You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીએ ભારત-નૉર્ડિક સમિટની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-નૉર્ડિક સમિટમાં એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં 'રુલ બેસ્ડ ગ્લોબલ ઑર્ડર તથા આંતરાષ્ટ્રિય સંસ્થાનોના રિફૉર્મ' પર ફરી ભાર મૂક્યો છે.
સાથે તેમણે યુક્રન તથા મધ્ય-પૂર્વમાં સંઘર્ષની સમાપ્તિ તથા શાંતિ માટેના પ્રયાસોનું સમર્થન પણ કર્યું.
આ પહેલાં સોમવારે પણ તેમણે નૉર્વેના વડા પ્રધાન યોનસ ગાર સ્ટોરે સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત કરી હતી.
પીએમ મોદીએ મંગળવારે કહ્યું, "વૈશ્વિક તણાવ અને સંઘર્ષના આ સમયમાં ભારત અને નૉર્ડિક દેશ સાથે મળીને એક રુલ બેસ્ડ ગ્લોબલ ઑર્ડરને મજબૂતી આપતા રહેશે. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષની જેમ બને તેમ જલદી સમાપ્તિ તથા શાંતિના પ્રયાસોનું સમર્થન કરતા રહીશું."
તેમણે કહ્યું, "અમે એ વાત પર સહમત છીએ કે બહુપક્ષીય સંસ્થાનોનું રિફૉર્મ જરૂરી છે."
સોમવારે નૉર્વેના વડા પ્રધાન સાથે થયેલી સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં પીએમ મોદી પર પત્રકારોના સવાલ નહીં લેવાના આરોપ લાગ્યા હતા. તેને લઈને વિવાદ પણ થયો હતો. બાદમાં ભારતીય વિદેશ મંત્રાલય તરફથી યોજીત પ્રેસ કૉન્ફરન્સમાં પણ આ મામલે ગરમાગરમ ચર્ચા થઈ હતી.
બ્રિક્સ સમિટમાં સામેલ થવા ભારત આવશે વ્લાદિમીર પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 12 અ 13મી સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં થનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.
દક્ષિણ આફ્રિકામાં રશિયાના દૂતાવાસે આ જાણકારી ક્રેમલિનના એક સહયોગીના હવાલે આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે પણ ક્રેમલિનમાં આંતરરાષ્ટ્રીય મામલાના સહયોગી યૂરી ઉશાકોવના હવાલેથી આ જાણકારી આપી છે.
આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહેલા ભારતમાં સપ્ટેમ્બરમાં આ વાર્ષિક સંમેલન યોજાશે.
રાષ્ટ્રપતિ પુતિન છેલ્લે ડિસેમ્બર, 2025માં 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.
આ મહિનાની શરૂઆતમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોની બે દિવસની બેઠકમાં ભાગ લીધો હતો.
બ્રિક્સની શરૂઆતમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ હતા. 2024માં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું અને ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાતને સામેલ કરવામાં આવ્યું. ઇન્ડોનેશિયા 2025માં તેમાં સામેલ થયું.
બ્રિક્સ એક પ્રભાવશાળી સમૂહ તરીકે ઉભર્યું છે. તેમાં દુનિયાની મોટી ઉભરતી અર્થવ્યવસ્થા સામેલ છે. આ સમૂહ દુનિયાની અડધી વસ્તી અને લગભગ 40 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીને ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં મળ્યું સ્થાન
ગુજરાત ટાઇટન્સની ટીમમાં સામેલ 25 વર્ષીય બૉલર ગુરનૂર બ્રારને ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે.
આજે અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે રમાનાર ટૅસ્ટ અને વન-ડે શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત થઈ છે, તેમાં ગુરનૂરને સ્થાન આપવામાં આવ્યું છે.
પંજાબના મુક્તસરમાં જન્મેલા ગુરનૂર જમણેરી ફાસ્ટ બૉલર છે જ્યારે ડાબોડી બૅટ્સમૅન છે.
IPLમાં તેઓ માત્ર એક જ મૅચ પંજાબ કિંગ્સ તરફથી 2023માં રમ્યા છે. પછી તેમને પ્લૅઇંગ 11માં તક મળી નથી.
પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 18 મૅચમાં 52 વિકેટ ઝડપી છે તથા 304 રન નોંધાવ્યા છે. તેમની ઇકોનોમી 3.61ની રહી છે. લિસ્ટ-એ ક્રિકેટમાં તેમણે નવ મૅચમાં 12 વિકેટ તથા ડૉમેસ્ટિક ટી-20માં તેમણે નવ મૅચમાં 10 વિકેટ ઝડપી છે.
અફઘાનિસ્તાન સામે ભારતની વન-ડે ટીમ:
શુભમન ગિલ (C), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (VC), લોકેશ રાહુલ, ઈશાન કિશાન, હાર્દિક પંડ્યા, નીતિશકુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપસિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ ત્યાગી
અફઘાનિસ્તાન સામે ભારતની ટેસ્ટ ટીમ:
શુભમન ગિલ (C), લોકેશ રાહુલ (VC), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડ્ડિકલ, નીતિશકુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ
ફાલ્ટા સીટ પર થનારી પેટાચૂંટણીથી પાછળ હઠ્યા તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન, ભાજપે શું કહ્યું?
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2026 બાદ રાજ્યમાં ભાજપની પહેલી વખત સરકાર બની છે પરંતુ ચૂંટણી પ્રક્રિયા હજુ પણ ચર્ચામાં છે.
રાજ્યની વિધાનસભાની 294 બેઠકો પૈકી એક બેઠક પર મતદાનને રદ કરી દેવામાં આવ્યું હતું અને તેના પર 21મી મે ના રોજ ફરી મતદાન થવાનું છે.
ફાલ્ટા વિધાનસભા બેઠક ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાનને કારણે ચર્ચામાં હતી અને હવે તેને કારણે આ બેઠકની પેટા ચૂંટણી ફરી ચર્ચામાં આવી છે.
ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાને ઘોષણા કરી છે કે તેઓ પોતે ચૂંટણી પ્રક્રિયાથી અલગ થઈ રહ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, તેમની ઘોષણા પર રાજ્યના નવા મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારીએ કહ્યું છે કે જહાંગીર ખાન ભાગી ગયા છે કારણ કે તેમને કોઈ પોલિંગ એજન્ટ નથી મળી રહ્યા.
બીજી તરફ જહાંગીર ખાનના પાછળ હઠવાનું કારણ આપતા ટીએમસીએ કહ્યું છે કે આ તેમનો અંગત નિર્ણય છે, આ પાર્ટીનો નિર્ણય નથી.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં કરવામાં આવી હતી. બીજા ચરણ દરમિયાન ફાલ્ટામાં પણ મતદાન થયું હતું પરંતુ ચૂંટણીપંચે આ બેઠકનાં તમામ 285 મતદાનકેન્દ્રો પર અનિયમિતતા ધ્યાને આવતા ચૂંટણી રદ કરી હતી અને 21 મે ના રોજ ફરી વખત મતદાનનો આદેશ આપ્યો હતો. જેનું પરિણામ 24મી મે ના રોજ આવશે.
જહાંગીર ખાને કહ્યું છે કે "હું ફાલ્ટાનો દીકરો છું અને હું ઇચ્છું છું કે ફાલ્ટામાં શાંતિ સ્થપાય અને તેનો વિકાસ થાય. અમારા મુખ્ય મંત્રી ફાલ્ટાના વિકાસ માટે ખાસ પૅકેજ આપી રહ્યા છે, જેને કારણે હું મારી જાતને આ વિધાનસભા ક્ષેત્રમાં થનારા બીજી વખતના મતદાનથી અલગ કરી રહ્યો છું."
'કૂતરાંના ડર વગર જીવવાનો બધાને હક', રખડતાં કૂતરાં પર સુપ્રીમ કોર્ટે હવે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને લઈને પોતાનો પહેલો નિર્દેશ પરત ખેંચવાનો ઇન્કાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ ઘણી અરજીઓને ફગાવી દીધી.
સમાચાર એજન્સી પીટીઆઈ અને લાઇવ લૉ પ્રમાણે જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની ખંડપીઠે પોતાના નિર્દેશોને બદલવાની માંગ ઠુકરાવી દીધી.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે (2025) નવેમ્બરમાં પોતાના આદેશમાં કહ્યું હતું કે હૉસ્પિટલો, બસ સ્ટેશનો, સ્કૂલો, રેલવે સ્ટેશનો જેવી સાર્વજનિક જગ્યાઓ પરથી પકડાયેલાં કૂતરાંને રસીકરણ કે નસબંધી બાદ તેને તે જ જગ્યાએ પાછા નહીં છોડવામાં આવે.
બીજા શબ્દોમાં, સાર્વજનિક સ્થાનોથી પકડવામાં આવેલાં રખડતાં કૂતરાંને હવે શેલ્ટર હોમમાં જ રાખવામાં આવશે.
કોર્ટે ઍનિમલ વેલફેર બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી)ને પડકારનારી અરજીઓને પણ ફગાવી દીધી.
મંગળવારે પોતાના ચુકાદામાં કોર્ટે બાળકો પર કૂતરાંના હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ સાથે જોડાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો.
કોર્ટે કહ્યું કે નાનાં બાળકોને નોચવામાં આવ્યાં, વૃદ્ધો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાં સુધી કે વિદેશી યાત્રીઓ પણ શિકાર બન્યા.
કોર્ટે લોકોને કૂતરાંના હુમલાથી સુરક્ષિત રાખવામાં મળેલી વિફળતા બદલ રાજ્ય સરકારો અને પ્રશાસનિક અધિકારીઓને જવાબદાર ગણ્યા.
અમદાવાદ-બાવળા હાઇવે પર મોરૈયા ગામ નજીક કલરની ફૅક્ટરીમાં ભીષણ આગ
અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલા મોરૈયા ગામ નજીક આવેલી કલરની ફૅક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
બીબીસી સહયોગી સચિન પીઠવાના જણાવ્યા અનુસાર, આગ લાગતા જ ફૅક્ટરી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂરથી જ આગનો ધુમાડો દેખાતો હતો.
આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ ફૅક્ટરીમાં રહેલા કેમિકલ અને કલરના જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ફાયર વિભાગ દ્વારા ફેક્ટરીમાં હાજર કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ અહેવાલ છપાય છે ત્યાં સુધી, કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જોકે આગના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો : ગુજરાતના કેટલાક પેટ્રોલપંપ પર લાઇનો લાગી
મંગળવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલપંપ ખાતે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
તો કેટલાક વિસ્તારોમાં તો વાહનચાલકો પ્લાસ્ટિકના કૅરબા લઈને લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ બીજો વધારો છે.
બીબીસી સહયોગી ફારૂક કાદરી અનુસાર, અમરેલીના બાબરાના તમામ પેટ્રોલપંપ પર લાગી લાંબી લાઇનો જોવા મળી રહી છે.
તેમજ વડિયા, મહુવા રોડ પર આવેલા પેટ્રોલપંપ અને સાવરકુંડલાના એક પેટ્રોલપંપ સિવાયના મોટા ભાગના પેટ્રોલપંપો બંધ જોવા મળ્યા હતા
તો બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લીંબડી ગામમાં આવેલા પેટ્રોલપંપ પર ડીઝલ લેવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી
ત્યારે, બીજી તરફ બનાસકાંઠા અને વાવ થરાદના મોટા ભાગના પેટ્રોલપંપ જથ્થો ન હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તેમજ ભાભરમાં પણ પેટ્રોલપંપ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. આ સાથે જ પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવવધારા પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી.
કૉંગ્રેસે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું ,"'મોંઘવારીમેન' મોદીનું હન્ટર ફરી એક વાર જનતા પર પડ્યું. પેટ્રોલ અને ડીઝલ 90 પૈસા મોંઘું કરવામાં આવ્યું છે. મોદીએ છેલ્લા 4 દિવસમાં 4 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. આ વધારા સાથે દેશમાં પેટ્રોલ 109 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયા પર પહોંચી ગયું છે. આ તો માત્ર શરૂઆત છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એટલે 'મોંઘવારીમેન' વધારે વસૂલી કરશે."
પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા, હવે એક લિટરની કિંમત આટલી થઈ
મંગળવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો. એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ બીજો વધારો છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર , દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ. 97.77 પ્રતિ લિટરથી વધીને રૂ. 98.64 પ્રતિ લિટર થયો છે. ડીઝલનો ભાવ હવે રૂ. 90.67થી વધીને 91.58 પ્રતિ લિટર થયો છે.
આ પહેલા શુક્રવારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં પેટ્રોલ 91 પૈસા વધીને 107.59 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94 પૈસા વધીને 94.08 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
જ્યારે કોલકાતામાં પેટ્રોલના ભાવમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં 96 પૈસા વધીને 109.70 રૂપિયા પ્રતિ લિટર થયો, જ્યારે ડીઝલના ભાવ 94 પૈસા વધીને 96.07 રૂપિયા પ્રતિ લિટર થયા.
ચેન્નાઈમાં પેટ્રોલ 82 પૈસા વધીને 104.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86 પૈસા વધીને 96.11 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
ટ્રમ્પનો દાવો : તેઓ આજે ઈરાન પર હુમલો કરવાના હતા, પરંતુ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે મંગળવારે ઈરાન પર સૈન્ય હુમલોને રોક્યો છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓએ તેમને આ હુમલો રોકવા કહ્યું હતું.
તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "મને કતારના અમીર તમીમ બિન હમદ અલ થાની, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ અને યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા ઈરાન પર આવતી કાલે થનારા અમારા સૈન્ય હુમલાને રોકી રાખવા કહેવામાં આવ્યું છે, કારણ કે હાલમાં ગંભીર વાટાઘાટ ચાલી રહી છે."
"તેઓ માને છે કે એક એવો કરાર થશે જે અમેરિકા, મધ્યપૂર્વ અને અન્ય દેશોને સ્વીકાર્ય હશે. આ કરારમાં સૌથી મહત્ત્વની વાત એ હશે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો નહીં હોય."
ટ્રમ્પે લખ્યું, "આ નેતાઓ પ્રત્યે સન્માનને કારણે મેં સંરક્ષણમંત્રી પીટ હેગસેથ, જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચૅરમૅન જનરલ ડેનિયલ કેન અને અમેરિકાના સૈન્યને સૂચના આપી છે કે અમે કાલે ઈરાન પર હુમલો નહીં કરીએ. પરંતુ મેં તેમને એમ પણ કહ્યું છે કે જો સ્વીકાર્ય કરાર ન થાય તો તાત્કાલિક ઈરાન પર મોટો હુમલો કરવા માટે તૈયાર રહે."
ઈરાન પર ટ્રમ્પનું તાજેતરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની લોકપ્રિયતા ઘટી રહી છે. સર્વેક્ષણો દર્શાવે છે કે અમેરિકનો યુદ્ધથી ખાસ ખુશ નથી.
સોમવારે જાહેર થયેલા ન્યૂ યૉર્ક ટાઇમ્સ/સીએના એક સર્વે મુજબ, લગભગ 64% મતદારો માને છે કે ઈરાન સાથે યુદ્ધ કરવાનો નિર્ણય ખોટો હતો.
આ આંકડા દર્શાવે છે કે મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકા : સેન ડિએગોની સૌથી મોટી મસ્જિદમાં ગોળીબાર, ત્રણ લોકોનાં મોત
સોમવારે અમેરિકાના સેન ડિએગોમાં એક મસ્જિદમાં ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે મસ્જિદની બહાર એક કારમાં બે કિશોર પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
કૅલિફોર્નિયાના ક્લેરમૉન્ટ વિસ્તારમાં આવેલી આ ઇસ્લામિક સેન્ટર સેન ડિએગોની સૌથી મોટી મસ્જિદ છે.
આ કેસની તપાસ હેટ ક્રાઇમ તરીકે કરવામાં આવી રહી છે. પોલીસવડા સ્કૉટ વૉલે જણાવ્યું હતું કે સેન ડિએગો ઇસ્લામિક સેન્ટરમાં થયેલા ગોળીબારને "હેટ ક્રાઇમ" તરીકે ગણવામાં આવી રહ્યો છે અને "હેટ સ્પીચ સ્પષ્ટપણે સામેલ હતી."
તેમણે જણાવ્યું હતું કે બે શંકાસ્પદ વ્યક્તિ, જેમની ઉંમર 17 અને 19 વર્ષની હોવાનું માનવામાં આવે છે, તે બહાર એક કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસની શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે તે શંકાસ્પદ લોકોએ પોતાને ગોળી મારી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું: "મેં લગભગ 30 રાઉન્ડ ગોળીઓના અવાજ સાંભળ્યા. ગોળીબારનો અવાજ એવો સંભળાતો હતો કે તે કોઈ સેમિ-ઑટોમેટિક હથિયારનો હોય."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેન ડિએગો ઇસ્લામિક સેન્ટરમાં થયેલા ગોળીબારને "અત્યંત ભયાનક" ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "મને પ્રાથમિક માહિતી આપવામાં આવી છે, પરંતુ અમે તેના પર ફરીથી ગંભીરતાથી વિચાર કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન