લાવી શકે છે.

લંડનના એક વેલનેસ હબમાં યોગ તથા પિલાટિસ શીખવતાં એલોઇસ એલેક્સિયા માટે તેમના સ્ટુડિયોમાં રહેલી ઇન્ફ્રારેડ લાઇટ એવું કંઈક આપે છે, જે અન્ય ગરમીથી મળી શકતું નથી.

"મારા ક્લાયન્ટ્સને તે ખૂબ પસંદ છે. ઇન્ફ્રારેડ વધુ લક્ષિત (ટાર્ગેટેડ) છે, તે ક્લાયન્ટ્સના શરીરની આસપાસ ફરવાને બદલે તેમના શરીરને ગરમ કરે છે અને તેમને વધુ ઝડપથી હૂંફ મેળવવામાં મદદ કરે છે," એમ એલેક્સિયા જણાવે છે.

"વળી, તેઓ સામાન્ય ગરમીની તુલનામાં ઇન્ફ્રારેડમાં ઝડપથી થાકતા પણ નથી."

રેડ લાઇટ થૅરપીને સામાન્યપણે સલામત ગણવામાં આવે છે, પણ ત્વચાની ચોક્કસ પ્રકારની સમસ્યા ધરાવતા, ઓટોઇમ્યૂન સ્થિતિ ધરાવતા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય કે પછી કૅન્સરની સારવાર લઈ રહ્યા હોય તેવા લોકોએ તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

નિષ્ણાતો તેનો અતિશય વપરાશ ન કરવાની અને ઉત્પાદકના માર્ગદર્શનને અનુસરવાની સલાહ આપે છે. સાથે જ તેઓ આંખોની સુરક્ષા માટે ચશ્માં પહેરવાની તથા ઉત્પાદનો સીઇ કે યુકેસીએ પ્રોડક્ટ સેફ્ટી માર્ક ધરાવતાં હોય, તેની ખાતરી કરવાની પણ ભલામણ કરે છે.

વેલનેસ સ્યૂટ તરફ પરત ફરીએ તો, રેડ લાઇટ થૅરપી બેડ માટે તબીબી પુરાવાના અભાવ વિશે મેં મેડિકલ ડાયરેક્ટર સાથે વાત કરી. હજુ હમણાં સુધી શિલ્ડ્ઝ એનએચએસ ડૉક્ટર હતાં અને રેન્ડમાઇઝ્ડ નિયંત્રિત પરીક્ષણોના વિશ્વમાં સઘનપણે પરીક્ષણ કરવામાં આવેલી સારવારોનો ઉપયોગ કરતાં હતાં. આથી, તેમના માટે આ ઘણો મોટો ફેરફાર છે.

તેઓ કહે છે કે, "અમે જાણીએ છીએ કે તે કામ કરે છે. અન્ય નિવારણાત્મક દવાઓની માફક પુરાવા સીમિત છે, પણ તેનો અર્થ એ નથી કે તે કામ નથી કરતું."

બેડમાંથી બહાર નીકળતાં મને થોડી હળવાશ અનુભવાઈ, જાણે કે કોઈએ મને હળવી માલિશ કરી આપી હોય. કાં તો પછી એવું પણ હોય કે તણાવભરી સવાર પછી મને 15 મિનિટ સુધી નિરાંતે આડા પડવા મળ્યું, તેની જ આ અસર હોય.

તબીબી દૃષ્ટિકોણથી જોતાં આ ક્ષેત્રે પાયાનું કામ ચાલી રહ્યું છે.

તબીબી ક્ષેત્રે રેડ લાઇટ થૅરપી સાચે જ આશાસ્પદ હોવાનું સૂચવતા અભ્યાસોની સંખ્યા સતત વધી રહી છે - જે ગ્લૂકોઝના આપણા લેવલને કાબૂમાં લેવાથી લઈને કરોડરજ્જુની નુકસાનગ્રસ્ત ચેતાઓને સાજી કરવા સુધીની પ્રક્રિયાઓમાં ઉપયોગી બની રહે છે.

"પણ હાલના તબક્કે તો ઉદ્યોગ દ્વારા બેરોકટોકપણે કરવામાં આવી રહેલા દાવાઓનું સમર્થન કરતા કોઈ તબીબી પુરાવા મોજૂદ નથી," એમ પ્રોફેસર અહમદ જણાવે છે.

"પણ તેનો અર્થ એ નથી કે, ભવિષ્યમાં પણ પુરાવા નહીં મળે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન