You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોના-ચાંદી હજુ કેટલાં મોંઘાં થશે, જ્વેલરીનો ભાવ કેટલો વધી જશે?
ભારતે સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી નાખી છે.
સરકારે બુધવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
આ પગલું કિંમતી ધાતુઓની વિદેશથી ખરીદી ઘટાડવા અને ભારતમાં વિદેશી હુંડિયામણ પરના દબાણને રોકવાના હેતુસર લેવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાનાં ઘરેણાં ન ખરીદે.
તેમણે કહ્યું હતું કે, "સોનાની ખરીદી એક એવી બાજુ છે જેમાં ભારે વિદેશી ચલણ વપરાય છે. એક સમય હતો જ્યારે સંકટ આવતો ત્યારે લોકો દેશહિતમાં પોતાનું સોનું દાનમાં આપતા હતા."
"આજે દાનની જરૂર નથી, પરંતુ લોકહિતમાં આપણે નક્કી કરવાનું રહેશે કે એક વર્ષ સુધી ઘરમાં કોઈ પણ કાર્યક્રમ હોય, આપણે સોનું નહીં ખરીદીએ."
તેમણે કહ્યું હતું કે "સોનું નહીં ખરીદીએ. વિદેશી ચલણ બચાવવા માટે આપણ દેશભક્તિ આપણને પડકાર ફેંકી રહી છે અને આપણે તેનો સ્વીકાર કરીને વિદેશી ચલણ બચાવવું પડશે."
સરકારે સોના અને ચાંદી પર 10 ટકા બઝિક કસ્ટમ ડ્યૂટી અને 5 ટકા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ લગાવ્યો છે. તેનાથી કુલ ઇમ્પોર્ટ ડયૂટી 6 ટકાથી વધીને 15 ટકા થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એ થયો કે ભારતમાં આવતા સોના અને ચાંદીનાં ઘરેણાં, ટ્રેડર્સ, જ્વેલર્સ અને અંતે સામાન્ય વપરાશકારે ઊંચા ભાવ ચૂકવવા પડશે.
જોકે, આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય, પરંતુ સોના અને ચાંદીના ઘરેલુ ભાવ પર તેની અસર પડી શકે છે.
એવું કહેવામાં આવે છે કે સોના પર ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવાથી સામાન્ય ગ્રાહકો પર સીધી અસર પડશે.
સરકારે હાલમાં ઇમ્પોર્ટ ડ્યૂટી કેમ વધારી?
સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાનું ટાઇમિંગ માત્ર તેના ભાવ સાથે સંકળાયેલું નથી, પરંતુ ભારતના અર્થતંત્ર પરનું દબાણ હટાવવાનો પણ હેતુ છે.
રૉયટર્સ મુજબ ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ વર્ષ 2025-26માં 71 અબજ ડૉલરનો આંકડો પાર કરી ગઈ હતી. ક્રૂડ ઑઇલ પછી સોનાનો આયાત ખર્ચ સૌથી વધારે છે.
સોનાને આયાત કરવા માટે ભારતે વિદેશી ચલણ (ડૉલર) ખર્ચ કરવા પડે છે અને તેની સીધી અસર વિદેશી ચલણની અનામત પર પડે છે.
ડૉલરની માંગ સતત વધવાથી રૂપિયા પર દબાણ આવે છે. ડૉલર મજબૂત થવાથી રૂપિયો અત્યારે પણ સૌથી નીચા સ્તરે છે.
રશિયા અને યુક્રેન યુદ્ધ તથા ઈરાન યુદ્ધના કારણે રોકાણકારોએ સોનામાં ભારે રોકાણ કરેલું છે.
તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવોમાં છેલ્લા કેટલાક મહિનામાં મોટો વધારો થયો છે અને દેશનું આયાત બિલ વધ્યું છે.
સોનાની માંગ પર કેવી અસર થશે?
ભારતમાં સોનું એ ઘરેલુ બચત અને ખર્ચનો મહત્ત્વનો હિસ્સો છે. તેથી તે દુનિયાના સૌથી મોટા બજારો પૈકી એક છે.
સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ 51.4 અબજ ડૉલર હતી.
2023માં તે 45.54 અબજ ડૉલર હતી. એટલે કે 2024-25માં તેમાં 13.7 ટકાનો વધારો થયો હતો.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ ઇકોનૉમિક ટાઇમ્સને જણાવ્યું કે, "અનુમાન હતું તે પ્રમાણે સરકારે ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે દર વધાર્યા છે. જોકે, તેની અસર માંગ પર પડી શકે છે, કારણ કે સોના અને ચાંદીના ભાવ પહેલેથી ઊંચા સ્તરે છે."
છેલ્લા એક વર્ષમાં શૅરબજારમાં નેગેટિવ રિટર્ન અને સોનાના ભાવોમાં હાલની તેજી વચ્ચે ભારતમાં રોકાણ માટે સોનાની માંગ વધી છે.
જ્વેલરી કંપનીઓના શૅર ગગડ્યા
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગયા મહિને કહ્યું હતું કે માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતના ગોલ્ડ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં રોકાણ ગયા વર્ષના આ ગાળાની તુલનામાં 186 ટકા વધ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી જ્વેલરીના કારોબાર સાથે સંકળાયેલી કંપનીઓના શૅરો પર દબાણ છે.
છેલ્લા બે દિવસમાં ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, રાજેશ ઍક્સપોર્ટ્સ જેવી કંપનીઓના શૅરોમાં 10થી 15 ટકા ઘટાડો થયો છે.
સોનાની ખરીદી રૂપિયા પર કેવી અસર પાડે છે?
અર્થશાસ્ત્રીઓ સોનાને સામાન્ય ઉપયોગની ચીજ તરીકે નથી જોતા. કારણ કે પરિવહન, વીજળી અને ઔદ્યોગિક ગતિવિધિમાં ઑઇલની જરૂર પડે છે. જ્યારે ગોલ્ડની આયાતને તેઓ ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ એટલે કે વૈકલ્પિક ખર્ચ અથવા રોકાણનો વિકલ્પ માને છે.
પરિવાર જ્યારે મોટા પ્રમાણમાં સોનું અથવા જ્વેલરી ખરીદે છે ત્યારે ગોલ્ડની આયાત માટે વધારે ડૉલર ખર્ચવા પડે છે. તેનાથી ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) વધી જાય છે, જે આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત દર્શાવે છે.
ચાલુ ખાતાની ખાધ વધે તો તે રૂપિયાને નબળો કરે છે, કારણ કે દેશ જેટલું વિદેશી ચલણ કમાય, તેનાથી વધારે ખર્ચ કરે છે. આ કારણથી જ સરકારો ઘણી વખત આવી સ્થિતિમાં સોનાની આયાત અંગે સતર્ક થઈ જાય છે.
આર્થિક દબાણ વખતે ભારત પહેલાં પણ સોનાની આયાતને હતોત્સાહિત કરવાના પગલાં લઈ ચૂક્યું છે.
ભૂતકાળમાં સરકારોએ સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે અને સોવરિન ગોલ્ડ બૉન્ડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપ્યું છે.
આ બધા પગલાંનો હેતુ વિદેશી ચલણના ભંડાર પર દબાણ ઓછું કરવાનો અને રૂપિયાને સ્થિર રાખવાનો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન